Monday, May 20, 2024
More
    હોમપેજદેશસંયુક્ત ઘોષણાપત્ર, ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કૉરિડોરની ઘોષણા, આફ્રિકન યુનિયનનો સમાવેશ…: એક નજર G-20...

    સંયુક્ત ઘોષણાપત્ર, ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કૉરિડોરની ઘોષણા, આફ્રિકન યુનિયનનો સમાવેશ…: એક નજર G-20 સમિટના પ્રથમ દિવસની ભારતની પાંચ મોટી ઉપલબ્ધિઓ પર

    આ સંમેલનને ભારતની મોટી ઉપલબ્ધિ એટલા માટે પણ ગણાવી શકાય કારણ કે નજીકના ભૂતકાળમાં જેટલાં પણ G20 શિખર સંમેલનો થયાં છે તેમાં સૌથી વધુ કામ આ વર્ષની સમિટમાં થયું છે.

    - Advertisement -

    ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G-20 સમિટ- 2023નો પ્રથમ દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે. પહેલા દિવસે બે સત્ર યોજાયાં, જ્યારે તે સિવાય પણ અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો થયા. શિખર સંમેલનના પ્રથમ દિવસે જ ભારતે એવી ઉપલબ્ધિઓ મેળવી છે જેનાં સુખદ પરિણામો આવનારા ભવિષ્યમાં જોવા મળશે. આ ઉપલબ્ધિઓમાં સંયુક્ત ઘોષણાપત્રનો પણ સમાવેશ થાય છે. 

    શિખર સંમેલન અગાઉ લેફ્ટિસ્ટ મીડિયાના એક વર્ગ બહુ અપપ્રચાર ચલાવ્યો હતો અને સંયુક્ત ઘોષણાપત્ર પર સહમતી ન બની હોવાનું કહીને ભારત સરકારની કૂટનીતિક ‘હાર’ ગણાવી હતી. પરંતુ આ ‘ઉત્સાહ’ લાંબો ટકી શક્યો નહીં, કારણ કે ભારતે ઘોષણાપત્ર પર તમામ દેશોની સહમતી મેળવી લીધી છે. આ સાથે G-20 દરમિયાન ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકોનોમિક કૉરિડોરની ઘોષણા પણ થઈ ગઈ તો સાથોસાથ ભારતના પ્રયાસોથી આફ્રિકન યુનિયનને સ્થાયી સદસ્યતા પણ મળી.

    ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ- સંયુક્ત ઘોષણાપત્ર પર સૌની સહમતી મેળવવી 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વિતિય સત્રના આરંભે ઘોષણા કરી કે ‘ન્યૂ દિલ્લી ડેકલેરેશન’ને તમામ સભ્યોની સહમતી મળી છે. એટલે કે ભારતે જે મુદ્દા પ્રસ્તાવિત કર્યા હતા તેને તમામ દેશોએ એકસૂરે સ્વીકારી લીધા છે. વિશ્વના આટલા શક્તિશાળી દેશોને એક કરવા બદલ આ ભારતની મોટી કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ઘોષણાપત્રમાં ભારતે વૈશ્વિક સ્તરે બદલાવ માટે 10 બિંદુઓને સામેલ કર્યાં હતાં, જેની ઉપર તમામ સભ્ય દેશોએ સહમતી દર્શાવી. મુખ્ય મુદ્દાઓ એવા છે કે વિશ્વએ સશક્ત, સતત, સંતુલિત અને સમાવેશી વિકાસ તરફ આગળ વધવાનું છે અને સતત વિકાસના લક્ષ્ય તરફ આગળ પ્રગતિ કરવાની છે. આ સિવાય ભારતે 21મી સદીમાં દુનિયાના બહુપક્ષીય સંસ્થાનોની રચના પર પણ ભાર મૂક્યો. 

    આ સંમેલનને ભારતની મોટી ઉપલબ્ધિ એટલા માટે પણ ગણાવી શકાય કારણ કે નજીકના ભૂતકાળમાં જેટલાં પણ G20 શિખર સંમેલનો થયાં છે તેમાં સૌથી વધુ કામ આ વર્ષની સમિટમાં થયું છે. ભારતની પહેલ પર વિશ્વના દેશો સાથે આવ્યા છે. 

    રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે પણ દેશો સહમત થયા 

    સંયુક્ત ઘોષણાપત્રમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે,  “તમામ દેશો યુએન ચાર્ટરના (સંયુક્ત રાષ્ટ્રના નિયમો) ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોને અનુરૂપ વર્તે અને યુએનના નિયમોને વળગી રહીને કોઇ દેશની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન થાય તે રીતે ક્ષેત્રીય અધિગ્રહણ મેળવવા માટે બળપ્રયોગથી બચે. પરમાણુ હથિયારોનો ઉપયોગ કે ઉપયોગ કરવાની ધમકીઓ સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.”

    ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ મેગા કૉરિડોર ડીલની ઘોષણા 

    ચીનના ‘રોડ એન્ડ બેલ્ટ ઈનિશિએટિવ’ સામે ભારતે હવે શસ્ત્રો ઉગામ્યાં છે. આ જ દિશામાં આજે ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા અને યુરોપિયન યુનિયને એક ઐતિહાસિક ડીલની ઘોષણા કરી હતી. બહુ જલ્દીથી ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ શિપિંગ એન્ડ રેલવે કૉરિડોર પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવશે. પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડન, સાઉદી અરબના વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અને યુરોપિયન યુનિયનના નેતાઓની ઉપસ્થિતિમાં વડાપ્રધાને આ ડીલની ઘોષણા કરી હતી. 

    આ એક વ્યાપક રેલવે અને શિપિંગ કોરિડોર હશે, જેના હેઠળ કોમર્સ અને ઉર્જાની સાથે-સાથે ડિજિટલ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ વિકાસના નવા માપદંડ ઘડવામાં આવશે. જેના કારણે ભારત ગ્લોબલ કારોબારનું એક મોટું કેન્દ્ર બની જશે અને આરબ દેશો અને યુરોપ સાથે સીધો વેપાર કરી શકશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ મિડલ ઈસ્ટને રેલ માર્ગે જ્યારે ભારતને તેમની સાથે શિપિંગ લેન મારફતે જોડશે. જેથી આવનાર સમયમાં ગલ્ફ દેશો સાથે ભારતનો વેપાર અનેકગણો વધશે. પીએમ મોદીએ આ ડીલને ઐતિહાસિક ગણાવી અને કહ્યું કે, તેનાથી એક કનેક્ટિવિટી વધશે અને ટકાઉ અને મજબૂત વિકાસ તરફ આગળ વધી શકાશે. 

    ગ્લોબલ બાયોફ્યુલ્સ એલાયન્સ 

    સમિટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ બાયોફ્યુલ્સ એલાયન્સની પણ ઘોષણા કરી. તેના સભ્ય દેશોમાં ભારત સિવાય અમેરિકા, યુએઈ, ઈટલી, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, આર્જેન્ટીના વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કેનેડા અને સિંગાપોર ‘ઓબ્ઝર્વર મેમ્બર’ તરીકે જોડાયા છે. તમામ દેશોના વડાઓની હાજરીમાં પીએમ મોદીએ આ એલાયન્સની ઘોષણા કરી હતી. 

    ગ્લોબલ બાયોફ્યુલ્સ એલાયન્સ બનાવવાનો ઉદ્દેશ્ય ટકાઉ બાયોફ્યુલનો ઉપયોગ વધારવાનો છે. સાથે જ તે બાયોફ્યુલ માર્કેટ મજબૂત કરવા અને વૈશ્વિક સ્તરે તેના કારોબારને વધુ સુવિધાજનક બનાવીને તકનીકી સહાય પ્રદાન કરવાનું કામ પણ કરશે. હાલ ભારતમાં સૌથી વધુ ઈથેનોલ બનાવનારા દેશો અમેરિકા અને બ્રાઝિલ છે. જ્યારે બાયોડીઝલ મામલે યુરોપ સૌથી આગળ છે. બીજા નંબરે અમેરિકા અને ત્રીજું ઈન્ડોનેશિયા છે. 

    આફ્રિકન યુનિયનનો G-20માં સમાવેશ, ભારતની વધુ એક કૂટનીતિક જીત 

    અત્યાર સુધી G-20 સમૂહમાં 19 દેશો અને યુરોપિયન યુનિયન એમ કુલ 20 સભ્યો હતા, જે હવે 21 થયા છે. આફ્રિકન યુનિયનને પણ આ સમૂહની સ્થાયી સદસ્યતા આપવામાં આવી છે. આ યુનિયનમાં આફ્રિકાના કુલ 55 દેશોનો સમાવેશ થાય છે, જેમને હવે G-20 જેવા વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું છે. જે ભારતને આભારી છે. 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત ગ્લોબલ સાઉથના વિકાસ માટે પ્રયાસરત રહે છે. G20 સમિટ શરૂ થાય એ પહેલાં જૂન, 2023માં વડાપ્રધાન મોદીએ તમામ G20 દેશોને એક પત્ર લખીને પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને આ સમૂહનું 21મુ સભ્ય બનાવવામાં આવે. જેવો વડાપ્રધાન મોદીએ આ પ્રસ્તાવ મોકલ્યો કે તરત અમેરિકા અને ફ્રાન્સે પોતાનો ટેકો જાહેર કરી દીધો હતો. ત્યારબાદ અન્ય દેશોના વડાએ પણ સમર્થન જાહેર કર્યું અને આખરે આજે આધિકારિક રીતે આફ્રિકન યુનિયનને સમૂહમાં સામેલ કરી દેવામાં આવ્યું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં