Wednesday, April 17, 2024
More
  હોમપેજમંતવ્યબે રિક્ષાવાળાઓને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરતાં અમદાવાદનાં પ્રખ્યાત RJ દેવાંગ ગુજરાત પોલીસનાં...

  બે રિક્ષાવાળાઓને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરતાં અમદાવાદનાં પ્રખ્યાત RJ દેવાંગ ગુજરાત પોલીસનાં હાથે ઝડપાયા; જાણીએ શું છે ગુજરાત પોલીસની આ મેગા ડ્રાઈવ

  આપણે પણ ધ્યાન રાખીએ એ પણ એટલું જ જરૂરી છે. નાનીમોટી નાણાંકીય જરૂરિયાતો પુરી કરવા સરકારી નાણાંકીય સંસ્થાઓ અથવાતો બેંકોને જ પ્રથમ પ્રેફરન્સ આપીએ, જો એ શક્ય ન હોય તો સરકારી લાઈસન્સ ધરાવતી નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનું નિશ્ચિત કરીએ.

  - Advertisement -

  અમદાવાદનાં પ્રસિદ્ધ RJ ગુજરાત પોલીસનાં હાથે ઝડપાઈ ગયાં છે. ગઈકાલથી એક વિડીયો ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં અમદાવાદનાં એક પ્રસિદ્ધ RJ જેમનું નામ દેવાંગ છે તેઓ બે રિક્ષાવાળાઓને વ્યાજે પૈસા આપવાનું કહી રહ્યાં હોવાનું સ્પષ્ટ દેખાય છે.

  RJ દેવાંગે આ બંને રિક્ષાવાળાઓને એક દિવસ માટે દસ-દસ હજાર રૂપિયાની દસ ટકા વ્યાજે ઓફર કરી હતી. તેમનું કહેવું હતું કે અત્યારે તેઓ તેમને નવ હજાર રૂપિયા કેશ આપી રહ્યાં છે અને સાંજે આ બંનેએ તેમને દસ હજાર રૂપિયા પરત આપવા પડશે. RJ દેવાંગ એમ પણ કહેતાં દેખાય છે કે જ્યાં સુધી તેઓ છે ત્યાં સુધી પૈસા બાબતે આ બંને રિક્ષા ચાલકોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી.

  આ સંવાદ હજી ચાલી જ રહ્યો હોય છે ત્યાં જ અમદાવાદ પોલીસનાં એક અધિકારી ત્યાં આવી ચડે છે અને આ RJ ગુજરાત પોલીસનાં હાથે ઝડપાઈ જાય છે તેવું આપણે આ વિડીયોમાં જોઈ શકીએ છીએ. આ પોલીસ RJ દેવાંગને પૂછે છે કે શું તેમની પાસે લોકોને વ્યાજે નાણાં ધીરવાનું લાયસન્સ છે કે કેમ? આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ જતાં RJને અધિકારી અટકમાં લેવાનું કહે છે. ત્યારબાદ આ અધિકારી પેલા રિક્ષા ચાલકોને સલાહ આપે છે કે આ રીતે કોઈ પણ વ્યક્તિ પાસેથી વ્યાજે નાણાં લેવાં કરતાં ગુજરાત સરકારની વિવિધ યોજનાનો લાભ લઈને જરૂરી નાણાં લોન પર લઇ શકાય છે.

  - Advertisement -

  આ પ્રકારની ઘટના કેમ બની અને તેની પાછળ ગુજરાત પોલીસનો ઉદ્દેશ શું છે એ જાણીએ તે પહેલાં વાયરલ થયેલો એ વિડીયો જોઈ લઈએ.

  ચોંકી ગયાંને? ખરેખર તો આ સમગ્ર વિડીયો અમદાવાદના પ્રખ્યાત RJ દેવાંગ ગુજરાત પોલીસનાં સહયોગથી એક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યાં છે તેનો જ એક હિસ્સો છે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગેરકાયદેસર નાણાં ધીરીને તેનાં પર ઊંચું અને અસામાન્ય વ્યાજદર લગાવતાં લોકોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આટલું જ નહીં એવા અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યાં છે જ્યાં મૂડી અને વ્યાજ એમ બંનેની ચુકવણી થઇ ગઈ હોવાં છતાં વ્યાજખોરો વ્યક્તિને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને વધુ નાણાંની માંગણી કરતાં હતાં.

  આ પ્રકારનાં કિસ્સાઓમાં છેવટે જે વ્યક્તિઓએ આ પ્રકારે પઠાણી ઉઘરાણી કરતાં લોકોનો ત્રાસ સહન ન કરી શકતાં આત્મહત્યાના પ્રયાસો કર્યા હતાં અને તેમાંથી ઘણાંએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ પ્રકારની ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં વ્યાપકપણે વધતાં ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી અને આ વર્ષની શરૂઆતમાં જ એટલેકે 5 જાન્યુઆરીથી ગેરકાયદે નાણાં ધીરતાં વ્યાજખોરો વિરુદ્ધ એક મેગા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે.

  આ મેગાડ્રાઈવમાં RJ દેવાંગ જેવી સેલિબ્રિટીઝ તો ગુજરાત પોલીસ સાથે જોડાઈને જાગૃતિ ફેલાવે જ છે પરંતુ ખુદ ગુજરાત પોલીસ પણ લોકદરબાર આયોજિત કરે છે. આ લોકદરબારમાં વ્યાજખોરોથી ત્રસ્ત લોકો તજજ્ઞો અને પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની ફરિયાદ વગર કોઈ સંકોચ કે ડર સાથે નોંધાવે છે અને પોલીસ તેનાં પર ત્વરિત પગલાં લે છે.

  આ ઉપરાંત આ દરબારમાં જે લોકોને ખરેખર નાણાંની જરૂર છે અને લોન લેવા માટે સક્ષમ છે તેમને ગુજરાત સરકારની વિવિધ નાણાં ધીરવાની યોજનાઓ અંગે પણ અવગત કરવામાં આવતાં હોય છે. ગુજરાત પોલીસની મેગા ડ્રાઈવ દરમ્યાન સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય વ્યાજખોરોને આ દોઢ મહિનામાં જડપી લેવામાં આવ્યાં છે જેમાં કેટલાંક તો રાજકીય નેતાઓ પણ સામેલ છે.

  પોલીસે આ પ્રકારને ગેરકાયદે નાણાં ધીરતાં લોકોની વિરુદ્ધ FIR દાખલ કરીને તેમની ધરપકડ તો કરી જ છે પરંતુ તેની સાથે આ લોકો પાસેથી તેમનાં દેવાદારોની ચેક્બુક્સ, ડાયરીઓ, મોબાઈલ, વાહનો તેમજ અન્ય દસ્તાવેજો પણ મળી આવ્યાં હતાં જેને કબજે લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.      

  અમદાવાદનાં પ્રસિદ્ધ RJ ગુજરાત પોલીસનાં હાથે ઝડપાઈ ગયાં એ પ્રકારનો વિડીયો તો RJ દેવાંગે જાગૃતિ ફેલાવવા માટે વાયરલ કર્યો છે, પરંતુ આપણે પણ ધ્યાન રાખીએ એ પણ એટલું જ જરૂરી છે. નાનીમોટી નાણાંકીય જરૂરિયાતો પુરી કરવા સરકારી નાણાંકીય સંસ્થાઓ અથવાતો બેંકોને જ પ્રથમ પ્રેફરન્સ આપીએ, જો એ શક્ય ન હોય તો સરકારી લાઈસન્સ ધરાવતી નાણાંકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનું નિશ્ચિત કરીએ.

  જો તમારાં ધ્યાનમાં કોઈ ગેરકાયદે લોન આપતો અને વ્યાજ વસૂલતો વ્યાજખોર હોય તો ગુજરાત પોલીસનો તુરંત સંપર્ક કરીને અનેક લોકોને માનસિક અને શારીરિક ત્રાસથી બચાવી શકો છો એટલું જ નહીં પરંતુ અમુક કિસ્સાઓમાં તો તમે એમનો મહામૂલો જીવ પણ બચાવી શકો છો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં