Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઊંચા દરે વ્યાજ વસૂલીને ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડ્યું, જાનથી મારી નાંખવાની...

    ઊંચા દરે વ્યાજ વસૂલીને ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડ્યું, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી: ભરૂચના આમ આદમી પાર્ટીના નેતાના જામીન નામંજૂર

    AAP નેતા મનહર પરમારે ગત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ઉમેદવારી કરી હતી પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    ભરૂચના આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર મનહર પરમાર સામે વ્યાજખોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે તેમણે ભરૂચ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. 

    ભરૂચની એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવીને AAP નેતા મનહર પરમાર સામે વ્યાજ ચૂકવ્યા બાદ પણ વધુને વધુ રૂપિયા માંગીને ધમકી આપી તેમનું મકાન ગેરકાયદેસર રીતે પચાવી પાડીને ભાડું પણ પોતે જ વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આમ આદમી પાર્ટીના નેતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ફરિયાદ અનુસાર, મહિલાના પતિએ ધંધાના કામ અર્થે જરૂરિયાત ઉભી થતાં વર્ષ 2014માં 10 ટકાના વ્યાજે 10 લાખ રૂપિયા મનહર પરમાર પાસેથી લીધા હતા. ત્યારબાદ મહિલાના પતિએ વર્ષ 2016 સુધી મનહર પરમારને છૂટક છૂટક રોકડા રૂપિયા 1,40,000 વ્યાજના ચૂકવ્યા બાદ પણ મનહર પરમારે વધુ રૂપિયા માંગી ધમકીઓ આપીને ભરૂચ સેવાશ્રમ રોડ પરનું ફરિયાદીનું મકાન ખાલી કરાવીને કબજો કરી લીધો હતો. 

    - Advertisement -

    ત્યારબાદ 2016માં મહિલાના પતિ જીતેન્દ્રભાઈએ મનહર પરમારના દીકરાના ખાતામાં બીજા 8 લાખ 50 હજાર અને 2 લાખ 50 હજાર જમા કરાવ્યા હતા. પરંતુ તેમ છતાં મનહર પરમારે કબજે મેળવેલું તેમનું મકાન પરત આપ્યું ન હતું અને બીજાને ભાડે આપી તેનું ભાડું પણ પોતે જ વસૂલતા હતા. ફરિયાદીએ એ પણ જણાવ્યું કે, તેઓ મકાનનો કબજો માંગવા જતાં ઇનકાર કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

    મામલાની સુનાવણી કરતાં કોર્ટે આ તમામ વિગતો ધ્યાનમાં લઈને નોંધ્યું કે, પોલીસ પેપર્સ અને તપાસ કરનાર અધિકારીઓના સોગંદનામાં અનુસાર હાલના તબક્કે આરોપીનો ભૂતકાળ ગુનાહિત હોવાનું જણાય રહ્યું છે. 

    કોર્ટે કહ્યું કે, હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે ફરિયાદી કે સાહેદને ધાકધમકી આપીને પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. કોર્ટે એ પણ નોંધ્યું કે સરકારે નક્કી કરેલા વ્યાજના ડ્રોથી વિરુદ્ધમાં જઈને વધારે પ્રમાણમાં વ્યાજની માંગણી કરવામાં આવતી હોવાના ત્રાસથી ઘણા લોકો આપઘાત કરી લેતા હોવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. 

    ત્યારબાદ તમામ પુરાવાઓ અને દલીલોના આધારે ભરૂચ સેશન્સ કોર્ટે ગત 13 ફેબ્રુઆરી, 2023 (સોમવાર)ના રોજ આમ આદમી પાર્ટીના નેતા મનહર પરમારની જામીન અરજી ફગાવી દીધી હતી.

    ભરૂચના જે AAP નેતા મનહર પરમારના જામીન રદ થયા તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. જોકે, તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 8 ટકા વોટ મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના રમેશ મિસ્ત્રી વિજેતા બન્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં