Monday, September 16, 2024
More
    હોમપેજઇન્ડોલોજીમુઘલોને અનેક યુદ્ધોમાં આપી હતી માત, ગુવાહાટી પ્રદેશમાં સ્થાપ્યું હતું 'અહોમ સામ્રાજ્ય':...

    મુઘલોને અનેક યુદ્ધોમાં આપી હતી માત, ગુવાહાટી પ્રદેશમાં સ્થાપ્યું હતું ‘અહોમ સામ્રાજ્ય’: જાણો ‘પૂર્વોત્તરના શિવાજી’ લચિત બોરફૂકન વિશે, જેમની પ્રતિમાનું PM મોદીએ કર્યું અનાવરણ

    ગોરીલા યુદ્ધમાં અહોમ લડવૈયાઓની ગતિ જોઈને મુગલ સેના પણ ડરી ગઈ હતી. મુગલ સૈનિકો એવું પણ કહેવા લાગ્યા કે, અહોમ સૈનિકો રાક્ષસ છે. તેઓ ભૂતપ્રેતના કારણે જ રાત્રે હુમલો કરે છે. આ કારણથી મુગલ સેનામાં પણ તેમને 'પૂર્વોત્તરના શિવાજી' તરીકે ઓળખવામાં આવતા હતા.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદી શનિવારે (9 માર્ચ) આસામ રાજ્યની મુલાકાતે હતા. અહીં તેમણે રાજ્યને ₹18,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી. આ સિવાય તેમણે જોરહાટમાં અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કર્યું. આ પ્રતિમાનું નિર્માણ ₹175 કરોડના ખર્ચે થયું છે. અહોમ જનરલ બોરફૂકનને આસામની વીરતા અને ગૌરવના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. સાથે તેમને ‘પૂર્વોત્તરના શિવાજી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ આસામના લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે.

    મહારાષ્ટ્રમાં જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું પૂજન કરવામાં આવે છે. તેવી જ રીતે આસામમાં અહોમ સામ્રાજ્યના સેનાપતિ લચિત બોરફૂકનનું પૂજન કરવામાં આવે છે. તેમની વીરતા અને સાહસની આજે પણ મિસાલ આપવામાં આવે છે. તેમને 1671ના સરાઈઘાટના યુદ્ધમાં ‘અદમ્ય સાહસની મૂર્તિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1671માં બીમાર હોવા છતાં લચિત સરાઈઘાટના યુદ્ધમાં મુઘલો વિરુદ્ધ મક્કમતાથી લડ્યા હતા. સરાઈઘાટના આ ઐતિહાસિક યુદ્ધમાં પરાજય બાદ ક્યારેય મુઘલોએ આસામ તરફ મીટ માંડવાની હિંમત પણ નહોતી કરી. શરૂઆતથી જાણીએ બોરફૂકનના જીવનની મહાન ગાથા.

    1622માં અહોમ સેનાધ્યક્ષના ઘરે થયો હતો જન્મ

    લચિત બોરફૂકનનો જન્મ 24 નવેમ્બર, 1622માં આસામમાં થયો હતો. તે સમયે આસામ પર અહોમ રાજવંશનું શાસન હતું. અહોમ રાજવંશે હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો હતો. અહોમ રાજાઓ હિંદુ ધર્મનું દ્રઢતાપૂર્વક પાલન કરતા હતા પરંતુ તેમણે પોતાની મૂળ પરંપરા પણ નહોતી છોડી. લચિતના જન્મ સમયે અહોમ સામ્રાજ્યનો ખૂબ વિકાસ થયો હતો. તેમના પિતાનું નામ મોમાઈ તામુલી બરબરૂઆ હતું. તેઓ અહોમ રાજા પ્રતાપ સિંઘના મુખ્ય સેનાધ્યક્ષ રહી ચૂક્યા હતા. લચિતનાં માતાનું નામ કુંતી મોરાન હતું.

    - Advertisement -

    તેમને અભ્યાસમાં અને દરરોજ નવું-નવું શીખવામાં ખૂબ રસ હતો. તેમણે તેમના પિતા પાસેથી સૈન્ય રણનીતિઓ બનાવવાની વિદ્યા શીખી હતી. તેમના પિતા મુખ્ય સેનાધ્યક્ષ હોવાથી લચિતને પણ રાજ્ય દરબારમાં અવારનવાર જવાની તક મળતી હતી. જેના કારણે તેમને બાળપણથી જ શાસનનો અનુભવ મળવા લાગ્યો હતો. તેઓ બાળપણથી જ એક સાહસી અને નીડર યોદ્ધા તરીકેની છાપ છોડી હતી.

    વર્ષ 1665માં બન્યા મુખ્ય સેનાધ્યક્ષ

    લચિતની વીરતા અને સાહસ જોઈને 1665માં તેમને અહોમ સેનાના મુખ્ય સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં આ સેનાપતિને જ ‘બોરફૂકન’ કહેવામાં આવે છે. અહોમ સામ્રાજ્ય દ્વારા તેમને ‘બોરફૂકન’નું બિરુદ આપવામાં આવ્યું હતું. તે સમયે અહોમ સેનામાં 10 સૈનિકોના મુખિયા કે નાયકને ‘ડેકા’ કહેવામાં આવતા હતા. 100 જવાનોના મુખિયાને ‘સૈનિયા’ કહેવામાં આવતા. તેમજ એક હજાર જવાનોનું નેતૃત્વ કરનારને ‘હજારીકા’ અને ત્રણ હજાર જવાનોનું નેતૃત્વ કરનારને ‘રાજખોવા’ તરીકે ઓળખવામાં આવતા. છ હજાર જવાનોનું નેતૃત્વ કરનાર યોદ્ધાને ‘ફૂકન’ કહેવામાં આવતા હતા. આ તમામ ટુકડીઓના પ્રમુખ સેનાધ્યક્ષ હતા. જેને ‘બોરફૂકન’ કહેવામાં આવતા હતા.

    લચિત સેનાપતિ બન્યા તે પહેલાં જ 1661માં મુઘલોએ બંગાળ અને આસામ પર ખરાબ દ્રષ્ટિ નાખી હતી અને મીર જુમલા અને ધીર ખાનને બંને પ્રદેશો પર કબજો કરવા માટે મોકલ્યા હતા. તે સમયે અહોમ રાજા મુઘલોના હુમલાનો પ્રતિકાર કરી શક્યા નહીં અને આખરે તેમણે સંધિ કરવાનું પસંદ કર્યું. લચિત જ્યારે સેનાધ્યક્ષ બન્યા ત્યારે અહોમ રાજા ચક્રધ્વજ સિંઘે તેમને ગુવાહાટી પરથી મુઘલોને ખદેડવાની જવાબદારી આપી. જોકે, અહોમ સામ્રાજ્યનો આ નિર્ણય ઘણા અધિકારીઓને પસંદ ન પડ્યો.

    પરંતુ તેની કોઈ અસર લચિત પર પડી નહીં. તેમણે રાજાના આદેશ પર યુદ્ધની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેઓ સ્થાનિક લોકોને પોતાની સેનામાં ભરતી કરવા લાગ્યા હતા. સ્થાનિક સ્તર પર ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને જ તેમણે શસ્ત્રો બનાવ્યાં હતાં. ખાસ કરીને નૌકાઓનો આખો કાફલો તૈયાર કરાવ્યો અને તોપો બનાવી હતી.

    ગુવાહાટી પ્રદેશ પર સ્થાપ્યું અહોમ શાસન

    વર્ષ 1667માં મુઘલોએ ગુવાહાટીના શાસક તરીકે ફિરોઝ ખાનને જવાબદારી સોંપી હતી. ફિરોઝ ખાનનાં ખરાબ કૃત્યો અને ખરાબ વલણના કારણે અહોમ રાજાઓને તેના પર ભારોભાર રોષ હતો. લચિત પણ તકની શોધમાં જ હતા. હુમલો કરવા માટે તેમને અશ્વદળની જરૂરિયાત હતી, પરંતુ તેમની પાસે અશ્વદળ હતું નહીં. જેથી ગુવાહાટીના નજીકના કિલ્લા ઇટાખુલી પર કબજો કરી શક્યા નહીં. ગુવાહાટીને જીતવા માટે આ કિલ્લાને કબજે કરવો ખૂબ જરૂરી હતો. તેથી લચિતે પોતાના સહયોગી બાઘ હજારીના નેતૃત્વમાં એક સેનાની ટુકડીને તે બાજુ રવાના કરી હતી.

    તેમાંથી અમુક સૈનિકો રાત્રે કિલ્લાની દીવાલો પર ચડ્યા અને કિલ્લામાં ઘૂસીને મુઘલોની તોપોમાં પાણી ભરી દીધું. જે બાદ સવારે અહોમ સેનાએ કિલ્લા પર સીધો હુમલો કર્યો અને ગુવાહાટી પર અહોમ સામ્રાજ્યનો ધ્વજ ફરકાવી દીધો. આનાથી ગુસ્સે થઈને મુઘલ સમ્રાટ ઔરંગઝેબે સેનાપતિ રામ સિંઘના નેતૃત્વમાં 70 હજાર સૈનિકો અને એક હજાર તોપોને ગુવાહાટી તરફ મોકલ્યા. લચિતે બ્રહ્મપુત્રા નદીમાંથી પસાર થતી મુગલ સેનાને ગુવાહાટીના કામાખ્યા મંદિર પાસે આવવા દીધી હતી.

    બંને બાજુ ટેકરીઓ, ગાઢ જંગલો અને વાંસની ઝાડીઓ હતી. મુગલ સેનાએ બ્રહ્મપુત્રાની પેલે પાર પડાવ નાખ્યો. તેના સૈનિકો દિવસ દરમિયાન લડવા ટેવાયેલા હતા. વ્યૂહરચના તરીકે આનો લાભ લઈને લચિતે નાની હોડીઓમાં સૈનિકો મોકલીને રાત્રે મુઘલ સેના સામે ગોરીલા યુદ્ધ શરૂ કર્યું. આ કારણે મુગલ સૈનિકો ગભરાવા લાગ્યા અને આગળ વધી શક્યા નહીં. આ લાંબા સમય સુધી ચાલતું રહ્યું.

    દેશના રક્ષણ માટે સગા મામાનું મસ્તક ધડથી અલગ કર્યું

    થોડા સમય પછી સરાઈઘાટના યુદ્ધના બ્યૂગલો ફૂંકાવાના ચાલુ થઈ ગયા હતા. મુઘલોથી રાજ્યની સુરક્ષા કરવા માટે લચિતે સરહદો પર દીવાલ બનાવવાનું નક્કી કર્યું હતું. દીવાલ બનાવવાની જવાબદારી તેમણે તેમના મામાને સોંપી હતી. સમાચાર મળ્યા કે, બીજા દિવસે મુઘલ સૈન્ય અહોમ સરહદે પહોંચશે. આવી સ્થતિમાં સવાર પહેલાં દીવાલ તૈયાર કરવી જરૂરી હતી. બોરફૂકન જ્યારે બાંધકામનું નિરીક્ષણ કરવા માટે ગયા તો તેમણે જોયું કે, દીવાલનું કામ અડધું પણ પૂર્ણ થયું નહોતું.

    જે બાદ તેમના મામા અને સૈનિકોએ સ્પષ્ટ કહી દીધું કે, સવાર સુધીમાં દીવાલ બનાવવામાં આવશે નહીં. બોરફૂકન તેમના મામાના આવા વલણથી ખૂબ જ નારાજ થયા અને પોતાના સગા મામાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જે બાદ તેમણે સૈનિકોને હિંમત આપી અને પોતે પણ સૈનિકો સાથે કામે લાગી ગયા. જે બાદ સવાર સુધીમાં દીવાલ બનીને તૈયાર પણ થઈ ગઈ.

    સરાઈઘાટના યુદ્ધમાં મુઘલ સેનાને હરાવી

    માર્ચ 1671માં સરાઈઘાટમાં મુઘલો અને અહોમ સેના વચ્ચે સીધું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. તે સમયે લચિત ગંભીર રીતે બીમાર હતા. જેના કારણે લચિત યુદ્ધમાં સહભાગી થઈ શક્યા નહીં. જેથી અહોમ સેનાના લગભગ 10 હજાર સૈનિકો વીરગતિને પ્રાપ્ત થયા. બાકીના સૈનિકો મુઘલ સેનાથી ડરીને ભાગવા લાગ્યા હતા. આ જાણકારી મળતાં જ લચિત બીમાર હોવા છતાં યુદ્ધમાં ઉતરી આવ્યા હતા. તેમનો પરાક્રમ જોઈને અહોમ સેનાની પણ હિંમત વધી ગઈ અને ભાગેલા સૈનિકો પણ અહોમ સેના સાથે ફરીથી જોડાઈ ગયા.

    પોતાની જૂની વ્યૂહરચના અનુસાર લચિત તેમના સૈનિકો સાથે નાની-નાની નૌકાઓ પર બેસીને મુઘલો પર હુમલો કરવા માટે પહોંચ્યા. તેમણે મુઘલોના નૌકાદળ પર સીધો જ હુમલો કરી દીધો. આટલું જ નહીં, પરંતુ લચિતે નૌકાઓને જોડીને બ્રહ્મપુત્રા નદી પર પુલ પણ બનાવ્યો હતો. તે પછી મુઘલ સેનાના સેનાપતિ મુનવ્વર ખાનને અહોમ સેનાએ નૌકા પર જ પતાવી દીધો હતો. જેના કારણે મુઘલ સેનામાં ગભરાટ ફેલાયો અને રામ સિંઘને મજબૂરીમાં પીછેહઠ કરવી પડી. સરાઈઘાટના આ ઐતિહાસિક યુદ્ધ પછી મુઘલોએ ક્યારેય પણ આસામ તરફ મીટ માંડી નહોતી. જોકે, સરાઈઘાટના ઐતિહાસિક યુદ્ધના એક વર્ષ બાદ 25 એપ્રિલ, 1672ના રોજ લચિતનું અવસાન થયું હતું.

    ઓળખાયા પૂર્વોત્તરના શિવાજી તરીકે

    જોકે, ઇતિહાસમાં લચિત બોરફૂકન વિશે વધુ માહિતી નથી. આસામના ભૂતપૂર્વ રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ એસકે સિન્હાએ તેમના પર એક પુસ્તક લખ્યું છે. તેનું નામ છે ‘એમ્યુલેટ ધ સ્પિરિટ એન્ડ સ્કિલ ઓફ લચિત બોરફૂકન.’ આ પુસ્તકમાં તેમણે લચિતની તુલના શિવાજી મહારાજ સાથે કરી છે. લેફ્ટનન્ટ જનરલ સિન્હા લખે છે કે, મધ્યકાલીન ભારતે બે મહાન સેનાપતિઓ આપ્યા. છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રમાં હતા અને લચિત બોરફૂકન આસામમાં હતા. યોગાનુયોગ એ છે કે, બંને લગભગ સમકાલીન હતા.

    એવું પણ કહેવાય છે કે લચિત કદાચ શિવાજીની ગોરીલા યુદ્ધ શૈલીથી પ્રભાવિત હતા. તેથી જ તેઓ આ લડાયક શૈલીથી મુઘલોની મોટી સેના સામે લડ્યા હતા અને રાત્રે મુઘલ સૈનિકો પર ઝડપથી હુમલો કરતા હતા. ગોરીલા યુદ્ધમાં અહોમ લડવૈયાઓની ગતિ જોઈને મુઘલ સેના પણ ડરી ગઈ હતી. મુઘલ સૈનિકો એવું પણ કહેવા લાગ્યા કે, અહોમ સૈનિકો રાક્ષસ છે. તેઓ ભૂતપ્રેતના કારણે જ રાત્રે હુમલો કરે છે. આ કારણથી મુઘલ સેનામાં પણ તેમને ‘પૂર્વોત્તરના શિવાજી’ તરીકે ઓળખવામાં આવતા હતા.

    આસામમાં દર વર્ષે લચિત દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1999માં નેશનલ ડિફેન્સ એકેડમીમાં લચિત બોરફૂકન ગોલ્ડ મેડલની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ મેડલ એકેડેમીના શ્રેષ્ઠ કેડેટને આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે, સંરક્ષણ કર્મચારીઓ બોરફૂકનની બહાદુરીમાંથી પ્રેરણા લઈને તેમનું અનુકરણ કરે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં