‘એક દેશ, એક ચૂંટણી’ માટેની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રની ભાજપ સરકારે શુક્રવારે (1 સપ્ટેમ્બર, 2023) પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. હવે કાયદા મંત્રાલય તરફથી આ સમિતિના સભ્યોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી સહિત 8 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 18થી 22 સપ્ટેમ્બર 2023 સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી જ ‘એક દેશ, એક ચૂંટણી’ (વન નેશન, વન ઇલેક્શન)નું બિલ લાવવામાં આવશે તેવી અટકળો શરૂ થઇ ગઈ હતી. તેના બીજા જ દિવસે એક સમિતિની પણ રચના કરી દેવામાં આવી. હવે તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સભ્યો વિશે વાત કરવામાં આવે તો તેમાં અધ્યક્ષસ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, પૂર્વ કોંગ્રેસ નેતા અને વર્તમાન સમયમાં ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ, એન કે સિંહ, સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને સંજય કોઠારીનો સમાવેશ થાય છે.
Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’.
— ANI (@ANI) September 2, 2023
Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0
કેન્દ્રની ભાજપ સરકારે અગામી 18થી 22 સપ્ટેમ્બર 2023 સુધી સંસદનું એક વિશેષ સત્ર બોલાવ્યું છે. આમ તો અટકળો એવી ચાલી રહી છે કે સરકાર આ સત્રમાં ‘એક દેશ, એક ચૂંટણી’ માટે કોઈ બિલ લાવી શકે છે, પરંતુ તેની શક્યતા નહિવત છે, કારણ કે આ સમિતિને રિપોર્ટ જમા કરાવવા માટે કોઈ પણ પ્રકારની સમયસીમા આપવામાં આવી નથી. વધુમાં, આટલા અગત્યના મુદ્દા પર માત્ર 16 દિવસમાં તમામ પાસાં વિચારીને નિર્ણય પર પહોંચવું અને રિપોર્ટ જમા કરાવવો એ કોઈ પણ સમિતિ માટે અત્યંત કઠિન બાબત છે.
ચર્ચાઓ વચ્ચે આ મામલે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, “અત્યારે માત્ર સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવશે, જેના પર ચર્ચા કરવામાં આવશે. સંસદ પરિપક્વ છે અને વિસ્તૃતમાં ચર્ચાઓ કરવામાં આવશે, આ મામલે ગભરાવાની જરૂર નથી. ભારતને લોકતંત્રની જનેતા કહેવામાં આવે છે, અહીં અનેક વિકાસ થયા છે, હું સંસદના વિશેષ સત્રમાં એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરીશ.”
ઉલ્લેખનીય છે કે ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. ત્રિસ્તરીય પંચાયતની ચૂંટણીઓ પણ એકસાથે યોજાય તેવી શક્યતા છે. વાસ્તવમાં, અલગ-અલગ ચૂંટણીઓને કારણે દેશમાં દર 3-4 મહિને ચૂંટણી યોજાય છે. આ કારણે તે વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જેના કારણે વિકાસનાં કામો અટકી પડે છે. આ ઉપરાંત ચૂંટણીમાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેનાથી સરકાર પર બોજ વધે છે. આ બધી બાબતોથી બચવા માટે ‘એક દેશ, એક ચૂંટણી’ની માંગ કરવામાં આવતી રહી છે.