સોશિયલ મીડિયા પર ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક ટ્વિટર યુઝરે પીએમનો એક વિડીયો શૅર કરીને તેઓ ખોટું બોલી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. વિડીયોમાં પીએમ સ્વામી વિવેકાનંદ અને ટાટા જૂથના સ્થાપક જમશેદજી ટાટા વચ્ચેના સબંધો વિશે બોલી રહ્યા હતા અને કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે જમશેદજી ટાટાને મેક ઈન ઇન્ડિયા માટે આગ્રહ કર્યો હતો.
વિડીયોમાં પીએમ મોદી છે કે, “વિવેકાનંદજી અને જમશેદજી ટાટા વચ્ચે જે સંવાદ અને પત્રવ્યવહાર થયા તે જોશો તો ખબર પડશે, કે તે સમયે ગુલામ હિંદુસ્તાન હતું, ત્યારે પણ 30 વર્ષીય નવયુવાન વિવેકાનંદજીએ જમશેદજી ટાટાને કહ્યું હતું, ભારતમાં ઉદ્યોગ લગાવો, મેક ઈન ઇન્ડિયા બનાવો.”
Swami Vivekananda at the age of 6 requested Jamshedji Tata for make in India 🙄🙄
— Asif Rahman (@Asifrahmanmolla) October 18, 2022
Jamsetji made his move into textiles in 1869
Swami Vivekananda, born 1863 pic.twitter.com/2BkIcc3Q9a
વડાપ્રધાનના આ વિડીયોને ટ્વિટર પર પોસ્ટ કરીને આસિફ રહેમાન નામના એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, સ્વામી વિવેકાનંદે 6 વર્ષની ઉંમરે જમશેદજી ટાટાને ‘મેક ઈન ઇન્ડિયા’ માટે વિનંતી કરી હતી.’ તેઓ આગળ લખે છે કે, ‘જમશેદજીએ ટેક્સટાઇલ ઉદ્યોગની 1869માં શરૂઆત કરી હતી અને સ્વામી વિવેકાનંદ 1863માં જન્મ્યા હતા.’ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આ વિડીયોને 8 હજારથી વધુ લાઇક્સ મળી છે અને 2,545 વખત રિ-ટ્વિટ થઇ ચૂક્યો છે.
આ ટ્વિટ કેમ ભ્રામક છે?
પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદ અને જમશેદજી ટાટા વચ્ચેના સંવાદો અને પત્રવ્યવહાર વિશે જે વાત કહી તે સત્ય છે, જેનાં અનેક પ્રમાણ પણ ઉપલબ્ધ છે.
વર્ષ 2018માં સ્વામી વિવેકાનંદની 155મી જન્મજયંતિએ ટાટા સ્ટીલના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને વ્યક્તિઓ 1893માં મળ્યા હતા અને તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ થયો હતો. ટાટાએ તસ્વીરમાં એક પત્રની નકલ પણ મૂકી હતી. ટ્વિટ અનુસાર, 1893માં જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદ જાપાનથી શિકાગો એક જહાજમાં જઈ રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે મુલાકાત થઇ હતી.
On the 155th birth anniversary of #SwamiVivekananda, we go back to the days when our founder Jamsetji Tata met Swamiji while they were traveling together in 1893 on a ship to Chicago from Japan. Read through the letter that JN Tata wrote to Swamiji – https://t.co/8p0Ye4VH1p pic.twitter.com/kHEcMWN7kw
— Tata Steel (@TataSteelLtd) January 12, 2018
વધુ વિગતો એવી છે કે, 1893ના મે મહિનામાં જમશેદજી ટાટા જાપાન પ્રવાસે ગયા હતા. યોગાનુયોગ તે જ સમયે સ્વામી વિવેકાનંદ પણ જાપાનમાં જ હતા. ત્યારબાદ બંને એક કૅનેડિયન કંપનીના જહાજમાં જાપાનના યોકોહામા પોર્ટ પરથી કેનેડાના વેનકુંવર જવા માટે નીકળ્યા હતા. જ્યાં જહાજમાં બંનેની મુલાકાત થઇ હતી. જ્યાં બંને વચ્ચે ઉદ્યોગ, અધ્યાત્મ અને ભારતની પરિસ્થિતિને લઈને વિસ્તૃત ચર્ચા થઇ હતી.
બંને વચ્ચેની વાતચીતમાં જાપાનમાં ટેક્નોલોજી ક્ષેત્રે થયેલ વિકાસ તેમજ ભારતમાં સ્ટીલ ઉદ્યોગ શરૂ કરવાના જમશેદજી ટાટાની પરિકલ્પના અંગે પણ ચર્ચા થઇ હતી.
એક રિપોર્ટ અનુસાર, વાતચીત દરમિયાન સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ભારતની પ્રગતિ અને સમૃદ્ધિનો આધાર સામાન્ય જનતામાં છે. તેમણે જમશેદજીને આગ્રહ કર્યો હતો કે તેમણે સામગ્રી જાપાનથી આયાત કરવાને બદલે ભારતમાં તેનું ઉત્પાદન કરવું જોઈએ, જેના કારણે અહીંના સ્થાનિક લોકોને પણ રોજગારી મળે. આ જ વાત પીએમ મોદીએ પણ તેમના સંબોધનમાં કહી હતી.
વાતચીતમાં જમશેદજીએ કહ્યું હતું કે તેઓ ભારતમાં સ્ટીલ ઉદ્યોગ લાવવા માંગે છે. ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને કહ્યું હતું કે, તેઓ ટેક્નોલોજી ટ્રાન્સફર કરશે તો ભારત કોઈ પર પણ નિર્ભર નહીં રહે અને યુવાનોને પણ રોજગાર મળશે. સ્વામીજીએ જ ટાટાને જમશેદપુરનો રસ્તો દેખાડ્યો હતો.
સ્વામી વિવેકાનંદે છોટાનાગપુર વિસ્તારમાં ખનિજ સંપત્તિ હોવાની જાણકારી આપી ભૂર્ગભશાસ્ત્રી પીએન બોસને મળવાની પણ સલાહ આપી હતી. ત્યારબાદ જેએન ટાટાએ તેમના પુત્રને કહેતાં તેમણે પીએન બોસ સાથે મળીને તે વિસ્તારમાં ઉપલબ્ધ ખનિજ પદાર્થો વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ 1907માં જે જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી, તે જમશેદપુર જ હતું.
બંને વચ્ચેની મુલાકાતનું પ્રમાણ જમશેદજી ટાટાએ સ્વામી વિવેકાનંદને લખેલા પત્રમાંથી પણ મળે છે. તેમણે મુલાકાતનાં પાંચ વર્ષ પછી, એટલે કે 1898માં સ્વામી વિવેકાનંદને એક પત્ર લખ્યો હતો, જેમાં પણ બંને વચ્ચે જહાજમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આટલાં પ્રમાણોથી એ સાબિત થાય છે કે પીએમ મોદીએ સ્વામીજી અને જમશેદજી વચ્ચેના સંવાદ અને પત્રવ્યવહારની વાત કહી હતી તે તથ્યપૂર્ણ અને હકીકત છે. જોકે, ટ્વિટર પર ઘણા યુઝરોએ આ બાબતે ધ્યાન પણ દોર્યું હતું અને દુષ્પ્રચાર ન ફેલાવવા અપીલ કરી હતી.