Sunday, May 19, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘દરગાહના ડિમોલિશનનો 'વિરોધ' કરી રહ્યા હતા મુસ્લિમ યુવાનો, એટલે ગુજરાત પોલીસે માર્યા’:...

    ‘દરગાહના ડિમોલિશનનો ‘વિરોધ’ કરી રહ્યા હતા મુસ્લિમ યુવાનો, એટલે ગુજરાત પોલીસે માર્યા’: જૂનાગઢ હિંસા બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયો દુષ્પ્રચાર, અહીં જાણો સત્ય

    પાલિકા ઉપર કોઈ એક મઝહબને ટાર્ગેટ કરવાનો આરોપ પણ ન લગાવી શકાય કારણ કે નોટિસ મંદિરો અને દરગાહ બંનેને આપવામાં આવી હતી અને બંને સામે સમાન કાર્યવાહી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    શુક્રવારે (16 જૂન, 2023) રાત્રે જૂનાગઢમાં પથ્થરમારો અને આગચંપીની ઘટના બની હતી. જેમાં ચારેક પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી તો પસાર થતા એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ટોળાએ ઉત્પાત મચાવ્યા બાદ પોલીસે તરત સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી અને અમુક ઉપદ્રવીઓને પણ પકડી લેવામાં આવ્યા હતા. હાલ એક તરફ આ મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર જૂનાગઢ હિંસાને લઈને દુષ્પ્રચાર શરૂ થઇ ગયો છે. 

    સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે જૂનાગઢમાં મુસ્લિમ યુવકો દરગાહ અને મસ્જિદના ડિમોલિશનનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે તેમને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. ‘પત્રકાર’ આસિફ મુજ્તબાએ એક વિડીયો ટ્વિટ કરીને આ પ્રકારનો દાવો કર્યો અને લખ્યું કે, ‘ગુજરાતમાં દરગાહ અને મસ્જિદના મનસ્વી અને સાંપ્રદાયિક કારણોથી કરવામાં આવતા ડિમોલિશન સામે વિરોધ કરવાના કારણે મુસ્લિમોને જાહેરમાં માર મારવામાં આવ્યો.’ આગળ દાવાઓ કરીને લખ્યું કે, મુસ્લિમો પાસે અંતિમ વિકલ્પ આ જ વધ્યો હોવાના કારણે તેઓ વિરોધ માટે રસ્તા પર ઉતર્યા હતા.

    આ સિવાય પણ અનેક એવાં ટ્વિટ્સ કરવામાં આવ્યાં જેમાં આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. અગાઉ પણ ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલા અશોક સ્વૈને લખ્યું કે, ગુજરાતની પોલીસ મુસ્લિમ વ્યક્તિઓના જૂથને જાહેરમાં માર મારી રહી છે કારણ કે તેમણે સ્થાનિક મસ્જિદના ડિમોલિશન સામે વિરોધ કર્યો હતો. સાથે તેમણે આ કાર્યવાહીને તાલિબાન સાથે પણ સરખાવી હતી. 

    - Advertisement -

    આ સિવાય પણ અનેક એવા ટ્વિટ્સ કરવામાં આવ્યા, જેમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા હોય.

    શું છે વાસ્તવિકતા?

    અહીં દરગાહના (ક્યાંક તેને મસ્જિદ ગણાવાઈ રહી છે, પરંતુ હકીકતે આ સ્થળ એક દરગાહ છે.) ડિમોલિશનની વાત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ક્યાંય ડિમોલિશનની વાત કરવામાં આવી ન હતી. વાસ્તવમાં ગત 14 જૂનના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાએ પાલિકાના વિસ્તારમાં આવતાં જાહેરમાર્ગો પર નડતરરૂપ હોય તેવાં કુલ 8 ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી હતી. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ આઠમાંથી 3 હિંદુ મંદિરો છે અને બાકીની પાંચ દરગાહ છે. જેમાંથી એક આ મજેવડી ગેટ પાસેથી દરગાહ પણ સામેલ છે, જેને લઈને વિવાદ સર્જાયો. 

    આ ધાર્મિક-મઝહબી સ્થળોને મળી હતી નોટિસ:

    1) હનુમાનજી મંદિર, શાંતેશ્વર રોડ, જોશીપુરા
    2) જુડવા હનુમાનજી મંદિર, વાંઝાવાડ
    3) હઝરત રોશનશાહપીર બાવાની દરગાહ, ત્રિમૂર્તિ હોસ્પિટલની બાજુમાં
    4) હઝરત જમીયલશાહ દાતાર દરગાહ, દાણાપીઠ ચોક
    5) હઝરત ગેબનશાહ પીર દરગાહ, દાણાપીઠ ચોક
    6) હઝરત ખીઝનીશાહ પીર દરગાહ, મજેવડી ગેટ સામે (જેને લઈને ધમાલ થઇ)
    7) દાતાર પીરની દરગાહ, સાબલપુર બસ સ્ટેશન પાસે
    8) જલારામ મંદિર, નીલગગન એપા. સામે

    તંત્ર દ્વારા આ તમામને નોટિસ પાઠવીને માત્ર અધિકૃત માલિકીના પુરાવાઓ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં ડિમોલિશનનો કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો ન હતો કે ન એવી કોઈ વિચારણા હતી. આ વિડીયોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરની બાઈટ સાંભળી શકાશે, જેમાં તેઓ આ જ વાત કહી રહ્યા છે. આ ઉપરાંત, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, આ ધાર્મિક સ્થળો પાસેથી માત્ર દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા અને ક્યાંય તોડવાની વાત ન હતી. 

    અહીં પાલિકા ઉપર કોઈ એક મઝહબને ટાર્ગેટ કરવાનો આરોપ પણ ન લગાવી શકાય કારણ કે નોટિસ મંદિરો અને દરગાહ બંનેને આપવામાં આવી હતી અને બંને સામે સમાન કાર્યવાહી કરવામાં આવી હતી. 

    દરગાહ પર જઈને નોટિસ ચોંટાડવામાં આવી અને સાંજે ટોળાં ભેગાં થઇ ગયાં હતાં

    શુક્રવારે (16 જૂન, 2023) મહાનગરપાલિકાના અધિકારીઓએ દરગાહ પર જઈને નોટિસ ચોંટાડી હતી. ત્યારબાદ સાંજથી જ મુસ્લિમ સમુદાયનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને રાત સુધીમાં માહોલ ગરમાયો હતો. એકસાથે આટલા લોકો ભેગા થતાં પોલીસ પણ સક્રિય થઇ હતી અને અધિકારીઓએ જઈને તેમને સમજાવ્યા હતા અને લગભગ 45 મિનિટ સુધી વાટાઘાટો કરીને તેમને રસ્તા પરથી હટાવવા માટે પ્રયાસ કર્યા હતા. 

    લગભગ 10:15 આસપાસ પોલીસ પર પથ્થર વરસવાના શરૂ થઇ ગયા હતા અને ત્યારબાદ ટોળું નારાબાજી કરીને ધસી આવ્યું હતું. ત્યારબાદ પથ્થરમારો થયો તો વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તોફાનોમાં પોલીસના વાહનોને નુકસાન થયું હતું તેમજ એસટી બસને પણ નિશાન બનાવવામાં આવી હતી તો કેટલીક મોટરસાયકલો સળગાવી દેવામાં આવી હતી. હુમલામાં 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા તેમજ ત્યાંથી પસાર થતા એક હિંદુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. 

    પરિસ્થિતિ વધુ વણસતાં પોલીસે લાઠીચાર્જ અને ત્યારબાદ ટિયરગેસનો સહારો લેવો પડ્યો અને ટોળું વિખેરી નાંખ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારબાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રાત્રે જ કોમ્બિંગ હાથ ધરીને જેઓ પથ્થરમારો કરવામાં અને તોફાનોમાં સામેલ હતા તેવા ઉપદ્રવીઓને શોધી કાઢીને ફટકાર્યા હતા. આ વ્યક્તિઓ એ જ આરોપીઓ હતા જેમણે પથ્થરો ફેંક્યા હતા. 

    આ મામલે જૂનાગઢ પોલીસ મથકે 31 સામે નામજોગ અને અન્ય 500 લોકોના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં શનિવારે અપાયેલી જાણકારી અનુસાર 180ની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે. પોલીસ સીસીટીવી પણ ચકાસી રહી છે અને તેમાં જે કોઈ પણ ગુનામાં સામેલ હોવાનું જણાશે તેમની સામે કાર્યવાહી કરાશે. 

    ટોળામાં સગીર બાળકો પણ સામેલ હતાં

    અહીં એ પણ નોંધવું જોઈએ કે પથ્થરમારા દરમિયાન ટોળામાં સગીર બાળકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અમુક વિડીયોમાં સગીરો પણ પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. જેને લઈને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એક્શનમાં આવ્યું છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસને પત્ર લખ્યો છે. 

    આયોગે જૂનાગઢ પોલીસને પત્રમાં જણાવ્યું કે, ઘટનાના વીડિયોમાં જોવા મળે છે કે સગીર બાળકો પણ આ ટોળાનો ભાગ હતાં અને તેમને પથ્થરમારો કરતાં પણ જોઈ શકાય છે. કમિશને કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ જોતાં આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 83(2) અને કલમ 75 તેમજ IPCની અન્ય યોગ્ય કલમોનું ઉલ્લંઘન છે. આ કલમોનું ઉલ્લંઘન કરવા બદલ એક FIR દાખલ કરવામાં આવે અને ગુના માટે જવાબદાર વ્યક્તિઓને શોધી કાઢીને તેમની સામે તપાસ કરવામાં આવે. કમિશને પત્ર મળ્યાના 7 દિવસમાં તપાસ અને કાર્યવાહીનો રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં