બૉલીવુડ છોડીને ઇસ્લામના માર્ગે વળેલી સના ખાન હાલ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જેના સમાચાર વહેતા થયા બાદ સોશિયલ મીડિયા પર એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે સના ખાન માત્ર દુઆઓથી જ ગર્ભવતી બની ગઈ છે.
સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં સના ખાન અને તેના પતિ જોવા મળે છે. સાથે હિંદીમાં કંઈક આ પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.
‘સના ખાન થઇ પ્રેગ્નેન્ટ, જલ્દીથી બનશે અમ્મી. બે વર્ષથી શૌહર કરી રહ્યા હતા અજમેરમાં દુઆ, સહશયન વગર માત્ર દુઆઓથી જ થઇ પ્રેગ્નેન્ટ.’
ફેસબુક અને ટ્વિટર ઉપર આ તસ્વીર ખાસ્સી વાયરલ થઇ હતી તો યુઝરોએ ટિપ્પણી પણ કરી હતી.
પ્રથમ દ્રષ્ટિએ એડિટ કરવામાં આવ્યો હોય તેમ લાગતાં આ તસ્વીરને લઈને અમે તપાસ કરી હતી. તસ્વીરના એક ખૂણે મીડિયા હાઉસ ‘દૈનિક જાગરણ’નો લોગો જોવા મળે છે તેમજ નીચેની તરફ પણ દૈનિક જાગરણનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ આપવામાં આવ્યાં હતાં.
દૈનિક જાગરણના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જઇને જોતાં સત્ય જાણવા મળ્યું હતું. વાસ્તવમાં દૈનિક જાગરણે સના ખાન અને તેના પતિની એ જ તસ્વીર શૅર કરીને સમાચાર આપ્યા હતા, પરંતુ તેમાં લખાણ જુદું હતું. દૈનિક જાગરણે સમાચાર આપતાં જણાવ્યું હતું કે સના ખાનના ઘરે જલ્દીથી કિકિયારી ગૂંજશે અને તેણે ઇન્ટરવ્યૂમાં પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો.
જેથી કોઈ ટીખળખોરે આ તસ્વીર જેમની તેમ રહેવા દઈને લખાણ બદલી કાઢ્યું હતું અને એડિટેડ ફોટો બનાવી કાઢીને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. જેથી, સના ખાન માત્ર દુઆઓથી ગર્ભવતી બની હોવાની વાતોમાં કોઈ તથ્ય કે સત્યતા જણાતી નથી.
આ ઉપરાંત, સના ખાનના જે ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવી રહી છે તેમાં પણ તેણે આ પ્રકારનું કશું કહ્યું હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. સના ખાને એક ઇન્ટરવ્યૂમાં ગર્ભાવસ્થા અને બાળકને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે, “અમે અમારા બાળકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. પોતાના શરીરમાં લોહી અને માંસથી બાળક આકાર લઇ રહ્યું છે તેનો અહેસાસ કરવો અદ્ભુત હોય છે. જીવનનો સૌથી ખુશીની ક્ષણ બાળક હોવું તે છે.”
નિકાહને લઈને તેણે કહ્યું હતું કે, “મારા નિકાહ મોડા થયા તેનો મને અફ્સોસ છે. હું બાળકો વહેલી ચાહતી હતી. હાલમાં મારું ચાલે તો હું બાળકોથી ભરેલી નર્સરી પસંદ કરું. પણ એવું શક્ય નથી. જો કે નિકાહ મોડા થયા છે પણ યોગ્ય સાથી શોધવો પણ જરૂરી હતો. અમે બંને જણા બાળકની રાહ જોઈ રહ્યા છીએ”