Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણલાલકૃષ્ણ અડવાણીને એનાયત થયો ‘ભારત રત્ન’, તો તેમાં પણ વિપક્ષને દેખાયું રાજકારણ:...

    લાલકૃષ્ણ અડવાણીને એનાયત થયો ‘ભારત રત્ન’, તો તેમાં પણ વિપક્ષને દેખાયું રાજકારણ: પ્રોટોકોલ ભૂલીને ફેલાવ્યો પ્રોપગેન્ડા, જાણો રાષ્ટ્રપતિના અપમાનના દાવા કેમ ખોટા છે  

    પ્રોટોકોલ એવું કહે છે કે પુરસ્કાર એનાયત કરવામાં આવે ત્યારે માત્ર રાષ્ટ્રપતિ અને જે-તે વ્યક્તિ, જેઓ સ્વીકારનાર હોય, બે જ ઊભા રહે છે અને બાકીના તમામ પોતાની બેઠક પર બેઠેલા રહે છે.

    - Advertisement -

    રવિવારે (31 માર્ચ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. રાષ્ટ્રપતિએ જ્યારે અડવાણીને પુરસ્કાર એનાયત કર્યો તે ક્ષણોની તસવીરો અને વિડીયો પછીથી સામે આવ્યાં. સામાન્ય રીતે દેશના કોઈ ગણમાન્ય વ્યક્તિને આ કક્ષાનો પુરસ્કાર આપવામાં આવે ત્યારે તેને વધાવી લેવું જોઈએ, પરંતુ દેશના વિપક્ષ અને અમુક અન્યોએ તેમાં પણ દુષ્પ્રચાર ફેલાવવાના અને રાજકીય લાભ મેળવવાના પ્રયાસ કર્યા.

    એક ફોટો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિનું ઉચિત સન્માન ન કર્યું અને તેમને ઊભાં રહેવા માટે મજબૂર કર્યાં. કોંગ્રેસે એક પોસ્ટ કરીને રાષ્ટ્રપતિના અપમાનનો દાવો કર્યો અને પીએમ મોદી પર પ્રહાર કરવાના પ્રયાસ કર્યા. 

    કોંગ્રેસના X હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એલકે અડવાણી અને પીએમ મોદી બેઠેલા જોવા મળે છે, જ્યારે રાષ્ટ્રપતિ મૂર્મુ અડવાણીની બાજુમાં ઊભાં છે. કોંગ્રેસે લખ્યું, “દેશનાં મહામહિમ રાષ્ટ્રપતિ ઊભાં છે અને પીએમ મોદી બેઠા છે. ફરી એક વખત પીએમ મોદીએ જાણીજોઈને આદીવાસી મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું.” આગળ સંસદ ભવન ઉદઘાટનનો મુદ્દો લઇ આવીને કહ્યું કે, તે સમયે પણ રાષ્ટ્રપતિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આમ કહીને પીએમ મોદી અને ભાજપને મહિલા અને દલિત વિરોધી ગણાવી દીધાં.

    - Advertisement -

    શિવસેનાનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ જ ફોટો પોસ્ટ કરીને કટાક્ષભરી ટિપ્પણીઓ કરી. 

    તાજેતરમાં જ જેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી અભિનેત્રી અને ભાજપની ટીકીટ પર લોકસભા ચૂંટણી લડતાં કંગના રણોત વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેવાં કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને શિષ્ટાચારની ચિંતા થઈ. તેમણે પણ આ જ પોસ્ટ કરીને દુષ્પ્રચાર ફેલાવ્યો. 

    હકીકત શું છે? 

    પહેલી વાત તો એ છે કે આ ફોટો એક ક્ષણ દરમિયાનનો છે. ત્યાં રાષ્ટ્રપતિ માટે તેમનું પૂરેપૂરું સન્માન જળવાય તે રીતે વિશેષ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફોટો તે ક્ષણનો છે જ્યારે તેમણે એલકે અડવાણીને પુરસ્કાર એનાયત કર્યો હતો. ત્યારબાદ ફોટો સેશન ચાલતું હોવાના કારણે તેઓ અડવાણીની બાજુમાં ઊભાં રહ્યાં હતાં. જે પૂર્ણ થયા બાદ તેમની બેઠક પર બિરાજમાન થયાં હતાં, જે અન્ય તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. 

    હવે એ પ્રશ્ન થાય કે જ્યારે રાષ્ટ્રપતિએ અડવાણીને ‘ભારત રત્ન’ આપ્યો ત્યારે પીએમ મોદી કેમ બેઠા હતા? તેનો જવાબ રાષ્ટ્રપતિ ભવનના પ્રોટોકોલમાં મળે છે. પ્રોટોકોલ એવું કહે છે કે પુરસ્કાર એનાયત કરવામાં આવે ત્યારે માત્ર રાષ્ટ્રપતિ અને જે-તે વ્યક્તિ, જેઓ સ્વીકારનાર હોય, બે જ ઊભા રહે છે અને બાકીના તમામ પોતાની બેઠક પર બેઠેલા રહે છે. વધુમાં, જો સ્વીકારનાર વ્યક્તિ ઉભા રહી શકે તેવી સ્થિતિમાં ન હોય કે વ્હિલચેરમાં હોય તો બેઠા રહી શકે છે. જ્યાં રાષ્ટ્રપતિ તેમને પુરસ્કાર એનાયત કરે છે. 

    આ એક પ્રોટોકોલ છે, જે દરેક આવા કાર્યક્રમમાં અનુસરવાનો રહે છે. તમે અનેક કાર્યક્રમોમાં જોયું હશે, જ્યાં રાષ્ટ્રપતિ પુરસ્કાર આપે ત્યારે ઑડિયન્સમાં તમામ લોકો બેઠેલા જ હોય છે અને માત્ર રાષ્ટ્રપતિ અને એવોર્ડ સ્વીકારનાર, બે જ વ્યક્તિ ઉભા રહીને પુરસ્કાર સાથે તસવીર ખેંચાવે છે. આ સમયે અન્ય કોઈને (રાષ્ટ્રપતિના અંગરક્ષકોને બાકાત કરતાં) ઊભા રહેવાની મંજૂરી હોતી નથી. 

    લાલકૃષ્ણ અડવાણી સ્વાસ્થ્ય કારણોસર 30 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં આવી શક્યા ન હતા, જેથી તેમને ઘરે જઈને રાષ્ટ્રપતિએ સન્માન આપ્યું. દરમ્યાન, પીએમ પણ હાજર રહ્યા. કાર્યક્રમ ભલે રાષ્ટપતિ ભવનમાં ન હોય, પરંતુ ‘ભારત રત્ન’ સાથે જોડાયેલા પ્રોટોકોલ અનુસરવા પડે છે, જેના કારણે જ્યારે પુરસ્કાર એનાયત થયો ત્યારે પીએમ મોદી અને અન્યો બેઠા હતા.  

    આ પ્રોટોકોલની પુષ્ટિ સ્વયં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસ સેક્રેટરી રહી ચૂકેલા અશોક મલિકે કરી છે. તેમણે પ્રિયંકા ચતુર્વેદીના ટ્વિટને ક્વોટ કરીને આખી વાત સમજાવી હતી. 

    તારણ: લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ એનાયત કરતી વેળા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું હોવાના દાવા ખોટા અને પાયાવિહોણા છે. રાષ્ટ્રપતિ ફોટો સેશન માટે ઊભાં હતાં, પછીથી પોતાનું સ્થાન મેળવી લીધું હતું. જ્યારે પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રોટોકોલના કારણે સ્થાન પર બેઠા રહ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં