Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ‘હજારો લોકોની ભીડ, કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ એકઠી થઈ’: જે ફોટો શૅર કરીને...

    ‘હજારો લોકોની ભીડ, કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ એકઠી થઈ’: જે ફોટો શૅર કરીને AAP સમર્થકો કરી રહ્યા છે માહોલ બનાવવાનો પ્રયાસ, તે છે જગન્નાથ પુરીની રથયાત્રાનો

    અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સમર્થકો સોશિયલ મીડિયામાં એક ફોટો ધડાધડ શેર કરી રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એક રોડ છે અને તેની ઉપર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયેલા છે. લોકોની સંખ્યા એટલી છે કે ક્યાય રોડ નજરે નથી આવી રહ્યો અને પગ મૂકવાની પણ જગ્યા નથી દેખાઈ રહી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી થકી કરોડોનું કૌભાંડ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને દિલ્હીની કોર્ટે તેમના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી સતત બુમરાણ મચાવી રહી છે કે અગામી ચૂંટણીને લઈને આ ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલ માટે સહાનુભૂતિ ઉઘરાવવાના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ ખાસ સફળતા મળતી જણાય રહી નથી, ત્યારે હવે તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર ખોટા દાવાઓ કરવા માંડ્યા છે.

    વાસ્તવમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સમર્થકો સોશિયલ મીડિયામાં એક ફોટો ધડાધડ શેર કરી રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એક રોડ છે અને તેની ઉપર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયેલા છે. લોકોની સંખ્યા એટલી છે કે ક્યાંય રોડ નજરે નથી આવી રહ્યો અને પગ મૂકવાની પણ જગ્યા નથી દેખાઈ રહી. આ લોકો કેજરીવાલની ધરપકડના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

    કેજરીવાલ સમર્થકો આ ફોટા સાથે કેપ્શન લખી રહ્યા છે કે, “આ ફોટો સાક્ષી પૂરે છે કે તાનાશાહનો અંત નિશ્ચિત છે. કેજરીવાલની ધરપકડના વિરોધમાં જનતા રસ્તા પર છે.” સાથે જ આ ફોટો સાથેના કેપ્શનમાં લોકેશન ચેન્નઈનું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર 78,000થી વધુ ફોલોવર ધરાવતા અને સતત ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા રહેતા એક જીતુ નામના યુઝરે આ પોસ્ટ શૅર કરી.

    - Advertisement -

    આ સિવાય પણ અન્ય અનેક કેજરીવાલ સમર્થકોએ આ જ ફોટાને શેર કરીને આ જ કેપ્શનને કૉપી પેસ્ટ કર્યું છે. તમામ લોકો કેજરીવાલ તરફે માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરતા નજરે પડી રહ્યા છે.

    AAP સમર્થકો જ નહીં પરંતુ પ્રો-કોંગ્રેસ અકાઉન્ટ્સ પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારના દાવા કરવામાં લાગ્યા હતા.

    શું છે ફોટાની વાસ્તવિકતા

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ગ્રાઉન્ડ લેવલે કોઈ જ હલચલ ન થતાં તેમના સમર્થકો માહોલ બનાવવા માટે ચેન્નઈના લોકેશન સાથે જે ફોટો શેર કરી રહ્યા છે, તે ખરેખર ઓડિશાના પુરી શહેરનો છે. જૂનો છે અને કેજરીવાલ સાથે કશું જ લાગતું-વળગતું નથી. ફોટો જગન્નાથ પુરીની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાનનો છે.

    અનેક વેબસાઈટ અને પોર્ટલ્સ પર આ ફોટો ઘણા સમય પહેલાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યો છે. જેમકે, ‘ધ શિલોંગ ટાઈમ્સે’ જૂન, 2023માં જગન્નાથ પુરીની રથયાત્રા બાદ આ ફોટો અપલોડ કર્યો હતો. આ સિવાય એક યુટ્યુબ ચેનલ દ્વારા જગન્નાથ રથયાત્રાના વિડીયોમાં પણ આ જ દ્રશ્યો જોવા મળ્યાં હતાં. આ વિડીયોની 4 મિનીટ 6 સેકન્ડે આ જ દ્રશ્યો છે જે કેજરીવાલ સમર્થકો દ્વારા શૅર કરવામાં આવી રહ્યાં છે. વિડીયોમાં જણાવ્યા અનુસાર તે સમયે આ રથયાત્રામાં દસ લાખ લોકો જોડાયા હતા.

    વાસ્તવમાં આમ આદમી પાર્ટી સમર્થકના એક પેરોડી અકાઉન્ટે મજાક ઉડાડવા માટે આવી પોસ્ટ મૂકી હતી, પરંતુ આમ આદમી પાર્ટી સમર્થકો તેને સાચી માની બેઠા અને ખરાઈ કર્યા વગર શૅર કરવા માંડી હતી.

    નોંધનીય છે કે જ્યારથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ રસ્તા પર એકલ-દોકલ સંખ્યામાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. સામાન્ય જનતા આ વિષયથી દૂર રહેતી જણાઈ રહી છે. ત્યારે કેજરીવાલ તરફે મહોલ બનાવવા માટે પાર્ટી તનતોડ પ્રયત્ન કરી રહી છે પણ તેમાં સફળતા નથી મળી રહી. વધુમાં સોશિયલ મીડિયામાં આ પ્રકારે માહોલ બનાવવાના થોડાઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તેમાં પણ આખરે પોલ ખુલી જાય છે.

    તારણ: અરવિંદ કેજરીવાલના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાના દાવા સાથે કરવામાં આવેલી આ પોસ્ટ ઑપઇન્ડિયાના ફેક્ટચેકમાં ખોટી સાબિત થઈ છે. આ માત્ર ભ્રમ ફેલાવવા માટે ચલાવવામાં આવેલા એક જૂઠ્ઠાણા સિવાય બીજું કશું જ નથી. ફોટો જૂનો છે અને જગન્નાથ પુરીની રથયાત્રાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં