Sunday, July 21, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકજુઠોં કા સરતાજ?: દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવીને ગપ્પાં મારી ગયા, આરટીઆઇમાં ...

  જુઠોં કા સરતાજ?: દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવીને ગપ્પાં મારી ગયા, આરટીઆઇમાં કેજરીવાલના જુઠા દાવાઓની પોલ ખુલી

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં દાવો કર્યો હતો કે તેમની સરકારે ગુજરાત સરકાર કરતાં વધારે વડીલોને જાત્રાએ મોકલ્યા છે પરંતુ એક RTIમાં તેમના આ દાવાની પોલ પણ ખુલી ગઈ હતી.

  - Advertisement -

  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગયા મહિને ગુજરાત પ્રવાસે આવ્યા હતા જે દરમિયાન એમણે રાજકોટની જાહેરસભા દિલ્હી સરકારની ઘણી કથિત ઉપલબ્ધીઓ ગણાવી હતી અને ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. પરંતુ તે સભા બાદ થયેલ એક RTIના જવાબમાં કેજરીવાલના દાવા પોકળ અને ગુજરાતને બદનામ કરવાનું એક કાવતરું માત્ર સાબિત થયા હતા.

  ગત મહિને પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલએ રાજકોટમાં એક રાજકીય જાહેરસભા સંબોધી હતી. જ્યાં તેમણે એક પછી એક એમ દિલ્હી સરકારની અનેક ઉપલબ્ધીઓ ગણાવી હતી. તે સિવાય એમણે ઘણી વાર ગુજરાત સરકાર પર નિશાન પણ સાધ્યું હતું.

  પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલએ ગુજરાત સરકાર પર આરોપ લાગવતા કહ્યું હતું કે, “ગુજરાતમાં ભાજપા સરકાર છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહી છે, ભાજપ સરકારે આ 27 વર્ષથી કોઈ પણ વ્યક્તિને તીર્થયાત્રા પર મોકલ્યા નથી. જ્યારે અમે એટલે કે દિલ્હીની સરકારે 50,000 યાત્રાળુઓને તીર્થયાત્રા પર મોકલ્યા છે.”

  - Advertisement -

  AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા આ આરોપો અને દાવા કોઈ પણ પુરાવા રજૂ કર્યા વગર કરાયા હતા અને આ પહેલા તેમના આવા અનેક દાવાઓ ખોટા સાબિત થઈ ચૂક્યા હતા. કેજરીવાલના આ નિવેદન બાદ ગુજરાતનાં દ્વારકામાં રહેતા સુજીત પટેલ દ્વારા સમગ્ર સત્ય જાણવા ગુજરાત સરકાર માહિતી ખાતામાં એક RTI કરાઇ હતી અને આ RTIના આધિકારિક જવાબે કેજરીવાલના જુઠ્ઠાણાંની પોલ ખોલી દીધી હતી.

  ઑપઇન્ડિયા સાથેની એક્સ્ક્લુસિવ વાતચીતમાં સુજીત પટેલે જણાવ્યુ કે જ્યારે તેમણે પ્રથમ વાર કેજરીવાલના દાવા અને એ રાજકોટનું સંબોધન સાંભળ્યુ તો એ તેમને ગળે નહોતું ઉતર્યું અને આ પહેલા પણ કેજરીવાલ અનેક વાર ખોટા પડી ચૂક્યા હતા એ એમણે ખ્યાલ હતો. આથી ગુજરાતને અપમાનિત કરતી આ ટિપ્પણીઓનું સત્ય જાણવા એમણે RTI કરી હતી જેમાં તેમણે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે હમણાં સુધી ગુજરાત સરકારે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને તીર્થયાત્રા પર મોકલ્યા છે.

  ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અપાયેલ સુજીત પટેલની RTIનો જવાબ (ફોટો : સુજીત પટેલ દ્વારા)

  સુજીત પટેલની આ RTIનો જવાબ આપતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આંકડા આપ્યા એ મુજબ, 2017થી શરૂ થયેલ આ ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ હમણાં સુધી કુલ 89,891 દર્શનાર્થીઓને તીર્થયાત્રા કરવાનો લાભ મળ્યો છે. આમ સરકારી આંકડાઓ મુજબ જ કેજરીવાલે ગુજરાતને બદનામ કરવા માટે કરેલ દાવાની પોલ ખૂલી જાય છે.

  ઑપઇન્ડિયા સાથે આગળ વાત કરતાં સુજીત પટેલે જણાવ્યુ કે ગુજરાત સરકાર દ્વારા અપાયેલ તેમની RTIના જવાબથી તેઓ સંતુષ્ટ છે. આ ઉપરાંત તેમણે એક RTI દિલ્હી સરકારને પણ કરી છે જેમાં એમના દ્વારા યાત્રા માટે મોકલવામાં આવેલ દર્શનાર્થીઓના આંકડા માંગવામાં આવ્યા છે. આવતા અઠવાડીયા સુધીમાં એ RTIનો જવાબ આવી જવાની શક્યતા છે. જે બાદ સંભવ છે કે કેજરીવાલનો વધુ એક દાવો ખોટો સાબિત થાય.

  અહિયાં નોંધનીય છે કે, જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ હોય કેજરીવાલ પોતાના વાયદાઓનું પોટલું લઈને ત્યાં પહોચી જતાં હોય છે, ભલે એ પંજાબ હોય કે ગોવા. અને એ વાયદાઓ અનુસાર એમને જે તે સ્થાને હાર અથવા જીત મળતી હોય છે. એ જ રીતે આવનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગમે તેમ વાયદાઓ અને દાવાઓ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થઈ ચૂક્યું છે, પછી ભલે તે ફ્રી વીજળી હોય કે સારું શિક્ષણ. પરંતુ ગુજરાતમાં માત્ર વાતો કરવાથી કામ નહીં ચાલે કેમ કે સુજીત પટેલ જેવા અનેક જાગૃત નાગરિકો છે ગુજરાતમાં જે કાયદાકીય રીતે સત્ય સામે લાવતા રહેતા હોય છે. જેથી આગામી સમયમાં કેજરીવાલની પાર્ટીએ ગુજરાતમાં પોતાની સ્ટ્રેટજી બદલવી પડે એની પૂરી સંભાવના છે.

  ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના

  2017ના વર્ષમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ એટ્લે કે 1 મે 2017ના દિવસથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગુજરાતના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ગુજરાતમાં આવેલા પ્રખ્યાત યાત્રાધામો અને જોવાલાયક સ્થળોનો પ્રવાસ 50% ભાડામાં કરાવવામાં આવે છે.

  શ્રવણ તીર્થ દર્શન યોજના દ્વારા ઉંમરલાયક લોકોને ગુજરાતના પ્રખ્યાત મંદિરો, જોવાલાયક સ્થળો અને બીજી અન્ય જગ્યાઓની મુલાકાત કરાવવામાં આવે છે. શ્રવણ તીર્થ દર્શન યોજના માટે નાગરિકોને ઓનલાઈન તેમની સતાવાર વેબસાઈટ ઉપરથી અરજી કરવાની હોય છે અથવા તેઓ નજીકના ST ડેપોની મુલાકાત લઇ તમામ માહિતી મેળવી શકે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં