Monday, April 29, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકના, વાયરલ ફોટામાં દેખાતું ટોળું ઇથિયોપિયાના લોકોનું છે, કેજરીવાલના સમર્થકોનું નહીં!- ફેક્ટચેક

    ના, વાયરલ ફોટામાં દેખાતું ટોળું ઇથિયોપિયાના લોકોનું છે, કેજરીવાલના સમર્થકોનું નહીં!- ફેક્ટચેક

    સોશિયલ મીડિયામાં કેજરીવાલ સમર્થકો ધડાધડ એક ફોટો શૅર કરી રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે પીળા રંગનાં કપડાં પહેરેલા લોકોથી આખો એક રોડ બ્લોક છે. હજારોની જનમેદની એ રીતે રોડ પર ઉતરી આવી છે કે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી.

    - Advertisement -

    લિકર પોલિસી થકી કરોડોના કૌભાંડમાં નામ ખૂલ્યા બાદ જ્યારથી આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયાના અલગ-અલગ માધ્યમોથી સમર્થન અને સહાનુભૂતિ મેળવવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ જુઠ્ઠાણું ચલાવતા પણ નથી ખચકાઈ રહ્યા. તાજેતરમાં પુરીની ભગવાન જગન્નાથ રથયાત્રાના ફોટા શૅર કરીને લાખો AAP સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાનું જૂઠ્ઠાણું ફેલાવ્યાં બાદ, હવે વધુ એક ફોટો શૅર કરીને AAP સમર્થકો દ્વારા કેજરીવાલના લાખો સમર્થકો રોડ પર ઉતરી આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    હાલ સોશિયલ મીડિયામાં કેજરીવાલના સમર્થકો ધડાધડ એક ફોટો શૅર કરી રહ્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે પીળા રંગનાં કપડાં પહેરેલા લોકોથી આખો એક રોડ બ્લોક છે. હજારોની જનમેદની એ રીતે રોડ પર ઉતરી આવી છે કે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. ફોટામાં દેખાતો માહોલ એવો છે કે, પ્રથમ દ્રષ્ટિમાં લોકો સાચું પણ માની જાય. તેનું કારણ એ છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના એકલ-દોકલ નેતાઓએ આવા જ પીળા રંગની ટી-શર્ટ પહેરીને દિલ્હીના રસ્તાઓ પર દેખાવો કર્યા હતા.

    શું કરવામાં આવી રહ્યા છે દાવા?

    પહેલાની માફક જ આમ આદમી પાર્ટીના સમર્થકો આ ફોટાને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, લાખો લોકો અરવિંદ કેજરીવાલના સમર્થનમાં રસ્તા પર ઉતરી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા બ્રિજેશ ફળદુએ પણ આ ફોટો મૂકીને કેજરીવાલના સમર્થનમાં લાખો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હોવાનો દાવો કર્યો હતો.

    - Advertisement -

    અન્ય એક પ્રીતિ નામના હેન્ડલ પરથી પણ આ જ ફોટો શેર કરવામાં આવ્યો છે. આ યુઝરે તો એવો દાવો કરી દીધો કે આ ફોટો દિલ્હીના રામલોલા મેદાનનો છે. આગના ભડકા મૂકીને તેઓ લખે છે કે, “આજે રામલીલા મેદાનમાં લાખો કેજરીવાલ છે, કયા-કયા કેજરીવાલની ધરપકડ કરશો?”

    આ પ્રકારની જ પોસ્ટ અન્ય કેટલાક યુઝરો દ્વારા પણ કરવામાં આવી. આ તમામ પોસ્ટમાં એક જ ફોટો વારંવાર શૅર કરવામાં આવી રહ્યો છે. સાથે જ એક જ દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના સમર્થનમાં જનતા લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી છે.

    ફોટાની વાસ્તવિકતા જાણો

    આવી અનેક પોસ્ટ ધ્યાને આવ્યા બાદ ઑપઇન્ડિયાએ તેની વાસ્તવિકતા જાણવા પ્રયત્ન કર્યો. અમારી ટીમે રિવર્સ ઈમેજ મેથડ દ્વારા આ ફોટો ક્યાંનો અને ક્યારનો છે તે જાણવા શોધખોળ શરૂ કરી. તેવામાં અમારી નજર એક વેબસાઈટ પર પડી. અમને અદ્દલ આ જ ફોટો MDGIF નામની વેબસાઈટ પર જોવા મળ્યો. તેમાં આ ફોટા નીચે લખવામાં આવ્યું હતું કે, “હેઇલ ગેબ્રેસેલાસીએ ‘2015 સુધીમાં ગરીબીનો અંત લાવી શકીએ છીએ’ના સૂત્ર હેઠળ મહાન ઇથિયોપિયન રનની શરૂઆત કરી.”

    આટલે ન અટકતાં અમે વધુ શોધખોળ કરી. દરમિયાન અમે આ ફોટાને લગતી અનેક પોસ્ટ જોવા મળી. ચોંકાવનારી વાત તે છે કે આ ફોટાને લઈને ભૂતકાળમાં દાવા કરવામાં આવ્યા હતા કે આ IPL ક્રિકેટની ચેન્નાઈ સુપર કિંગ્સના સમર્થકોની ભીડ છે અને આ દ્રશ્ય અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારનાં છે. જોકે તે સમયે પણ આ દાવો ખોટો સાબિત થયો હતો અને સામે આવ્યું હતું કે આ ફોટા વાસ્તવમાં ઇથિયોપિયન રનના છે અને તે ઘણાં વર્ષ જૂના છે.

    આ સિવાય પણ અન્ય અનેક પુરાવાઓ મળ્યા જે તે સાબિત કરવા પૂરતા હતા કે આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા કરવામાં આવતા દાવા તદ્દન જૂઠ્ઠા છે.

    તારણ: અરવિંદ કેજરીવાલના સમર્થનમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાના દાવા સાથે કરવામાં આવેલી આ પોસ્ટ ઑપઇન્ડિયાના ફેક્ટચેકમાં ખોટી સાબિત થઈ છે. આ માત્ર ભ્રમ ફેલાવવા માટે ચલાવવામાં આવેલા એક જૂઠ્ઠાણા સિવાય બીજું કશું જ નથી. ફોટો ઘણાં વર્ષો જૂનો છે, ઈથિયોપિયાનો છે અને ઇથિયોપિયન રન નામની ઇવેન્ટ વખતેનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં