ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાની ટિપ્પણીના થઈ રહેલા વિરોધ વચ્ચે બુધવારે (10 એપ્રિલ) જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાનો એક પત્ર સામે આવ્યો હતો, જેમાં તેમણે જો રૂપાલા ફરી એક વખત માફી માંગે તો તેમને માફ કરી દેવા માટે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. જામસાહેબનો આ પત્ર સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા બાદ હવે તેની ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને ક્યાંક તેને ‘ફેક’ પણ ગણાવવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર અનેક એવી પોસ્ટ જોવા મળી, જેમાં આ લેટર ફેક હોવાના દાવા કરવામાં આવ્યા હોય. એક યુઝરે X પર પોસ્ટ કરીને દાવો કર્યો કે ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં આ ખોટો પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં સહી સહિત અનેક શબ્દોમાં છબરડા છે.
સોસીયલ મીડિયા માં રૂપાલા ને માફી આપવા ની પહેલ કરતો જામનગર ના રાજવી નો પત્ર ડમી..
— mehul thakkar (@Thakkarmehul11) April 10, 2024
આંદોલન ને શાંત કરવા ભાજપીયાઓ દ્વારા સોશ્યિલ મીડિયા માં ખોટો પત્ર વાયરલ કરવામાં આવીયો…*
જેમાં સહી સહીત ઘણા શબ્દો માં છબરડો કરવામાં આવ્યો છે જેની દરેકે નોંધ લેવી.
ગાભા ગેંગ બેઠા માં ઝડપાઇ. pic.twitter.com/kB76fP5e60
એક પત્રકારે જ્યારે આ પત્ર પોસ્ટ કર્યો તો તેમની પોસ્ટમાં પણ સવાલ ઉઠાવવામાં આવ્યા. ઘણા યુઝરો 9 એપ્રિલનો જામસાહેબનો એક પત્ર પોસ્ટ કરીને કહી રહ્યા છે કે તે લેટરહેડ પણ અલગ છે અને સહી પણ અલગ છે. ઉલ્લેખનીય છે કે 9 એપ્રિલના રોજ પણ જામસાહેબે એક પત્ર પોસ્ટ કર્યો હતો, જેમાં રાજપૂતોને એક થઈને અપમાનજનક કૃત્ય કરનારાને ચૂંટણીમાં હરાવવા માટે કહ્યું હતું, પરંતુ 10 એપ્રિલના પત્રમાં તેમણે સમાધાન માટે હાકલ કરી.
ગય કાલ અને આજ બન્ને લેટરના હેડીગ અને સહી અલગ પડે છે!!!??? pic.twitter.com/0JYbjtyS7W
— Yograjsinh Zala (@YograjsinhZala9) April 10, 2024
ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ પત્ર પોસ્ટ કર્યો ત્યારે તેમને પણ આવી જ સલાહ આપવામાં આવી અને દાવો કરવામાં આવ્યો કે આજનો પત્ર ફેક છે.
આ પત્ર જ ફેંક છે એટલે કોઈ પણ રાજપૂત સમાજે ધ્યાન માં લેવો નહીં
— Mansung Rajput (@mansung_rajput) April 10, 2024
👇 સાચો પત્ર નીચે મુજબ છે pic.twitter.com/GYTNxgFDkT
હકીકત શું છે?
સમગ્ર મામલાની હકીકત જાણવા માટે ઑપઇન્ડિયાએ જામનગર પ્રતાપ વિલાસ પેલેસનો સંપર્ક કર્યો. મહેલના પબ્લિક રિલેશન (PR) વિભાગે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે 9 એપ્રિલ અને 10 એપ્રિલ, બંને દિવસોના પત્રો સાચા જ છે અને મહેલ દ્વારા જ જારી કરવામાં આવ્યા છે. તે ફેક હોવાની કે બનાવટી હોવાની વાતો ખોટી છે.
બંનેના લેટરહેડ અલગ છે, પરંતુ બંને જામસાહેબના જ છે. 9 એપ્રિલનો લેટરહેડ જામનગરના જામસાહેબનો હતો, જ્યારે 10 એપ્રિલનો લેટરહેડ વિંગ કમાન્ડર (માનદ) એસ. ડી જાડેજાનો છે. બંને સાચા જ છે. તેમજ હસ્તાક્ષર પણ બંને પર સ્વયં જામસાહેબે જ કર્યા છે તેમ પેલેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાને ભારતીય વાયુસેના દ્વારા વિંગ કમાન્ડરની માનદ પદવી આપવામાં આવી છે. એ જ કારણ છે કે તેઓ વિંગ કમાન્ડરના લેટરહેડનો પણ ઉપયોગ કરે છે. અહીં એસ. ડી જાડેજાનો અર્થ છે- શત્રુશલ્યસિંહ દિગ્વિજયસિંહ જાડેજા.
જેથી 10 એપ્રિલનો લેટર ફેક હોવાની વાતમાં કોઇ તથ્ય નથી.
તારણ: રૂપાલા વિવાદ મુદ્દે 10 એપ્રિલ, 2024ના રોજ જામસાહેબ દ્વારા જાહેર કરવામાં આવેલો પત્ર ફેક હોવાની વાત ખોટી છે. ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં સ્વયં મહેલના PR વિભાગે પુષ્ટિ કરી છે કે પત્ર મહેલ દ્વારા જ જારી કરવામાં આવ્યો છે.