Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘ઇલેક્ટોરલ બૉન્ડના ડેટામાં અદાણી જૂથની પણ કંપની’: જે દાવાનું ખંડન થઈ ચૂક્યું...

    ‘ઇલેક્ટોરલ બૉન્ડના ડેટામાં અદાણી જૂથની પણ કંપની’: જે દાવાનું ખંડન થઈ ચૂક્યું છે 4 મહિના પહેલાં, તેના આધારે ફરી ફેલાવાઈ રહ્યા છે ફેક ન્યૂઝ- હકીકત જાણો

    આ ડેટા જોઈને વિપક્ષ અને તેમના સમર્થકોને ભયંકર ગૂંગળામણ થવા લાગી છે, કારણ કે આ આખી યાદીમાં અદાણી કે અંબાણીનું ક્યાંય નામ નથી.

    - Advertisement -

    SBIએ સોંપેલો ઇલેક્ટોરલ બૉન્ડનો ડેટા ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધો છે. બે યાદીઓ જાહેર કરવામાં આવી છે, જેમાંથી એકમાં 12 એપ્રિલ, 2019થી 11 જાન્યુઆરી 2024 સુધીમાં કોણે-કોણે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા તેની વિગતો આપવામાં આવી છે, જ્યારે બીજી યાદીમાં 12 એપ્રિલ, 2019થી 24 જાન્યુઆરી, 2024 સુધીમાં કઈ રાજકીય પાર્ટીઓએ આ બૉન્ડ એનકૅશ કર્યા હતા તેની વિગતો છે. જોકે, કોણે કોને દાન આપ્યું હતું તેની વિગતો આ ડેટામાં સામેલ નથી.

    આ ડેટા જોઈને વિપક્ષ અને તેમના સમર્થકોને ભયંકર ગૂંગળામણ થવા લાગી છે, કારણ કે આ આખી યાદીમાં અદાણી કે અંબાણીનું ક્યાંય નામ નથી. અદાણી જૂથે એક પણ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યો નથી અને આ જ કારણોસર નામ ક્યાંય નથી. યાદીમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનું પણ કયાંય નામ નથી જોવા મળી રહ્યું. જ્યારે વિપક્ષો કાયમ આ બંને ઉદ્યોગસમૂહોને ટાર્ગેટ કરતાં રહે છે અને ભાજપ સરકાર પર તેમને લાભ પહોંચાડવાના આરોપ લગાવતા રહે છે.

    વિપક્ષ અને અન્ય વિરોધીઓને એમ હતું કે આ બૉન્ડનો ડેટા સામે આવ્યા બાદ અદાણીનું નામ જોવા મળશે જ. આ કારણોસર બૉન્ડ જાહેર થતાં પહેલાં અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંધાયો. પરંતુ સોશિયલ મીડિયા પર કાયમ બૂમબરાડા પાડતા લોકોને જ્યારે ખ્યાલ આવ્યો કે આ યાદીમાં બંનેનાં નામો જ નથી ત્યારે ડૂબતો માણસ જેમ તણખલું પકડે તેમ મારી-તોડી-મચડીને બૉન્ડ મામલે અદાણી સમૂહનું નામ ઉછાળવા એક જૂના અને પહેલેથી જુઠ્ઠા સાબિત થયેલા દાવાનો સહારો લીધો.

    - Advertisement -

    જોકે ઉતાવળિયાં પગલાંમાં તેઓ ભૂલી ગયા કે જે દાવો તેઓ કરી રહ્યા છે તેનો ભાંડો તો બહુ પહેલાં જ ફૂટી ચૂક્યો છે. વાસ્તવમાં વિરોધીઓ ફરી એકવાર ‘નવયુગ એન્ટરપ્રાઈઝ’નું નામ લઈને દાવો કરી રહ્યા છે કે તેમણે જે બૉન્ડ ખરીદ્યા છે, તે વાસ્તવમાં અદાણી જૂથે જ આપેલા રૂપિયા છે. વિપક્ષ અને વિરોધીઓ કોઈ પણ રીતે સાબિત કરવા માંગે છે કે અદાણી સમૂહ એ નવયુગ એન્જિનિયરિંગની પેરેન્ટ કંપની છે. ઉલ્લેખનીય છે કે નવયુગ એન્જિનિયરિંગનું નામ ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદનારાઓની યાદીમાં સામેલ છે. હવે આ કંપનીને અદાણી સાથે જોડવામાં આવી રહી છે.

    સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ભ્રામક દાવા

    X પર ‘મહુઆ મોઈત્રા ફેન્સ’ નામના અકાઉન્ટ પરથી આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો. જ્યાં 2 ફોટા શૅર કરવામા આવ્યા છે. એકમાં ઇલેક્ટોરલ બૉન્ડની ચૂંટણી પંચે અપલોડ કરેલી યાદી છે, જેમાં ‘નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ’નું નામ હાઇલાઇટ કરવામાં આવ્યું છે. બીજી તરફ એક ન્યૂઝ આર્ટિકલ છે, જેમાં જણાવાયું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ અને નવયુગ એન્જિનિયરિંગ મળીને એક સબસિડરી કંપની ઈન્કોર્પોરેટ કરશે. કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘રાહ જોવાનો સમય પૂર્ણ થયો. અદાણી એન્ટરપ્રાઇઝની સબસિડરી નવયુગ એન્ટરપ્રાઇઝ પણ આ યાદીમાં છે.’

    આ દાવો ખોટો સાબિત કરવા માટે બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. જે ન્યૂઝ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે તે જ પૂરતો છે. કારણ કે આ આર્ટિકલમાં જ લખવામાં આવ્યું છે કે અદાણી અને નવયુગ મળીને એક સબસિડરી કંપની બનાવશે. બંને એક જ જૂથની કંપનીઓ હોય તો સાથે મળીને સબસિડરી કઈ રીતે બનાવે? અને ઉદ્યોગજગતમાં બે મોટી કંપનીઓ વચ્ચે ‘સંયુક્ત સાહસ’ સામાન્ય બાબત છે. તેનાથી અદાણી નવયુગની કે નવયુગ અદાણીની માલિક બની જતી નથી.

    આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના સમર્થક નીલેશ શેકોકરે પણ આવી જ એક પોસ્ટ કરી હતી. તેમણે પણ આ જ બે ફોટા X પર પોસ્ટ કર્યા અને અદાણી અને નવયુગના નામે ખોટો દાવો કરીને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો. સાથે લખ્યું કે, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંઘ સામે કાર્યવાહી થઈ રહી છે અને અદાણીની સબસિડરી પાસેથી દાન ઉઘરાવવામાં આવી રહ્યું છે. નોંધવું જોઈએ કે આ બંને આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

    આવો એક ગેરમાર્ગે દોરતો દાવો કર્યો છે અનવર ખાન નામના યુઝરે. તેઓ ભૂલી ગયા કે જે ઉત્તરાખંડની ટનલનો હવાલો આપીને દાવો કરી રહ્યા છે તે બહુ લાંબા સમય પહેલાં જ ખોટો સાબિત થઈ ચૂક્યો છે. એક તરફ નવયુગવાળી સૂચિ અને બીજી તરફ ગૌતમ અદાણીનો ફોટો મૂકીને અનવર લખે છે કે, “નવયુગ એન્જિનિયરિંગ એ સબસિડરી કંપની છે જેની માલિકી ગૌતમ અદાણીની છે. આ એ જ કંપની છે જે ઉત્તરાખંડમાં ટનલ બનાવવાનું કામ કરી રહી હતી અને તેમાં 41 શ્રમિકો ફસાઈ ગયા હતા.”

    નવયુગ એન્ટરપ્રાઈઝની વાસ્તવિકતા બહુ પહેલાં જ સામે આવી ચૂકી છે

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારનો દુષ્પ્રચાર આ પહેલાં પણ થયો હતો. દાવા કરવામાં આવી રહ્યા હતા કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દિવાળીના દિવસે ધસી પડેલી ટનલનું નિર્માણકાર્ય જોતી નવયુગ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ અદાણી જૂથની કંપની છે. હવે ઇલેક્ટોરલ બૉન્ડની યાદીમાં ફરી એકવાર આ કંપનીનું નામ વાંચીને વિરોધીઓ અને વિપક્ષ આ દાવો કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે નવયુગ અને અદાણી વચ્ચે કોઇ સંબંધ નથી અને બંને અલગ-અલગ કંપનીઓ છે.

    તે સમયે સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર શરૂ થયા બાદ અદાણી જૂથે ઝંપલાવવાની જરૂર પડી હતી. ઔદ્યોગિક સમૂહે આધિકારિક રીતે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ તમામ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે અને સત્ય એ છે કે અદાણી જૂથ કે તેની કોઇ પણ સબસિડરી કંપનીને આ ટનલ સાથે ક્યાંય કોઇ પણ પ્રકારનો સંબંધ નથી. તેમજ જે કંપની ટનલનું નિર્માણકાર્ય જોઈ રહી છે તે પણ અદાણી સાથે સંબંધ ધરાવતી નથી. અદાણી જૂથે એક મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે અમુક તત્વો અમને ઉત્તરાખંડમાં ટનલ ધસી પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે જોડવાના હીન પ્રયાસો કરી રહ્યા છે. અમે આ હરકતોને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.”

    નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર વિરુદ્ધ 10 વર્ષે પણ કોઇ આરોપો ન જડતાં વિરોધી પાર્ટીઓ અને તેમના સમર્થકો કાયમ દેશના ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરતા રહે છે અને ભાજપ સરકાર પર તેમને લાભ પહોંચાડવાના આરોપ લગાવતા રહે છે. પરંતુ 10 વર્ષ થઈ ગયાં હોવા છતાં એક પણ આરોપ સાબિત થઈ શક્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં