Friday, May 3, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકG-20 સમિટ પાછળ મોદી સરકારે ફાળવેલા બજેટ કરતાં 300 ટકા વધારે ખર્ચ...

    G-20 સમિટ પાછળ મોદી સરકારે ફાળવેલા બજેટ કરતાં 300 ટકા વધારે ખર્ચ કર્યો?: જાણો શું છે સોશિયલ મીડિયા પર થતા દાવા પાછળની વાસ્તવિકતા

    અગાઉ પણ ફેક ન્યૂઝ ફેલાવીને વિવાદમાં આવેલા ટીએમસી સાંસદ સાકેત ગોખલે સહિતના લોકોએ દાવો કર્યો. સોશિયલ મીડિયા પર આવા સમાચારો ફરતા થયા બાદ સરકારે ચોખવટ કરવી પડી હતી. 

    - Advertisement -

    ઐતિહાસિક G-20 સમિટ સમાપ્ત થયા બાદ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારે આ કાર્યક્રમ પાછળ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું તેનાથી 300 ટકા વધુ ખર્ચ કરી નાખ્યો હતો. ઘણી એવી પોસ્ટ્સ જોવા મળી, જેમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા હોય. 

    અગાઉ પણ ઘણી વખત ફેક ન્યૂઝ ફેલાવવાને લઈને વિવાદોમાં ફસાઈ ચૂકેલા ટીએમસી સાંસદ સાકેત ગોખલેએ X પર એક પોસ્ટ કરીને દાવો કર્યો કે, મોદી સરકારે G-20 માટે જેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું હતું તેના કરતાં 300 ટકા વધુ ખર્ચ કરી નાખ્યો. તેમનો દાવો એવો હતો કે અંતિમ વાર્ષિક બજેટમાં સરકારે 990 કરોડ રૂપિયા બજેટ ફાળવ્યું હતું. જ્યારે સરકારે 4100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. આ સાથે તેમણે દર વખતની જેમ વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને લખ્યું કે આ વધારાનો ખર્ચ બિનજરૂરી હતો અને તે પાછળનો આશય માત્રને માત્ર 2024ની લોકસભા ચૂંટણી પહેલાં તેમની વ્યક્તિગત છબી સુધારવા માટેનો હતો. 

    આવો જ દાવો કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કર્યો. એક પોસ્ટમાં અમુક ન્યૂઝ આર્ટિકલ જોડીને લખ્યું કે, સરકારે 900 કરોડ રૂપિયા ફાળવીને G-20 પાછળ 4100 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. આ સાથે તેમણે એવું પણ ‘જ્ઞાન’ આપ્યું કે કોરોના મહામારી પછી દુનિયાભરના દેશો આ પ્રકારના કાર્યક્રમોમાં ખર્ચ પર કાપ મૂકી રહ્યા છે. તેમણે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપીને કહ્યું કે, તેમણે 2022ની સમિટમાં ભારતના ખર્ચના 10 ટકા કરતાં પણ ઓછો ખર્ચ કર્યો હતો. સાથે ઉમેર્યું કે, સરકાર મોંઘવારી ઘટાડવા માટે પૈસા ખર્ચ કરતી નથી પરંતુ આવા કાર્યક્રમોમાં વેડફી નાખે છે. 

    - Advertisement -

    આ સિવાય પણ આવી અનેક પોસ્ટ જોવા મળી, જેમાં આવા જ દાવા કરવામાં આવ્યા હોય અને સરકાર પર તગડો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હોય. 

    વાસ્તવિકતા શું છે? 

    G-20 પાછળ થયેલા ખર્ચ અને બજેટને લઈને જે દાવા થઈ રહ્યા છે તે ભ્રામક છે. ખરેખર કાર્યક્રમ પાછળ આટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો નથી. બે દિવસના કાર્યક્રમનો ખર્ચ એટલો જ થયો છે, જેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું, તેનો પણ ખર્ચ તેમાં ઉમેરવામાં આવે તો એમ 4100 કરોડ પર જઈને પહોંચે છે. 

    સ્થાયી મિલકતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર G-20 સમિટ માટે જ ઉપયોગમાં લેવામાં આવ્યાં હોય તેમ નથી, તે દેશની સંપત્તિ છે અને ભવિષ્યમાં પણ અનેક રીતે ઉપયોગ થતો રહેશે. જેથી માત્ર કાર્યક્રમ પાછળ આટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવો ભ્રામક છે. 

    સોશિયલ મીડિયા પર આવા સમાચારો ફરતા થયા બાદ સરકારે ચોખવટ કરવી પડી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં