શુક્રવારે (31 માર્ચ, 2023) ગુજરાત હાઇકોર્ટે એક કેસનો ચુકાદો આપતાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનનો વર્ષ 2016નો એક આદેશ રદ કરી દીધો હતો, જેમાં ગુજરાત યુનિવર્સીટીને પીએમ મોદીની ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે કોર્ટે ડિગ્રીઓ ઉપલબ્ધ હોવા છતાં RTI થકી તેની વિગતો માંગવા બદલ કેજરીવાલને ફટકાર લગાવીને 25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
અરવિંદ કેજરીવાલ જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કાયમ કોઈને કોઈ મુદ્દો શોધતા રહેતા વિપક્ષી નેતાઓ કાયમ તેમની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવતા રહે છે. જોકે, ભૂતકાળમાં આ મુદ્દો ઘણો ચગ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ મોદીની ડિગ્રીઓ રજૂ કરી હતી પરંતુ તેમ છતાં વિપક્ષ આ મુદ્દો મૂકવાના મૂડમાં નથી.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં છે. હવે કોંગ્રેસીઓએ પણ ઝંપલાવીને મોદીની ડિગ્રીઓ પર સવાલ કરવાના શરૂ કર્યા છે. આ જ સવાલો કરવામાં એક કોંગ્રેસ નેતાએ આજે હાસ્યાસ્પદ દાવો કરી દીધો હતો, જે ચર્ચામાં છે.
શું કહ્યું કોંગ્રેસ નેતાએ?
પોતાને ‘નહેરુવિયન’, ‘ગાંધિયન’ અને ‘કોંગ્રેસી’ ગણાવતા ટ્વિટર યુઝર શાંતનુએ શુક્રવારે એક ટ્વિટ કરીને પીએમ મોદીની ડિગ્રીઓ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને આ ડિગ્રી ફેક હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
Delhi University used a MS font for the degree of their brilliant student Narendra Modi in 1983, which came into existence in 1992.
— Shantanu (@shaandelhite) April 1, 2023
Interesting. pic.twitter.com/7MctJgUzJY
તેમણે દાવો કરીને કહ્યું કે, મોદીની ગુજરાત યુનિવર્સીટીની ડિગ્રી ફેક છે કારણ કે તેના પ્રમાણપત્રમાં જે ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે 1992માં અસ્તિત્વમાં આવ્યા હતા અને આ ડિગ્રી વર્ષ 1983માં ઇસ્યુ કરવામાં આવી હતી! જેથી તેમનું કહેવું એમ હતું કે 1983માં આ ફોન્ટ કઈ રીતે વાપરવામાં આવ્યા હોય શકે?
જે ફોન્ટની ચર્ચા ચાલે છે તેનું નામ છે- Old English text MT. આ ફોન્ટ માઈક્રોસોફ્ટના છે. કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વિટમાં માઈક્રોસોફ્ટ વેબપેજનો એક સ્ક્રીનશોટ પણ મૂક્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે સોફ્ટવેરે વર્ષ 1992માં આ ફોન્ટના કૉપીરાઈટ મેળવ્યા હતા.
સાચું શું?
એ વાત સાચી છે કે માઈક્રોસોફ્ટે વર્ષ 1992માં આ ‘Old English Text MT’ ફોન્ટના કૉપીરાઈટ મેળવ્યા હતા પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રમાણપત્રમાં ચોક્કસ આ જ ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારણ કે આ કેલિગ્રાફિક ફોન્ટ હજારો વર્ષોથી વપરાતા આવ્યા છે અને એટલે જ તેનું નામ ‘Old English Text’ છે.
ફોન્ટ કે ટાઈપફેસ માઈક્રોસોફ્ટ જેવા વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામથી શરૂ થયા ન હતા, પણ હજારો વર્ષો પહેલાં બનાવવામાં આવ્યા હતા. અનેક લખાણો અમુક ચોક્કસ ફોન્ટમાં લખાયાં હોવાના દાખલાઓ છે અને એ જ સમય દરમિયાન ઘણા કેલિગ્રાફિક ફોન્ટ બનાવાયા હતા. પછીથી આ ફોન્ટ પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં વપરાવા લાગ્યા અને અંતે કોમ્પ્યુટર પ્રોગ્રામ્સમાં સામેલ થયા.
જેની ચર્ચા ચાલે છે તે ટાઇપોગ્રાફીની સ્ટાઇલને ગોથિક કે બેકલેટર સ્ક્રીપ્ટ કહેવામાં આવે છે અને તે 12મી સદીથી વપરાતા રહ્યા છે. યુરોપમાં અનેક હસ્તપ્રતો, પુસ્તકો અને દસ્તાવેજોમાં જર્મન ભાષાનાં લખાણોમાં આ સ્ટાઇલ મળી આવે છે. પછીથી તેનો ઉપયોગ અંગ્રેજી સહિતની ભાષાઓમાં પણ થવા માંડ્યો હતો.
ઉપરાંત ધ્યાનથી જોતાં જણાશે કે સર્ટિફિકેટમાં ચોક્કસ માઈક્રોસોફ્ટના જ ફોન્ટ વાપરવામાં આવ્યા નથી પરંતુ લિપિમાં થોડો ફેરફાર છે. આ ફોન્ટ 1901નાં લખાણો સાથે મેળ ખાય છે. ઉપરાંત એ પણ નોંધનીય છે કે આ પ્રકારના ફોન્ટનો મહત્તમ ઉપયોગ ન્યૂઝપેપરોનાં માસ્ટહેડ (છાપાંનું નામ લખવામાં આવ્યું તેને માસ્ટહેડ કહેવાય છે) લખવામાં થતો હતો. 1851માં સ્થપાયેલા ન્યૂયોર્ક ટાઈમ્સ (ત્યારે તેનું નામ ‘ન્યૂયોર્ક ડેઇલી ટાઈમ્સ’ હતું) તેમજ ભારતનું છાપું આસામ ટ્રિબ્યુન વગેરે તેનાં ઉદાહરણો છે.
જેથી આ ‘Old English Font’ સેંકડો વર્ષોથી અસ્તિત્વમાં છે અને જેથી દિલ્હી યુનિવર્સીટીએ 1983માં તેનો ઉપયોગ કર્યો હોય તે વાતમાં આશ્ચર્યજનક કશું જ નથી. અનેક યુનિવર્સીટીઓ તે સમયે સર્ટિફિકેટમાં આવા ફોન્ટનો ઉપયોગ કરતી હતી.
Is Modi Degree fake ?
— Varun (@Chacha_Nehru_ji) April 1, 2023
1. Modi name spelling wrong.
2. “Unibersity” spelling wrong.
3. There is no MA degree with name Entire political science.
4. This used font wasn’t in existence at that time.#AnpadhPM pic.twitter.com/LAY2TGupHU
આ ઉપરાંત, એક વ્યક્તિએ ટ્વિટ કરીને એવો પણ દાવો કર્યો કે સર્ટિફિકેટમાં યુનિવર્સીટીની સ્પેલિંગ ‘Unibersity’ લખવામાં આવી છે, જેથી આ ડિગ્રી ખોટી છે. આ પણ સદંતર ખોટો દાવો છે. કારણ કે આ ચોક્કસ ફોન્ટમાં અંગ્રેજી મૂળાક્ષર ‘V’નો છેડો વળેલો હોય છે જે ‘b’ જેવો પણ વંચાય છે. કોમ્પ્યુટરમાં આ ફોન્ટ સિલેક્ટ કરીને લખવાથી આ બાબતની ખરાઈ કરી શકાશે.