Monday, September 9, 2024
More
    હોમપેજગુજરાત'AAPની રજૂઆત બાદ ગુજરાત સરકારે આપી વીરગત મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડની...

    ‘AAPની રજૂઆત બાદ ગુજરાત સરકારે આપી વીરગત મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડની સહાય’: આમ આદમી પાર્ટીના દાવામાં કેટલું તથ્ય- Fact Check

    ઓગસ્ટ, 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરગત જવાનોના પરિવારને જે પહેલાં 1 લાખની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 1 કરોડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. લાંબા સમયથી આ મુદ્દો વિચારણા હેઠળ હતો, જેનો અમલ વર્ષ 2022માં જ કરી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતાં-લડતાં વીરગતિ પામેલા મહિપાલસિંહ વાળાના પરિજનોને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની આર્થિક સહાય કરવામાં આવી હતી. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંગળવાર (12 સપ્ટેંબર 2023)ના રોજ પોતે વીરવરના પરિવારને મળીને તેમને ચેક અર્પણ કર્યો હતો. સાથે જ તેની માહિતી મુખ્યમંત્રીએ પોતાના X હેન્ડલ પર પણ શેર કરી હતી. એક તરફ લોકો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આ આવેલા નિર્ણયને બિરદાવી રહ્યા છે. તો બીજી તરફ આ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે AAPની રજૂઆત બાદ ગુજરાત સરકારે વીરગત મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડની સહાય આપી છે.

    AAPની રજૂઆત બાદ વીરગત મહિપાલસિંહ વાળાના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવી હોવાનો દાવો અન્ય કોઈ નહીં પણ આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના લીગલ સેલના પ્રમુખ તેમજ રાજ્ય સ્તરના પ્રવક્તા પ્રણવ ઠક્કરે કર્યો છે.

    પ્રણવ ઠક્કરે કરેલ X પોસ્ટનો સ્ક્રીનશોટ

    પ્રણવે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરી છે કે “આમ આદમી પાર્ટી લીગલ સેલની સતત રજૂઆત બાદ દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારની જેમ ગુજરાત સરકાર દ્વારા શહીદોને એક કરોડ રૂપિયા સન્માન રાશિ અર્પણ કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ ધન્યવાદ”

    - Advertisement -

    આ પોસ્ટ સાથે તેમણે મહિપાલસિંહ વાળાના પરિવારને આપવામાં આવેલી સહાયના અહેવાલનો સ્ક્રીનશોટ અને બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતના લીગલ સેલનો એક લેટરપેડ જોડ્યો હતો. જેમાં પ્રણવ ઠક્કરના સહી-સિક્કા સાથે મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે કે મહિપાલસિંહ વાળાના સર્વોચ્ચ બલિદાનનું સન્માન કરવા માટે તેમના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવી જોઈએ. આ સાથે તેમણે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું કે તેમણે જે રીતે આ પ્રકારનો દાખલો બેસાડ્યો છે તેનું ગુજરાતે પણ અનુસરણ કરવું જોઈએ. આ પત્ર 11 ઓગસ્ટ, 2023ના રોજ મોકલવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે તેઓ 15 ઓગસ્ટ, 2023ના રોજ આ ઘોષણા કરે.

    આ દાવામાં છે કેટલો દમ

    આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ 11 ઓગસ્ટ, 2023ના રોજ પત્ર લખ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાત સરકારે વર્ષ 2022માં જ વીરગતિ પામતા જવાનોના પરિજનોને આર્થિક સહાય તરીકે 1 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો હતો. ઓગસ્ટ, 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીરગત જવાનોના પરિવારને જે પહેલાં 1 લાખની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 1 કરોડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. લાંબા સમયથી આ મુદ્દો વિચારણા હેઠળ હતો, જેનો અમલ વર્ષ 2022માં જ કરી દેવામાં આવ્યો હતો.

    ઓગસ્ટ, 2022ના મીડિયા રિપોર્ટ્સ જણાવે છે કે ગુજરાત સરકારે માજી સૈનિકોની માંગને માન આપીને વીરગતિ પામેલા જવાનોના પરિવારને 1 કરોડની સહાય અને તેમના બાળકોને માસિક શિક્ષણ સહાય સહિતની અનેક આર્થિક મદદો આપવાની જાહેરાત કરી હતી.

    વાસ્તવમાં, મહિપાલસિંહ વાળા વીરગતિ પામ્યા પછીથી જ ગુજરાત સરકારે તેમના પરિજનોને આર્થિક સહાય પહોંચાડવાની પ્રક્રિયા આરંભી દીધી હતી. ઑપઇન્ડિયાએ મહિપાલસિંહના પરિજનોનો સંપર્ક કરતાં તેમની પાસેથી પણ જાણવા મળ્યું કે, જે દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા તે સમયે જ તેમણે પરિવારને આર્થિક સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું.

    જેથી, આમ આદમી પાર્ટીએ વિનંતી કર્યા બાદ સરકારે રજૂઆતો ધ્યાનમાં લીધી હોય અને નિર્ણય કર્યો હોય તેવું કશું જ નથી અને આ દાવો પાયાવિહોણો છે. આ એક પ્રક્રિયા છે, જે સરકાર આવા દરેક કિસ્સાઓમાં અનુસરતી જ હોય છે. આમાં આમ આદમી પાર્ટીનો ઠોસ કામ કરવાનો ઉદ્દેશ્ય ઓછો અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ વધુ જણાય રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં