Tuesday, April 30, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરશું તમારા મોબાઈલમાં પણ આવ્યો ઇમરજન્સી એલર્ટનો મેસેજ?: જાણો શું છે આ...

    શું તમારા મોબાઈલમાં પણ આવ્યો ઇમરજન્સી એલર્ટનો મેસેજ?: જાણો શું છે આ સિસ્ટમ, કેમ મોકલાઈ રહ્યાં છે એલર્ટ

    મેસેજ આવે તે સમયે મોબાઈલમાં ચાલતી અન્ય ગતિવિધિઓ અટકી જાય છે અને એલર્ટ મેસેજ સ્ક્રીનની જગ્યા રોકી લે છે. સાથે મોટા અવાજે સાયરન વાગવા માંડે છે. આ મેસેજ માટે ફોનમાં ઈન્ટરનેટ સુવિધા હોવી જરૂરી નથી કે સિમ કાર્ડ પણ ન હોય તોપણ એલર્ટ આવે છે.

    - Advertisement -

    સોમવારે (16 ઓક્ટોબર) ગુજરાતના નાગરિકોના મોબાઈલ પર ઈમરજન્સી એલર્ટના મેસેજ આવવાના શરૂ થયા છે. ઘણા લોકોના મોબાઈલમાં આ મેસેજ આવ્યા છે, ઘણાને હવે પછી આવી શકે. જોકે, જરૂરી નથી કે દરેકે દરેક મોબાઈલ પર આવે જ, કારણ કે આ ટેસ્ટિંગ માત્ર છે. 

    સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચા ચાલી રહી છે, મેસેજના સ્ક્રીનશૉટ પણ શૅર થઈ રહ્યા છે. મેસેજો ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં જોવા મળી રહ્યા છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે તે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા મોકલવામાં આવ્યો છે અને યુઝર તરફથી કશું જ કરવાની જરૂર નથી. આ માત્ર ટેસ્ટિંગ છે. 

    મેસેજ આવે તે સમયે શું થાય છે? 

    ઈમરજન્સી એલર્ટનો મેસેજ આવે તે સમયે મોબાઈલમાં ચાલતી અન્ય ગતિવિધિઓ અટકી જાય છે અને એલર્ટ મેસેજ સ્ક્રીનની જગ્યા રોકી લે છે. સાથે મોટા અવાજે સાયરન વાગવા માંડે છે. આ મેસેજ માટે ફોનમાં ઈન્ટરનેટ સુવિધા હોવી જરૂરી નથી કે સિમ કાર્ડ પણ ન હોય તોપણ એલર્ટ આવે છે. આ મેસેજને કોઇ પ્રકારના જવાબની જરૂર હોતી નથી. વાંચી લીધા બાદ OK પર ક્લિક કરવાથી તે ગાયબ થઈ જશે. 

    - Advertisement -

    શું લખવામાં આવ્યું હોય છે મેસેજમાં? 

    ‘આ ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલો એક ટેસ્ટિંગ મેસેજ છે. જેને તમારા તરફથી કોઇ પ્રતિક્રિયાની જરૂર નથી, જેથી અવગણશો. આ મેસેજ ભારતભરમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં મૂકવામાં આવનાર ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય આફત સમયે જાહેર સુરક્ષા અને સમયસરનાં એલર્ટ્સ આપવાનો છે.’

    આ વ્યવસ્થા શા માટે? 

    આ વ્યવસ્થા ભારત સરકારનો એક પ્રોજેક્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિના સમયે નાગરિકોને અગાઉથી સાવચેત કરવા માટે એક સિસ્ટમ વિકસાવવાનો છે. જેથી કોઇ પણ કુદરતી કે માનવસર્જિત આફત વખતે સરકાર એકસાથે લાખો-કરોડોની સંખ્યામાં લોકોને એલર્ટ મોકલી શકશે અને અગાઉથી જ સાવચેત કરી શકશે. 

    ભૂકંપ, ત્સુનામી, પૂર કે આગ જેવી કુદરતી આફતો વખતે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી નીવડશે. આવા કિસ્સાઓમાં ઘણી વખત લોકો ઘરોમાં કે અન્ય સ્થળોએ ફસાઈ જાય છે અને તેના કારણે જાનહાનિ પણ થાય છે. પરંતુ હવે આ આફતોને લઈને સરકાર પહેલેથી જ લોકોને એલર્ટ કરી દેશે અને જે માટે તેમના મોબાઈલ પર મેસેજ જશે. જેથી લોકોની સુરક્ષા વધશે. આ મેસેજ એકસાથે કરોડો લોકોને મોકલી શકાય છે, સમય આવ્યે આખા દેશમાં એકસાથે ઇમરજન્સી એલર્ટ મોકલી શકાય તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 

    સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એલર્ટ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં