Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં મૂળ, બાંગ્લાદેશમાં હાજરી, ઉદ્દેશ્ય કાફિરોનો સંહાર અને વિશ્વમાં શરિયા શાસન: જાણો...

    પાકિસ્તાનમાં મૂળ, બાંગ્લાદેશમાં હાજરી, ઉદ્દેશ્ય કાફિરોનો સંહાર અને વિશ્વમાં શરિયા શાસન: જાણો ‘જમાત-એ-ઇસ્લામી’ વિશે, જેના પર પ્રતિબંધ લગાવવાની સજા મળી શેખ હસીનાને

    'જમાત-એ-ઇસ્લામી'ની સ્થાપના 1941માં બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં થઈ હતી. તે માત્ર કહેવા પૂરતી રાજકીય પાર્ટી હતી. તેનું લક્ષ્ય તત્કાલીન ભારત, હાલના બાંગ્લાદેશ અને વિશ્વમાં શરિયા કાનૂન લાગુ કરવાનું હતું. તેના માટે તે હિંસક આંદોલન અને યુદ્ધ કરવા પણ તૈયાર હતું.

    - Advertisement -

    પાડોશી દેશ બાંગ્લાદેશ ભીષણ હિંસાની આગમાં સળગી રહ્યું છે. સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દેશભરમાં લગાવાયેલા કર્ફ્યુને નજરઅંદાજ કરીને હજારો મુસ્લિમ પ્રદર્શનકારીઓ વિરોધમાં ઉતરી આવ્યા હતા. સેંકડો લોકોના મોત થયા, અનેકો ઘાયલ થયા, સુરક્ષાદળના જવાનોને પણ મારી નખાયા. ભયાનક હિંસા બાદ સમાચાર સામે આવ્યા કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને બાંગ્લાદેશ છોડીને ભાગી નીકળ્યા છે. દેશની સત્તા હાલ સેનાના હાથમાં આવી ગઈ છે. તેવામાં ચર્ચા શરૂ થઈ છે એક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનની, જેના પર તાજેતરમાં જ હસીના સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. તેનું નામ છે- ‘જમાત-એ-ઇસ્લામી’. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લગાવ્યા બાદ જ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી અને સ્થિતિ ત્યાં આવીને ઊભી રહી કે, શેખ હસીનાએ જીવ બચાવવા માટે દેશ છોડીને ભાગી જવું પડ્યું.

    લાંબા સમયથી બાંગ્લાદેશમાં હિંસા ભડકી ઉઠી છે અને છેલ્લા 2-3 દિવસથી પ્રદર્શનકારીઓ શેખ હસીનાના રાજીનામાંની માંગ કરી રહ્યા હતા. શેખ હસીનાએ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે, વિરોધ કરી રહેલા કોઈ પ્રદર્શનકારીઓ નથી, પરંતુ આતંકીઓ છે. કહેવાય રહ્યું છે કે, બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાનું કામ ‘જમાત-એ-ઇસ્લામી’ સંગઠને કર્યું હતું. 1 ઑગસ્ટના રોજ શેખ હસીના સરકારે તે કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન પર કાયમ માટે પ્રતિબંધ લાદી દીધો હતો. તે પ્રતિબંધના વિરોધમાં તેની સાથે સંકળાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક આંદોલન શરૂ કર્યું હતું. પ્રતિબંધના કારણે જ વિદ્યાર્થીઓનું આ આંદોલન શેખ હસીનાના રાજીનામાં પર આવીને ઊભું રહ્યું હતું.

    મુસ્લિમ સંગઠનના સભ્યો એટલા ઉગ્ર બની ગયા કે, સરકારી સંપત્તિઓ પર આગ ચાંપવાનું શરૂ કરી દીધું, અનેકો પોલીસકર્મીઓની હત્યા પણ કરી નાખી. આખરે તે જ કટ્ટરપંથી ટોળાંઓ PM હાઉસમાં પણ ઘૂસી ગયા. આ જ લોકોએ બાંગ્લાદેશને જન્મ આપનારા શેખ મુજીબની પ્રતિમાને તોડવા પ્રયાસ કર્યા. કટ્ટરપંથી ટોળાંઓ હથોડો લઈને મૂર્તિને તોડવા માટે લાગી ગયા હતા. કાયદો અને વ્યવસ્થા એક છાના ખૂણામાં રહીને મુકદર્શન બની બધી ઘટનાઓને જોવા માટે લાચાર અને બેબસ હતા. બાંગ્લાદેશી સેનાએ શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું. આ તમામ ઘટનાઓ પાછળ માત્રને માત્ર ‘જમાત-એ-ઇસ્લામી’ સંગઠન છે. જેને ISIનો જમણો હાથ ગણવામાં આવે છે.

    - Advertisement -

    શું છે ‘જમાત-એ-ઇસ્લામી’?

    વાસ્તવમાં ‘જમાત-એ-ઇસ્લામી’ બાંગ્લાદેશની એક રાજકીય પાર્ટી છે. જે બાંગ્લાદેશમાં કટ્ટરપંથની પોષક માનવામાં આવે છે. આ સંગઠન બાંગ્લાદેશમાં શરિયા કાનૂનનો રાજ લાવવા માંગે છે. પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની સમર્થક પાર્ટીઓમાં તેની પણ ગણતરી થાય છે. બાંગ્લાદેશમાં તેને ‘જમાત’ના નામે ઓળખવામાં આવે છે. તેના પર સૌથી પહેલાં 1972માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે, તે રાજકીય હેતુઓ સાધવા માટે મઝહબનો ઉપયોગ કરે છે અને કટ્ટરવાદને બાંગ્લાદેશની સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. તે પ્રતિબંધના 50 વર્ષ બાદ 1 ઑગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાએ તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો.

    ‘જમાત-એ-ઇસ્લામી’ની સ્થાપના 1941માં બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં થઈ હતી. તે માત્ર કહેવા પૂરતી રાજકીય પાર્ટી હતી. તેનું લક્ષ્ય તત્કાલીન ભારત, હાલના બાંગ્લાદેશ અને વિશ્વમાં શરિયા કાનૂન લાગુ કરવાનું હતું. તેના માટે તે હિંસક આંદોલન અને યુદ્ધ કરવા પણ તૈયાર હતું. ભારતના વિભાજન બાદ તે સંગઠન પાકિસ્તાનમાં ચાલુ રહ્યું હતું, તેને પાકિસ્તાનમાં ‘જમાત-એ-ઇસ્લામી- પાકિસ્તાન’ કહેવામાં આવે છે અને બાંગ્લાદેશના જન્મ બાદ ‘જમાત-એ-ઇસ્લામી-બાંગ્લાદેશ’ નામનું અન્ય એક સંગઠન શરૂ થયું હતું. જોકે, તેનું મૂળ પાકિસ્તાન જ હતું.

    બાંગ્લાદેશમાં કટ્ટરવાદ ફેલાવતા જમાતને પાકિસ્તાની જમાતનું પૂર્ણ સમર્થન હતું. કહેવાય રહ્યું છે કે, આ હિંસા દરમિયાન પણ તેને પાકિસ્તાની જમાત સંગઠનનું સમર્થન મળી રહ્યું હતું. જોકે, આડકતરી રીતે આતંકી સંગઠન ISI તરફથી પણ તેને સમર્થન મળી રહ્યું હતું. બાંગ્લાદેશમાં તેનો જન્મ રાજકીય પાર્ટી તરીકે થયો હતો. પરંતુ આતંકવાદી ગતિવિધિઓના કારણે 2018માં તેણે રાજકીય પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો હતો. બાંગ્લાદેશની એક હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે, જમાતને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. મઝહબનો ઉપયોગ કરીને રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે તે કાર્યરત છે. તેથી તેની ચૂંટણી નોંધણીને રદ કરવામાં આવે.

    બાંગ્લાદેશ હાઈકોર્ટના આદેશનું પાલન કરીને ચૂંટણી આયોગે તેની ચૂંટણી નોંધણી સમાપ્ત કરી દીધી હતી. ત્યારબાદ જમાત ચૂંટણી લડી શક્યું ન હતું. પરંતુ હવે તેણે સંગઠન મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું અને પરિણામ આજે દુનિયાની સામે છે. તેણે 2018થી આડકતરી રીતે રાજકારણમાં સામેલ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, કટ્ટરવાદને બાંગ્લાદેશની જનતા સુધી પહોંચાડવામાં તે સફળ રહ્યું હતું અને આખરે શેખ હસીનાના રાજીનામાં પાછળ પણ આડકતરી રીતે તે સફળ રહ્યું છે.

    હિંદુવિરોધી હિંસામાં સામેલ જમાત-એ-ઇસ્લામી

    જમાત-એ-ઇસ્લામીનું નામ બાંગ્લાદેશમાં અલ્પસંખયકો, ખાસ કરીને હિંદુઓ પર હુમલા કરવામાં પણ આવે છે. માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલે પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે, જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી પાંખ સતત બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા ભડકાવે છે અને હિંદુઓને કારણ વગર ટાર્ગેટ કરે છે. બાંગ્લાદેશમાં કામ કરી રહેલા નૉનગવર્ન્મેન્ટ સંગઠનોએ પણ તારણ કાઢ્યું છે કે, વર્ષ 2013થી 2022 સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર 3600થી વધુ હુમલા થયા છે. તેમાં જમાત-એ-ઇસ્લામીની મોટી ભૂમિકા હતી.

    જમાતમાં સામેલ થયેલા કટ્ટરવાદી મુસ્લિમો દરરોજ હિંદુ મંદિરો અને લોકોને ટાર્ગેટ કરતાં હતા. ઇસ્લામના નામે હવા બનાવીને હિંદુઓનું શોષણ કરી રહ્યા હતા. અનેક હુમલામાં સેંકડો નિર્દોષ હિંદુઓના મોત પણ થયા હતા. તેમ છતાં આ સંગઠન પર અસરકારક પગલાં લેવાયા નહોતા. આ જ સંગઠનના કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો ભારતમાં ઘૂસણખોરી કરીને અરાજકતા ફેલાવવાનું કામ કરતાં હતા. છેવટે, તે લોકો માનતા હતા કે, બાંગ્લાદેશમાં સપૂર્ણ શરિયા લાગુ થાય. શેખ હસીનાએ 1 ઑગસ્ટે જમાત અને તેની વિદ્યાર્થી પાંખ પર પ્રતિબંધ લાદ્યો હતો. પ્રતિબંધ લગાવ્યાના થોડા જ કલાકોમાં બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું હતું.

    શેખ હસીનાએ રાજીનામું આપીને છોડ્યો દેશ

    હાલમાં બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ ચિંતાજનક જણાઈ રહી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ઢાકા છોડીને વિદેશ રવાના થઈ ગયા છે. અટકળો છે કે, તેઓ ભારત, ઈંગ્લેન્ડ અથવા તો અન્ય કોઈ દેશમાં શરણ લેશે. હિંસા વચ્ચે જ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી લીધી છે. બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉલ-જમાને પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકોને શાંતિ બનાવી રાખવા માટેની અપીલ કરી છે અને સ્થિતિ વિશેની જાણકારી આપી છે.

    દેશને સંબોધિત કરતાં તેમણે કહ્યું છે કે, “તમારી માંગણીઓ અમે પૂરી કરીશું. તોડફોડ અને હિંસાથી દૂર રહો. તમે લોકો અમારી સાથે ચાલશો તો અમે સ્થિતિને બદલી નાખીશું. મારપીટ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. આજે અમે તમામ પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી લીધી છે.” આ સાથે જ તેમણે બાંગ્લાદેશમાં વચગાળાની (કામચલાઉ) સરકાર બનાવવાની જાહેરાત પણ કરી દીધી છે. જોકે, તેમ છતાં બાંગ્લાદેશમાં ચોતરફ માત્ર હિંસા જ દેખાઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં