Thursday, December 5, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજે 'તનખૈયા' દરમિયાન પંજાબના પૂર્વ સીએમ સુખબીર સિંઘ બાદલ પર થયો જાનલેવા...

    જે ‘તનખૈયા’ દરમિયાન પંજાબના પૂર્વ સીએમ સુખબીર સિંઘ બાદલ પર થયો જાનલેવા હુમલો, જાણો શું હોય છે તે ‘ધાર્મિક સજા’: ક્યારે શ્રી અકાલ તખ્ત આપે છે આ સજા

    ગત જુલાઈ મહિનામાં શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થેદાર જ્ઞાની રઘબીર સિંઘે સુખબીર સિંઘ બાદલ સહિતના કેટલાક નેતાઓને 'તનખૈયા' ઘોષિત કર્યા હતા. આ ઘોષણાબાદ તેમને ધાર્મિક સજા ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    પંજાબમાં ‘પાંચ સિંઘ સાહિબાન’ દ્વારા અકાલી દળના (Akali Dal) પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર સિંઘ બાદલ (Sukhbir Singh Badal) સહિત તેમની સરકાર સમયે તેમના સાથી મંત્રીઓ રહી ચૂકેલા નેતાઓને ધાર્મિક સજા ફટકારી છે. આ સજા તેમના સત્તા ભોગવતા દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલી શીખ પંથ વિરુદ્ધ કરવામાં આવેલી ભૂલો બદલ આપવામાં આવી હતી. તેવામાં બુધવારે (4 ડિસેમ્બર 2024) તેમણે સજા સ્વીકારીને હરમંદિર સાહેબ ખાતે સેવાદારી શરૂ કરી હતી કે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. જોકે આ હુમલામાં તેમનો આબાદ બચાવ થયો હતો. તેમને એક પગમાં ઈજા હોવા છતાં તેઓ વ્હીલ ચેરમાં બેસીને ધાર્મિક સજા ભોગવીને સેવા આપી રહ્યા છે. તેમની સાથે-સાથે પૂર્વ સાંસદ સુખદેવ સિંઘ ઢીંડસા (Sukhdev Dhindasa) પણ ધાર્મિક સજા ભોગવી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો કરનાર વ્યક્તિ 68 વર્ષનો છે અને તે ખાલિસ્તાન સમર્થક (Khalistan Supporter) હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘બેઅદબી’ મામલે હુમલાખોર બાદલથી નારાજ હતો આથી તેણે હુમલો કર્યો. જોકે સુરક્ષાકર્મીની સતર્કતાના કારણે સુખબીર બાદલનો આબાદ બચાવ થયો હતો અને ગોળી દીવાલમાં વાગી હતી.

    નોંધનીય છે કે ગત જુલાઈ મહિનામાં શ્રી અકાલ તખ્ત સાહેબના (Shree Akal Takhta Sahib) જથ્થેદાર જ્ઞાની રઘબીર સિંઘે સુખબીર સિંઘ બાદલ સહિતના કેટલાક નેતાઓને ‘તનખૈયા’ (Tankhaiya) ઘોષિત કર્યા હતા. આ ઘોષણા બાદ તેમને ધાર્મિક સજા ફટકારવામાં આવી હતી. ભૂતકાળમાં તેમણે કરેલી શીખ પંથ વિરુદ્ધની ભૂલોને લઈને આ સજા ફટકારવામાં આવી છે. તેઓ પાંચ તખ્તોના જથ્થેદાર સામે હાજર થયા હતા. સુનાવણી દરમિયાન તેમણે પોતાની ભૂલોનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યુ છે કે સજા ફટકારતી વખતે શ્રી અકાલ તખ્ત સાહેબનું વલણ ખૂબ જ કઠોર રહ્યું. તેમના દ્વારા સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી અને સુખબીર સિંઘ બદલના પિતા પ્રકાશ સિંઘ બાદલને આપવામાં આવેલો ‘ફખ્ર એ કોમ’ પુરસ્કાર પરત લઈ લેવામાં આવ્યો. આમ કરવા પાછળનું કારણ તે છે કે જયારે સુખબીર બાદલે ભૂલો કરી ત્યારે તેમના પિતા મુખ્યમંત્રી હતા. વર્ષ 2007થી લઈને 2017 શિરોમણી અલકાલી દળની સરકાર હતી જેમાં પ્રકાશ સિંઘ બાદલ મુખ્યમંત્રી અને તેમના પુત્ર સુખબીર નાયબ મુખ્યમંત્રી હતા.

    શું હતા સુખબીર સિંઘ બાદલના શીખ કોમ વિરદ્ધના અપરાધ?

    શીખ પંથના સહુથી શક્તિશાળી અકાલ તખ્તના ‘પાંચ સિંઘ સાહિબાન’ દ્વારા સુખબીર સિંઘ બાદલના શીખ કોમ વિરુદ્ધ ઘડવામાં આવેલા મુખ્ય અપરાધો નીચે મુજબ છે.

    • સત્તા પર રહેવા દરમિયાન સાંપ્રદાયિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવું
    • એક સમયે શીખ યુવાઓ પર અત્યાચાર અને ક્રુરતા આચરનાર અધિકારીઓની પદોન્નતિ કરવી
    • વિવાદિત ડેરા સચ્ચા સૌદાના મુખિયા અને અનેક ગુનાઓમાં જેલની સજા ભોગવી રહેલા ગુરપ્રીત રામ રહીમ વિરુદ્ધના કેસ પરત લેવા
    • શીખના પવિત્ર ગુરુઓનો સ્વાંગ રચીને ઢોંગ કર્યા હતા, તે મામલે પણ રામ રહીમને માફી અપાવવી
    • ગુરુદ્વારા સાહેબમાંથી ગ્રંથ સાહેબનું અપમાન અને પવિત્ર છબીઓની ચોરી અને અપમાનના કેસોમાં પુરતી તપાસ ન કરાવવી
    • શીખ સંગત પર લાઠીચાર્જ અને ફાયરીંગ કરીને બળપ્રયોગ કરવો
    • શીખ યુવાઓ પર થયેલા અત્યાચારોની તપાસમાં કચાસ
    • સંગતના ખર્ચે જાહેરાતો છપાવવી

    ઉપરોક્ત ગુનાઓ બદલ શ્રી અકાલ તખ્ત સાહેબના જથ્થેદાર જ્ઞાની રઘબીર સિંઘે સુખબીર સિંઘ બાદલને તનખૈયા ઘોષિત કરીને તેમને ધાર્મિક સજા ફટકારી. ધાર્મિક સજામાં તેમને વિવિધ ગુરુદ્વારા સાહેબોમાં જઈને ત્યાં સંગતની સેવા કરવાની રહેશે. આ સેવામાં ચપ્પલ સાફ કરવાથી લઈને શૌચાલય સાફ કરવા સુધીની સજાઓ આપવામાં આવે છે. બાદલ માટે સેવાની સૂચી તૈયાર કરી દેવામાં આવી છે જે નીચે મુજબ છે.

    શ્રી અકાલ તખ્ત સાહેબ દ્વારા ફટકારવામાં આવેલી ધાર્મિક સજા મુજબ બાદલ અને તેમના સહયોગી નેતાઓને 3 ડિસેમ્બરથી જ સેવામાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. તેમને સવારમાં શૌચાલય સાફ કરવાની સેવા આપવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સ્નાન કરીને તેમણે તમામ લંગર હોલમાં સેવા આપવાની રહેશે. અહીં તેમણે કચરા-પોતાથી માંડીને વાસણ માંજવાની સેવા કરવાની રહેશે. આ સેવા પૂર્ણ થયા બાદ તેમણે ફરી પવિત્ર થઈને સુખમની સાહિબના પાઠ કરવાના રહેશે.

    નોંધનીય છે કે બાદલને પગમાં ઈજા હોવાના કારણે પ્લાસ્ટર લાગેલું છે, આથી શૌચાલયની જગ્યાએ તેમને હાથમાં બરછી પકડાવીને હરમંદિર સાહેબના દ્વાર પર પહેરેદારીની સેવા આપવામાં આવી હતી. જયારે અન્ય લોકોને શૌચાલય સાફ કરવા સહિતની ધાર્મિક સજા આપવામાં આવી છે. આ દરમિયાન તેમના ગળામાં તનખૈયાની તકતી પણ લગાડવામાં આવી છે.

    શું હોય છે તનખૈયા? શા માટે તેમને ફટકારવામાં આવે છે ધાર્મિક સજા

    શીખ પંથમાં ધાર્મિક અપરાધ કરનાર વ્યક્તિને તનખૈયા ઘોષિત કરવામાં આવે છે. આ વિષય પર વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ વડોદરાના શીખ સમાજના અગ્રણી અને શીખ ધર્મની આસ્તિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નરેન્દર સિંઘનો સમ્પર્ક કર્યો હતો. નરેન્દર સિંઘ વડોદરામાં રહીને ખાનગી સંસ્થામાં નોકરી કરવા ઉપરાંત સ્થાનિક ગુરુદ્વારા સાહેબ સાથે સંકળાયેલા છે. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “શીખ પંથમાં સહુથી મોટી ધાર્મિક સંસ્થા શ્રી અકાલ તખ્ત છે અને તેમના દ્વારા જ ‘તનખૈયા’નો નિર્ણય કરવામાં આવે છે. વિશ્વમાં જ્યાં જ્યાં શીખ વસે છે, એ તમામને શ્રી અકાલ તખ્તના નિર્ણયને સર્વોપરી રાખવો જ પડે છે.”

    તેમણે જણાવ્યું કે, “શીખ ધર્મ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિએ ધાર્મિક અપરાધ કર્યો હોય તો તેમણે અકાલ તખ્તના ‘પાંચ સિંઘ સાહિબાન’ અને સંગત સમક્ષ હાજર થઈને પોતાની ભૂલનો સ્વીકાર કરવાનો હોય છે. સંગત અને તખ્ત સાહેબ તેમના અપરાધ કે ભૂલની તપાસ કરે છે. તપાસના અંતે ભૂલ અનુસાર જ સજા આપવામાં આવે છે. જોકે આ સજા સેવાના રૂપે આપવામાં આવે છે. જેમણે નતમસ્તક થઈને પોતાનો અપરાધ સ્વીકાર્યો હોય તેને ગુરુદ્વારા સાહેબમાં લંગર, સફાઈ, ચપ્પલ સેવા તેમજ ક્યારેક આર્થિક સેવા આપવાની ધાર્મિક સજા પણ આપવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય હેતુ ભૂલ સુધારવા અને ભૂલ કરનાર વ્યક્તિમાં સેવાભાવ અને વિનમ્રતાનો ભાવ વધે તે હોય છે.”

    રાજા હોય કે રંક, નિયમ બધા માટે સરખો, મોટા અપરાધોની મોટી સજા

    તનખૈયા વિશે વધુમાં જણાવતા નરેન્દર સિંઘે અમારી ટીમને જણાવ્યું કે, “જો અપરાધ બેઅદબી (ગુરુ ગ્રંથ સાહેબ કે ગુરુદ્વારા સાહેબનું અપમાન) જેવો મોટો હોય તો સામાજિક બહિસ્કાર સુધીની આકરી સજા પણ તનખૈયાને આપવામાં આવે છે. શહેરોમાં ઠીક, પણ પીંડમાં (પંજાબમાં ગામડાઓને પીંડ કહેવામાં આવે છે) તેની વધુ અસર જોવા મળે. ત્યાં તનખૈયા ઘોષિત લોકો જો નિર્દેશ થયો હોય તો સામાજિક પ્રસંગોમાં ન જઈ શકે, તેમના ઘરે પણ લોકોનું આવવું-જવું વર્જિત થઈ જાય. ક્યારેક તો ગુરુદ્વારા સાહેબ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવે છે. મોઢા પર કાળો રંગ લગાવીને ગળામાં તનખૈયાનું પાટિયું લગાવીને પણ ફરવું પડે.”

    તેમણે આગળ જણાવ્યું કે, “પણ આ બધું ત્યારે જ થાય જયારે અપરાધ બહુ મોટો અને જધન્ય હોય. સામાન્ય રીતે તનખૈયાઓને સેવાની જ સજા આપવામાં આવે છે જેને હમણાં લોકો ધાર્મિક સજાથી ઓળખે છે. એવું નથી કે માત્ર સામાન્ય લોકો પર જ આ નિયમો લાગુ પડે છે, ગમે તેટલો મોટો વ્યક્તિ કેમ ન હોય, તેણે પણ ફરમાન માન્ય રાખવું જ પડે છે. સહુથી મોટું ઉદાહરણ જોઈએ તો મહારાજા રણજીતસિંઘજીને પણ મુસ્લિમ નૃત્યાંગના સાથે લગ્ન કરવા બદલ અકાલ તખ્તે તનખૈયા ઘોષિત કરી દીધા હતા. તે સમયગાળા દરમિયાન આ બહુ મોટી વાત ગણાતી હતી.”

    સજા દરમિયાન ઘરે ન જઈ શકે તનખૈયા

    સમગ્ર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “જેમને તનખૈયા જાહેર કરવામાં આવ્યા હોય છે તેમણે બહુ જ સાવચેત અને ચોકસાઈપૂર્વક રહેવાનું હોય છે. તેમણે સામાન્ય લોકો કરતા વધુ નિયમોનું પાલન કરવાનું હોય છે. સજા દરમિયાન એક સ્થાન નક્કી કરવામાં આવે છે અને તેમને ત્યાં જ રહીને પોતાની સજા ભોગવવાની હોય છે. તનખૈયા સજા દરમિયાન ઘરે ન જઈ શકે. હા પરિવાર ઈચ્છે તો તેમને મળવા માટે આવી શકે છે પણ તેના માટે પણ અલગથી નિયમો છે જેનું પાલન કરવાનું હોય છે. તનખૈયાઓએ સાફસફાઈથી લઈને તમામ બાબતોનું ડબલ ધ્યાન રાખવાનું હોય છે. સજા પૂર્ણ થયા બાદ તેઓ પોતાના સામાન્ય જીવનમાં પરત જઈ શકે છે, પરંતુ તેના માટેના નિર્ણય પણ સંગત જ લે છે.”

    શીખ પંથની સહુથી મોટી સંસ્થા છે અકાલ તખ્ત

    આ સમગ્ર માહિતી મેળવ્યા બાદ એક વાત તો પાકી થઈ ગઈ કે શીખ ધર્મમાં સહુથી મોટી અને શક્તિશાળી સંસ્થા શ્રી અકાલ તખ્ત છે. બાકીના બધા જ બાદમાં આવે. વિશ્વભરના શીખોને અકાલ તખ્તનું ફરમાન માનવું જ પડે. શ્રી અકાલ તખ્તનું આટલું મહત્વ હોવા પાછળનું કારણ પણ એટલું જ મહત્વનું છે.

    શ્રી અકાલ તખ્તની સ્થાપના શીખ પંથના છઠા ગુરુ હરગોબિંદ સાહેબે કરી હતી. સન 1690માં તેની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી અકાલ તખ્ત શીખોને નેકટેકમાં રાખવા અને તેમનામાં ધર્મ પ્રત્યેની સજાગતા ઓછી ન થાય તે માટે કરવામાં આવી હતી. ભૂતકાળના શીખ રાજા-મહારાજા હોય કે વર્તમાન સમયના મોટા-મોટા શીખ રાજનેતાઓ, કોઈ પાસે એટલી સત્તા નથી કે તેઓ શ્રી અકાલ તખ્તના નિર્ણયને પડકારી કે પલટાવી શકે. હા એક વાત છે કે આ નિયમો માત્ર શીખ પંથમાં માનતા લોકો પૂરતા જ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં