ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ (Population of India) છે. છેલ્લા ઘણા દાયકાઓથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશમાં વસ્તી નિયંત્રણ (Population Control) માટે કાયદો બનાવવો જોઈએ. ઘણી જગ્યાએ વધુ બાળકો ધરાવતા પરિવારોને સરકારી યોજનાઓથી વંચિત રાખવા પગલાં ભરવાની વાત પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં દંપત્તિઓને ત્રણ બાળકો પેદા કરવા જરૂરી છે. તેમણે આ માટે ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) વિશે વાત કરી છે. સરસંઘચાલક મોહન ભાગવતે Total Fertility Rate પર વિસ્તૃત સમજ આપી હતી.
RSS સરસંઘચાલક મોહન ભાગવતે TFR પર શું કહ્યું?
RSS સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે (1 ડિસેમ્બર, 2024) નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “જનસંખ્યામાં ઘટાડો એ ચિંતાનો વિષય છે. આધુનિક જનસંખ્યા શાસ્ત્ર કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તીનો કુલ પ્રજનન દર 2.1થી નીચે જાય છે, ત્યારે તે સમાજ પૃથ્વી પરથી નાશ પામે છે, તેને કોઈ મારવાનું નથી. કોઈ જ સંકટ ન હોય તો પણ એ સમાજ નાશ પામે છે. એજ રીતે અનેક ભાષાઓ અને સમજો નષ્ટ થયા છે.”
Nagpur, Maharashtra | RSS chief Mohan Bhagwat says, "The decline in population is a matter of concern. Modern population science says that when the population (fertility rate) of a society goes below 2.1, that society vanishes from the earth. That society gets destroyed even when… pic.twitter.com/05fuy2dVKs
— ANI (@ANI) December 1, 2024
તેમણે વધુમાં જણાવ્યું કે, “TFR 2.1થી નીચે ન જવો જોઈએ, આપણા દેશની વસ્તી નીતિ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ સમાજનો TFR 2.1થી ઓછો ન હોવો જોઈએ. હવે પોઈન્ટ વન માત્રામાં મનુષ્ય જન્મી તો ન શકે, આથી જ આપણને બેથી વધારે ત્રણ બાળકોની જરૂર છે તેમ જનસંખ્યા શાસ્ત્ર કહે છે.”
RSS સરસંઘચાલક મોહન ભાગવતે TFR પર આપેલા આ નિવેદન સામે અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ અને સપાએ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, તેમનું આ નિવેદન કોઇ રાજકીય મુદ્દા અંગે નહોતું. RSS સરસંઘચાલક મોહન ભાગવતે આ નિવેદનમાં જે ચિંતા વ્યક્ત કરી છે તેની કેટલું વાજબી છે અને તેની ખરાઈની પુષ્ટિ ભારત સરકારના આંકડાઓ પણ આપે છે.
ભારતની વર્તમાન વસ્તી 140 કરોડથી વધુ છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ બાળકો પેદા કરવાની વાત કરો છો, તો તે એકદમ વિચિત્ર લાગે છે. પરંતુ તે તર્કશાસ્ત્ર માટે 100% સાચું છે અને જે દેશોએ સમયસર તેના પર કાર્યવાહી ન કરી તે દેશો આજે મોટી સમસ્યાઓમાં ઘેરાઈ ગયા છે. ભારતમાં આ સમસ્યાને સમજવા માટે, આપણે સૌ પ્રથમ તેના ડેટાને સમજીએ.
શું કહે છે આંકડા?
વાસ્તવમાં, સરસંઘચાલકે જે ટોટલ ફર્ટિલિટી રેટની (TFR) વાત કરી હતી તે વસ્તી વધારાનું એક મુખ્ય સૂચક છે. 15થી 49 વર્ષની વયની સ્ત્રી આ વર્ષોમાં કેટલા બાળકોને જન્મ આપશે તેને TFR કહેવામાં આવે છે. જો દેશભરમાં આ ઉંમરની સ્ત્રીઓને ત્યાં જન્મેલા બાળકોની સંખ્યાની સરેરાશ કરીએ, તો તેનાથી રાષ્ટ્રીય TFR મળી શકે.
તેનાથી તે પણ ખ્યાલ આવે છે કે ભવિષ્યમાં સામાજિક અને આર્થિક રીતે દેશની સ્થિતિ શું હશે અને તેની જરૂરિયાતો શું હશે. ભારતમાં કુલ પ્રજનન દર જાણવા માટે સરકાર એક સર્વે કરે છે. આ સર્વેક્ષણો 1990ના દાયકાથી ચાલી રહ્યા છે. જેને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) તરીકે ઓળખવામાં આવે છે.
આ અંતર્ગત અત્યાર સુધીમાં 5 સર્વે કરવામાં આવ્યા છે. તાજેતરનો સર્વે 2019-20ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વે મુજબ હાલ દેશનો TFR 1.99 છે. આ આંકડો ચિંતાનો વિષય છે, કારણ જે સ્તર હોવું જોઈએ આંકડો તેનાથી નીચે છે. જનસંખ્યા વિજ્ઞાનીઓના મતે કોઈપણ સમાજનો સરેરાશ TFR 2.1 હોવી જોઈએ.
જો કોઈ સમાજનો TFR 2.1 હશે, તોજ તે પોતાની વર્તમાન જનસંખ્યા જાળવી શકશે. આ રિપ્લેસમેન્ટ લેવલને ટીએફઆર કહેવામાં આવે છે. જો આ આંકડો આનાથી નીચે જશે તો આવનારા સમયમાં પણ વસ્તીમાં ઘટાડો થતો રહેશે. ભારતમાં આ આંકડો ઘટીને 2.1 પર આવી ગયો છે. આવી સ્થિતિમાં, તે ચિંતાનો વિષય હોવો જોઈએ.
RSS સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. જો આપણે ભારત સાથે સંબંધિત આકડામાં ડોકિયું કરીએ તો વધુ ચિંતાજનક ચિત્ર સામે આવે છે. આંકડા દર્શાવે છે મુસ્લિમોને છોડીને કે દેશમાં કોઈ પણ ધર્મની મહિલાઓનો રિપ્લેસમેન્ટ લેવલ TFR 2.1 નથી.
આ ગ્રાફ પરથી આ સમસ્યા સમજી શકાય છે. 1990ના દાયકામાં ઉદારીકરણ અને શિક્ષણના વધતા પ્રસારને કારણે દેશના તમામ સમાજોમાં TFRમાં ઝડપથી ઘટાડો થયો છે. આની અસર એવી છે કે હિંદુ શીખ અને જૈન ધર્મ 2થી નીચે આવી ગયા છે.
આલેખ દર્શાવે છે કે 1992-93થી અત્યાર સુધીમાં દેશના ટીએફઆરમાં 41%નો ઘટાડો થયો છે. હાલ દેશમાં માત્ર મુસ્લિમો પાસે જ 2.1ના સ્તરથી ઉપર TFR છે. હાલ તેમનો TFR 2.36 છે.
ઘટતો TFR સમસ્યા કેમ?
ઘટતો TFR હાલમાં જાપાન, કોરિયા, ચીન સહિત તમામ પશ્ચિમી દેશોની મોટી સમસ્યા છે. જાપાન અને કોરિયામાં આ સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. કોરિયામાં ટીએફઆર હાલમાં 0.7 છે. એટલે કે સરેરાશ સ્ત્રી એક પણ બાળકને જન્મ આપતી નથી. તે વિશ્વમાં સૌથી ઓછો આંકડો છે. કોરિયાએ આ સમસ્યા સામે લડવા માટે પુરુષોના પેઈડ લીવ્સમાં વધારો કર્યો છે.
આ ઉપરાંત આ રજાનો સમયગાળો 90 દિવસથી વધારીને 120 દિવસ કરવામાં આવ્યો છે. સરકારે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતા પરિવારોને દર મહિને ₹63,500 આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ઘરે ₹42,000થી વધુ આપવાની પણ જાહેરાત કરી છે.
ઓછા TFRના કારણે કોરિયાની વસ્તીમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. 2018માં તેની વસ્તી 5.18 કરોડ હતી, જે હવે ઘટીને લગભગ 5.16 કરોડ થઈ ગઈ છે. કોરિયાને એ વાતની ચિંતા છે કે જો આ રીતે તેની વસ્તી ઘટતી રહેશે તો તેને રાષ્ટ્રીય સુરક્ષાથી માંડીને કામ કરતા લોકો સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડશે. કોરિયા જેવી જ સ્થિતિ હાલ જાપાનની છે.
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાના એક વરિષ્ઠ સલાહકારે તાજેતરમાં કહ્યું હતું કે જો જાપાનમાં જન્મદરમાં સુધારો નહીં થાય, તો દેશ એક દિવસ અદૃશ્ય થઈ જશે. જાપાનનો TFR 1.26 છે અને તેમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટતા જતા ટીએફઆરને કારણે, જાપાનની લગભગ 33% વસ્તી હવે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની છે. આના કારણે જાપાનને પણ શ્રમિકોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
જાપાનની સરકારે પણ આ અંગે અનેક પગલાં ભર્યા છે. બીજી તરફ ચીનનું પણ કંઇક આવું જ છે. આ સમસ્યાને સમજીને ચીને 2016માં 1979માં લાગૂ કરવામાં આવેલા એક બાળકના નિયમને હટાવી દીધો હતો. જો કે આ પછી પણ ચીનની વસ્તી છેલ્લા 2 વર્ષથી ઘટી રહી છે.
આ તમામ દેશોના ઉદાહરણો પર નજર કરવામાં આવે તો RSS સરસંઘચાલકના શબ્દો સમય પહેલા જ આપવામાં આવેલી ચેતવણી હોવાનું જણાય છે. RSS સરસંઘચાલકના નિવેદનને નકારનારાઓએ પણ આ ઉદાહરણ જોવું જોઈએ. જો ભારત પણ આ સમસ્યાથી વાકેફ થઈ જશે તો તેને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા કરવાની જરૂર નહીં રહે કે ન તો તેને વધતી જતી વસ્તીનો ભોગ બનવું પડશે.