Monday, October 7, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરયુકેના વડાપ્રધાનની અક્ષરધામ મુલાકાત, સોશિયલ મીડિયામાં દંપતીની તસવીરો વાયરલ: જાણીએ કેમ એક...

    યુકેના વડાપ્રધાનની અક્ષરધામ મુલાકાત, સોશિયલ મીડિયામાં દંપતીની તસવીરો વાયરલ: જાણીએ કેમ એક ફોટોમાં હાજર ન હતાં ઋષિ સુનકનાં પત્ની અક્ષતા મૂર્તિ

    બાકીની તમામ તસવીરોમાં અક્ષતા મૂર્તિ ઋષિ સુનકની સાથે જોવા મળે છે, પરંતુ એક-બે ફોટો એવા છે, જેમાં માત્ર ઋષિ સુનક જ દેખાય છે.

    - Advertisement -

    G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા યુકેના વડાપ્રધાન ઋષિ સુનક રવિવારે (10 સપ્ટેમ્બર, 2023) અન્ય કાર્યક્રમો શરૂ થાય તે પહેલાં દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પત્ની અક્ષતા મૂર્તિ સાથે લગભગ 45 મિનિટ સુધી રોકાયા, પૂજા-અર્ચના કરી, આરતીમાં ભાગ લીધો અને સાધુ-સંતો સાથે પણ મુલાકાત કરી. 

    ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિની અક્ષરધામ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલગ-અલગ તસવીરોમાં યુકે પીએમ અને તેમનાં પત્નીને અક્ષરધામ મંદિર પરિસરમાં ફરતાં અને દર્શન કરતાં, આરતી કરતાં જોઈ શકાય છે. લોકો તેમની તસવીરો શૅર કરીને પ્રશંસા પણ ખૂબ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર આ ફોટોગ્રાફ્સ હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

    બાકીની તમામ તસવીરોમાં અક્ષતા મૂર્તિ ઋષિ સુનકની સાથે જોવા મળે છે, પરંતુ એક-બે ફોટો એવા છે, જેમાં માત્ર ઋષિ સુનક જ દેખાય છે. એક તસવીરમાં ઋષિ સુનક અક્ષરધામ મંદિરના પટાંગણમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સાધુ-સંતો સાથે બે હાથ જોડીને ઊભેલા જોવા મળે છે. અન્ય એક ફોટામાં સંતોને તેમણે તિલક કરતા જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિરનું સંપૂર્ણ સંચાલન BAPS સ્વામિનારાયણ સંસ્થા કરે છે.

    - Advertisement -

    તસવીરોમાં જ્યાં સાધુ-સંતો છે ત્યાં ઋષિ સુનક એકલા જ જોવા મળે છે, તેનું કારણ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમો અનુસાર દીક્ષા પ્રાપ્ત સંતોએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. જેથી તેઓ ક્યારેય પણ, કોઇ પણ રીતે મહિલાઓના સંપર્કમાં આવતા નથી. સંપ્રદાયનો આ નિયમ તેની સ્થાપનાથી છે, જે આજ દિન સુધી ચાલતો આવ્યો છે. આ નિયમો સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીના ઉપદેશોમાં જોવા મળે છે.

    સ્વામિનારાયણ સંપ્રદાય અને સાધુઓનું બ્રહ્મચર્ય 

    સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સહજાનંદ સ્વામીએ (1781-1830) કરી હતી. તેમણે સંતોને નિષ્કામ, નિસ્નેહ, નિઃસ્વાદ, નિર્માન અને નિર્લોભ પાળવા માટે કહ્યું હતું. જેમાં સૌથી પહેલું છે નિષ્કામ, એટલે કે કામરહિત જીવન. આ માટે તેમણે અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે કહ્યું હતું. જેમાં આઠ પ્રકારે સ્ત્રી-પ્રસંગનો ત્યાગ કરવાની વાત કહેવામાં આવી છે. 

    વર્ષ 1826માં સહજાનંદ સ્વામીએ ‘શિક્ષાપત્રી’ લખી હતી, જેમાં સામાન્ય વ્યક્તિથી લઈને રાજા અને સાધુપુરૂષે કઈ રીતે વર્તવું જોઈએ, કેવું આદર્શ જીવન જીવવું જોઈએ તેના ઉપદેશો આપવામાં આવ્યા છે. આ શિક્ષાપત્રીમાં સાધુઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે. 

    નૈષ્ઠિક બ્રહ્મચારીઓ માટે સ્વામી સહજાનંદ કહે છે કે, આવા સાધુઓએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો કે તેમની સાથે સંવાદ ન કરવો અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું જોઈએ નહીં. (શિક્ષાપત્રી- 175) તેમણે સાધુઓને સ્ત્રીઓની વાર્તા કરવા અને તેમનો ઉદ્દેશ્ય કરીને ભગવાનની કથાવાર્તા અને કીર્તન કરવાનું ટાળવા પણ જણાવ્યું હતું. (શિક્ષાપત્રી- 176, 179) આ ઉપરાંત, કોઇ સ્ત્રીએ ધારણ કરેલા વસ્ત્રને સ્પર્શ કરવો નહીં અને દેવતા ન હોય તેવી સ્ત્રીની પ્રતિમાને સ્પર્શ કરવો નહીં જેવી બાબતો કહેવામાં આવી છે. જોકે, સાથે એમ પણ કહ્યું હતું કે, જો કોઇ સ્ત્રીનું કે પોતાનું જીવન જોખમમાં હોય અને આપત્કાળ આવી પડે ત્યારે સ્ત્રીઓની રક્ષા ખાતર સ્પર્શ કરવો પડે કે તેમની સાથે સંવાદ કરવો પડે તો તેમ કરવું અને તેમની સુરક્ષા કરવી. (શિક્ષાપત્રી- 182)

    બ્રહ્મચર્યના આ નિયમો આપીને સહજાનંદ સ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે કોઇ પણ કાળે તેનું પાલન કરવું અને જો આ વ્રતનો ત્યાગ થાય તેવું કોઇ ગુરૂનું પણ વચન હોય તો તેને માનવું નહીં. (શિક્ષાપત્રી- 180) આ સિવાય પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે અન્ય પણ અનેક નિયમો છે, જેમકે તેઓ સભા કે ભિક્ષા, આ બે પ્રસંગો સિવાય કોઇ ગૃહસ્થના ઘરે જઈ શકતા નથી. ઉપરાંત, આ બે પ્રસંગોએ પણ તેઓ જાતે જ કાચું અન્ન માંગીને પોતાના હાથે રસોઈ બનાવીને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીને ભોજન લે છે. 

    સંપ્રદાયના સંતો બ્રહ્મચર્યના આ નિયમને વળગેલા રહે છે અને એ જ કારણ છે કે તેઓ સ્ત્રીઓના સંપર્કમાં આવતા નથી. જોકે, સંપ્રદાયના મંદિરોમાં ક્યાંય સ્ત્રીઓના પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી નથી. તેઓ મંદિરે જઈ શકે છે, પૂજા-અર્ચના કે આરતીમાં ભાગ લઇ શકે છે. માત્ર સંતનિવાસ નજીક તેમને પરવાનગી નથી હોતી કે જ્યાં સંતોની અવરજવર હોય ત્યાં મહિલાઓ પ્રવેશ કરતી હોતી નથી. 

    BAPS અનુસાર, સહજાનંદ સ્વામીએ જીવન દરમિયાન સ્ત્રીઓના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યાં હોવાનું કહેવાય છે. તેમણે તે સમયે ચાલતી સતીપ્રથા અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા સામે સક્રિયપણે કામ કર્યું હતું અને નાબૂદી માટે પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત, સ્ત્રીઓના શિક્ષણ અને સમાજમાં તેમના ઉત્થાન માટે પણ તેમણે સક્રિય પ્રયાસો કર્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં