બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને NDAએ તાજેતરમાં પોતાનો ‘સંકલ્પ પત્ર’ જાહેર કર્યો છે. આ પત્રમાં કુલ ‘25 સંકલ્પ’ છે, જે રોજગાર, મહિલા સશક્તિકરણ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, પરિવહન અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રો પર કેન્દ્રિત છે. આ પ્રતિજ્ઞાઓ બિહારને એક વિકસિત અને આત્મનિર્ભર રાજ્ય બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના હિતોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. NDAના આ સંકલ્પ પત્રને ‘વિકસિત બિહાર’ના નકશા તરીકે વર્ણવવામાં આવ્યો છે, જે રાજ્યના આર્થિક અને સામાજિક પડકારોને હલ કરવા માટે વ્યાપક અને વ્યવહારુ પગલાં સૂચવે છે.
રોજગાર અને કૌશલ વિકાસ:
NDAએ પોતાના સંકલ્પ પત્રમાં 1 કરોડ યુવાનોને સરકારી નોકરી અને રોજગાર આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત કૌશલ ગણના કરાવીને યુવાનોને કૌશલ આધારિત રોજગાર આપવાની યોજના પણ છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર બનાવવામાં આવશે અને બિહારને ગ્લોબલ સ્કિલિંગ સેન્ટર બનાવવા પર કામ પણ કામ કરવામાં આવશે.
મહિલા સશક્તિકરણ: ‘લખપતિ દીદી’થી ‘મહિલા મિશન કરોડપતિ’ સુધી
મહિલાઓના ઉત્થાનને લઈને NDAએ વિશેષ ધ્યાન આપ્યું છે. મુખ્યમંત્રીની મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને ₹2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત 1 કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય છે, જેમાં મહિલા ઉદ્યોગસાહસિકોને કરોડપતિ બનાવવા માટે ‘મહિલા મિશન કરોડપતિ’ યોજના શરૂ કરવામાં આવશે. આ પ્રતિજ્ઞાઓથી મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમને પરિવાર અને સમાજમાં આગવું સ્થાન અપાવવામાં આવશે. બિહાર જેવા રાજ્યમાં આ યોજનાઓ રાજ્યની પ્રગતિના મહત્વના પાયાના પથ્થર સાબિત થશે.
ખેડૂત કલ્યાણ: કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ અને વધુ
ખેડૂતોને મજબૂત બનાવવા માટે ‘કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ’ યોજના હેઠળ દર વર્ષે ₹9000ની સહાય આપવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં ₹1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીને પંચાયત સ્તરે ચોખા, ઘઉં, મકાઈ અને કઠોળની ખરીદી MSP પર કરવામાં આવશે. વધુમાં, ‘મત્સ્ય-દુગ્ધ મિશન’ યોજના હેઠળ દરેક માછીમારને ₹9,000નો લાભ આપવામાં આવશે. દરેક બ્લોકમાં ડેરી ચિલિંગ અને પ્રોસેસિંગ કેન્દ્રો સ્થાપવા, 5 મેગા ફૂડ પાર્ક બનાવવા અને કૃષિ નિકાસ બમણી કરવાની પણ પ્રતિજ્ઞા છે. આ સિવાય 2030 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી અને બિહારમાં મખાના, માછલી અને અન્ય ઉત્પાદનોને વૈશ્વિક નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના છે.
પરિવહન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર
બિહારના વિવિધ શહેર-ગામડાઓને એક બીજા સાથે વધુ સરળ રીતે જોડવા માટે 7 નવા એક્સપ્રેસવે બનાવવા અને 3,600 કિલોમીટર રેલ માર્ગને આધુનિક બનાવવાનું વચન છે. ‘અમૃત ભારત એક્સપ્રેસ’ને વિસ્તારવા અને ‘નમો રેપિડ રેલ’ સેવા શરૂ કરવાથી પરિવહન વધુ સુલભ બનશે. 4 શહેરોમાં મેટ્રો સેવા શરૂ કરવી, ‘ન્યૂ પટના’ ગ્રીનફિલ્ડ શહેર અને મુખ્ય શહેરોમાં સેટેલાઇટ ટાઉનશિપ્સ બનાવવી પણ યોજનાનો ભાગ છે. પટના પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને દરભંગા, પુર્ણિયા તથા ભાગલપુરમાં નવા એરપોર્ટ્સ બનાવીને 10 શહેરોમાંથી નવી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.
ઉદ્યોગ અને નવી અર્થવ્યવસ્થા: ‘વિકસિત બિહાર ઔદ્યોગિક મિશન’
વિકસિત બિહાર ઔદ્યોગિક મિશન હેઠળ ₹1 લાખ કરોડનું રોકાણ કરીને દરેક જિલ્લામાં ઉત્પાદન એકમો અને 10 નવા ઔદ્યોગિક પાર્કો બનાવવામાં આવશે. બિહારને ‘ગ્લોબલ વર્કપ્લેસ’ અને ‘ગ્લોબલ બેંકિંગ હબ’ તરીકે વિકસાવવા માટે ન્યૂ-એજ ઈકોનોમીમાં ₹50 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું લક્ષ્ય છે. જેનાથી રાજ્યમાં નવી ઔદ્યોગિક વૃદ્ધિને વેગ મળશે અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.
શિક્ષણ અને આરોગ્ય: ગુણવત્તાયુક્ત સેવાઓ
શિક્ષણમાં KGથી PG સુધી મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે, જેમાં મિડ-ડે મીલ સાથે પૌષ્ટિક આહાર પણ સામેલ થશે. શાળાઓમાં કૌશલ્ય લેબોરેટરીઓ બનાવીને ‘એજ્યુકેશન સિટી’ વિકસાવવી અને મુખ્ય જિલ્લા શાળાઓને ₹5,000 કરોડ આપીને પુનર્જીવિત કરવાની પણ પ્રતિજ્ઞા છે. બિહારને AI હબ બનાવવા માટે ‘સેન્ટર્સ ઑફ એક્સલન્સ’ સ્થાપવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે દરેક જિલ્લામાં મંજૂર MBBS કોલેજો પૂર્ણ કરીને બાળ રોગ અને ઓટિઝમ હોસ્પિટલો બનાવવી અને દવા ઉત્પાદન માટે વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવી જેવી યોજનાઓ છે.
ગરીબી નિવારણ અને સામાજિક સુરક્ષા: મૂળભૂત જરૂરિયાતો
મફત રાશન, 125 યુનિટ વીજળી અને 5 લાખ સુધી મફત ઈલાજ આપીને ગરીબોને સહાય કરવામાં આવશે. 50 લાખ નવા પાકા મકાનો બનાવીને સામાજિક સુરક્ષા પેન્શન અને ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ પૂરું પાડવામાં આવશે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નાણાકીય સહાય, કૌશલ્ય તાલીમ, ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને ₹4 લાખનો જીવન વીમો, શ્રમજીવી વર્ગના શ્રમિકો અને ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને લઘુત્તમ વ્યાજ દરે કોલેટરલ વાહન લોન આપવામાં આવશે.
સંસ્કૃતિ, પર્યટન અને રમતગમત: વારસાને જીવંત કરવો
મા જાનકી મંદિર, વિષ્ણુપદ અને મહાબોધિ કોરિડોર વિકસાવીને રામાયણ, જૈન, બૌદ્ધ અને ગંગા સર્કિટને મજબૂત કરવામાં આવશે. ‘ફિલ્મ સિટી’ અને ‘શારદા સિન્હા કલા વિશ્વવિદ્યાલય’ બનાવીને રમતગમત માટે પ્રત્યેક વિસ્તારમાં ‘સેન્ટર્સ ઑફ એક્સલન્સ’ અને ‘બિહાર સ્પોર્ટ્સ સિટી’ સ્થાપવામાં આવશે.
ટેક્સટાઇલ અને સ્થાનિક ઉદ્યોગો: વોકલ ફોર લોકલને પ્રોત્સાહન
બિહારને મખાના, માછલી અને રેશમના વૈશ્વિક નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવીને ‘મિથિલા ટેક્સટાઇલ પાર્ક’ અને ‘અંગ સિલ્ક પાર્ક’ બનાવવાથી દક્ષિણ એશિયાનું ટેક્સટાઇલ હબ બનાવવાની યોજના છે. 100 MSME પાર્કો અને 50,000 કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ‘વોકલ ફોર લોકલ’ને મજબૂત કરવામાં આવશે.
પૂર અને પર્યાવરણ વ્યવસ્થાપન: ‘ફ્લડ ટુ ફોર્ચ્યુન’ મોડલ
બિહારને 5 વર્ષમાં પૂરમુક્ત બનાવવા માટે ‘ફ્લડ મેનેજમેન્ટ બોર્ડ’ બનાવીને ‘ફ્લડ ટુ ફોર્ચ્યુન’ મોડલ અમલમાં મુકાશે. નદીઓને જોડીને બાંધકામો અને કેનાલો બનાવીને કૃષિ અને માછીમારીને વેગ આપવામાં આવશે.
NDAનો આ ‘સંકલ્પ પત્ર’ બિહારના ભવિષ્યને આકાર આપવાનું વચન છે, જેમાં વિકાસ અને સમાવેશનું સંતુલન રાખવામાં આવ્યું છે. આ પ્રતિજ્ઞાઓનો અમલ થાય તો બિહાર એક નવા યુગમાં ડગ માંડશે અને તેનો લાભ બિહારના તમામ વર્ગના લોકોને થશે.


