ભારતીય સેનાએ (Indian Army) તાજેતરમાં જ સુસાઇડ ડ્રોન (Suicide Drone) ખરીદ્યા હતા. જે હવે સેનામાં સામેલ થવા જઈ રહ્યા છે. આ ડ્રોનનું નામ નાગાસ્ત્ર-1 (Nagastra-1) છે. વર્ષ 2023માં સેના દ્વારા આવા 480 ડ્રોનનો ઓડર આપવામાં આવ્યો હતો. આ ડ્રોનની બનાવટમાં 75%થી વધુ સ્વદેશી (Indigenous) સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાગાસ્ત્ર-1 દુશ્મનના બંકરો, ચોકીઓ, હથિયારોના ઠેકાણાંઓને નષ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમાં નાઈટ વિઝન કેમેરાથી (Night Vision Camera) લઈને GPS સુધીની અદ્યતન સુવિધાઓ પણ આપવામાં આવી છે. જે ભારતીય સેના માટે પણ કારગર સાબિત થશે.
આ માનવરહિત ડ્રોન (UAV)નું નિર્માણ નાગપુરની સોલાર ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આ કંપનીએ વર્ષ 2023માં ઇઝરાયેલ અને પોલેન્ડ જેવા સ્પર્ધકોને હરાવીને UAVs નાગાસ્ત્ર-1 સપ્લાય કરવાનો ઓર્ડર મેળવ્યો હતો. સોલાર ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની ઇકોનોમિક્સ એક્સપ્લોસિવ્સ લિમિટેડ (EEL) અને બેંગ્લોરની Z-Motionના સહયોગથી સુસાઇડ ડ્રોન ‘નાગાસ્ત્ર-1’ ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રોનને લોઇટરિંગ મ્યુનિશન વેપન્સની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, કારણ કે તે હવામાં ફરીને તેના લક્ષ્ય પર સચોટ રીતે પ્રહાર કરવા સક્ષમ છે.
75% સ્વદેશી સામગ્રીની બનાવટ
‘નાગાસ્ત્ર-1’ બનાવતી કંપનીના જણાવ્યા અનુસાર, આ આત્મઘાતી ડ્રોનની બનાવટ દરમિયાન 75%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નાગાસ્ત્ર-1 મેન-પોર્ટેબલ અને વજનમાં હલકું છે. નોંધનીય છે કે સોલાર ઈન્ડસ્ટ્રીઝ નાગાસ્ત્ર-1ના અદ્યતન વર્ઝન પર પણ કામ કરી રહી છે.
નાગાસ્ત્ર-1ની વિશેષતા
‘નાગાસ્ત્ર-1’ની સૌથી ખાસ વાત એ છે કે, આ ડ્રોન સૈનિકોના જીવને જોખમમાં મૂક્યા વિના દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ અથવા લોન્ચ પેડ પર સરળતાથી હુમલો કરી શકે છે. નાગસ્ત્ર એક સુસાઇડ ડ્રોન હોવાના કારણે અન્ય ડ્રોન કરતાં અલગ રીતે કામ કરે છે. નાગાસ્ત્ર-1માં ખાસ ‘કેમિકેઝ મોડ’ અને જીપીએસ સિસ્ટમ છે, જેના દ્વારા તે તેના ટાર્ગેટને શોધી કાઢે છે અને તેની સાથે અથડાયા બાદ તેનો નાશ કરે છે. તેની ટાર્ગેટ રેન્જ 45 કિલોમીટરની છે.
4500 મીટરની ઉંચાઈએ ઉડી શકે છે સુસાઇડ ડ્રોન નાગાસ્ત્ર-1
નાગાસ્ત્ર-1 ડ્રોન 4,500 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. તેમાં ખાસ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેના કારણે તેના અવાજને શોધી કે ઓળખી શકવો લગભગ અશક્ય જેવું છે. તેનો અવાજ 200 મીટરથી વધુની ઊંચાઈએ ઓળખવો લગભગ અશક્ય છે. ‘નાગાસ્ત્ર-1’નું વજન લગભગ 6 કિલો છે. તેને ખાસ કરીને આર્મીની સુવિધા અને ઓપરેશનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં 1 કિલો વજનનું વોરહેડ લોડ કરી શકાય છે. તેનો વિસ્ફોટ 20 મીટરના વિસ્તારને નષ્ટ કરી શકે છે.
30 કિલોમીટરની ઝડપે કરે છે હુમલો
નોંધનીય છે કે, સુસાઇડ ડ્રોન ‘નાગાસ્ત્ર-1’ ઓટો મોડમાં મહત્તમ 30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડી શકે છે. જ્યારે તેને રિમોટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે, ત્યારે તેની સ્પીડ 15 કિલોમીટર પ્રતિકલાક થઈ જાય છે. તે તેના ટાર્ગેટ પર 60 મિનિટ સુધી મંડરાઈ શકે છે. નાગાસ્ત્ર-1માં ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન, કોમ્યુનિકેશન કંટ્રોલ, પેલોડ અને ન્યુમેટિક લોન્ચરનો પણ સમાવેશ થાય છે.
નાઈટ વિઝન કેમેરા અને સોફ્ટ લેન્ડીંગ જેવી સુવિધાઓ
નાગાસ્ત્ર-1માં નાઈટ વિઝન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જે કેમેરાનો ઉપયોગ કરીને દુશ્મનો પર ચાંપતી નજર રાખી શકાય છે. આ સિવાય આ ડ્રોનની ખાસિયત એ છે કે તે ઉડાન ભર્યા બાદ પણ તેના ટાર્ગેટમાં બદલાવ કરી શકે છે. આ ઉપરાંત જો મિશનને અબોર્ટ કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા હોય તો નાગાસ્ત્ર-1 પેરાશૂટની મદદથી સોફ્ટ લેન્ડિંગ પણ કરી શકે છે.
નાગાસ્ત્ર-1નું બીજું વેરિએન્ટ
ઉલ્લેખનીય છે કે, નાગાસ્ત્ર-1નું બીજું વેરિઅન્ટ મેન-પોર્ટેબલ છે. જેને 2 સૈનિકો મળીને લઈ જઈ શકે છે અને તેમાં 4 કિલો વિસ્ફોટકો લગાવી શકાય છે. બીજા વેરિએન્ટનો ઉપયોગ સશસ્ત્ર હુમલાઓ માટે કરી શકાય છે. તે પોર્ટેબલ ન્યુમેટિક લોન્ચરના માધ્યમથી ઉડે છે. જે ત્રણ મોડમાં આવે છે. આ ડ્રોનમાં દિવસ-રાત કામ કરી શકે એવા ડ્યુઅલ સેન્સર્સ લગાવવામાં આવ્યા છે. બીજા વેરિએન્ટનું વજન વજન 11 કિલો છે. તે 90 મિનિટ સુધી ઉડવામાં સક્ષમ છે અને તેની વિડીયો લિંક રેન્જ 25 KM છે. આ ડ્રોનની GPS ટાર્ગેટ રેન્જ 60 કિલોમીટર છે.
સૈન્ય શક્તિમાં વધારો
નોંધનીય છે કે, ‘નાગાસ્ત્ર-1’ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જેવા વિસ્તારોમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ડ્રોનમાં આતંકવાદીઓના લૉન્ચ પેડ, ટ્રેનિંગ કેમ્પ અને ઠેકાણાઓને આંખના પલકારામાં ખતમ કરવાની શક્તિ છે. મહત્વની બાબત તે છે કે, આ માટે ત્યાં કોઈ સૈનિક મોકલવાની પણ જરૂર નથી. રશિયા-યુક્રેન, ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં આ જ પ્રકારેના વિવિધ ડ્રોનનો ઉપયોગ જોવા મળ્યો હતો, ત્યારે ભારતીય સેના પાસે પણ આવું અદ્યતન શસ્ત્ર આવવાથી સેનાની શક્તિમાં વધારો થયો છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, ભવિષ્યના સમયમાં ‘ડ્રોન વોર’ની સ્થિતિ પણ સામે આવી શકે છે, જેથી સ્વરક્ષા માટે પણ અત્યાધુનિક શસ્ત્રોની દેશને જરૂર પડી શકે છે. આ ડ્રોનના કારણે ભારતીય જવાનો પણ સુરક્ષિત રહી શકશે.