Monday, November 25, 2024
More
    હોમપેજસ્પેશ્યલજમીનથી લઈને આકાશ સુધી હશે ભારતીય સેનાનો દબદબો, દુશ્મનની દરેક હરકતો પર...

    જમીનથી લઈને આકાશ સુધી હશે ભારતીય સેનાનો દબદબો, દુશ્મનની દરેક હરકતો પર નજર રાખશે ‘આકાશતીર’: શું છે પ્રોજેક્ટ અને કઈ રીતે એર ડિફેન્સ સિસ્ટમમાં લાવશે ક્રાંતિ- સમજો

    આર્મી અને એરફોર્સના રડાર અને સેન્સર્સને એકસાથે જોડી દેવામાં આવશે, જેના કારણે કમ્પ્લેટ પિક્ચર બની શકશે. આ સેન્સર અને રડાર્સનું નેટવર્ક દુશ્મનના વિમાન, જેટ, હેલિકોપ્ટર, ડ્રોનને જોતાં જ તરત એલર્ટ મોડમાં આવી જશે.

    - Advertisement -

    જમીનથી લઈને આકાશ સુધી ભારતીય સેનાના (Indian Army) વર્ચસ્વને મજબૂત કરવા માટે એક પછી એક ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ કડીમાં હવે મંગળવારે (12 નવેમ્બર) ત્રણ નવા સમાચાર સામે આવ્યા, જે દર્શાવે છે કે ભવિષ્યના ભારતીય સેનાની શક્તિમાં અનેક ગણો વધારો થવા જઈ રહ્યો છે, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમમાં (Air Defense System) ખૂબ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. ત્રણ સમાચારોમાં ‘પ્રોજેટક આકાશતીર’ (Project Akashteer), સર્વેલન્સ હેલિકોપ્ટર અને ઑલ-ટેરેન વાહનો (ATVs) ખરીદવાનો સમાવેશ થાય છે. ‘પ્રોજેક્ટ આકાશતીર’ ભારતીય સેનાનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

    અહેવાલો અનુસાર, ભારતીય સેના ‘પ્રોજેક્ટ આકાશતીર‘ દ્વારા એર ડિફેન્સ સિસ્ટમમાં પોતાને મોખરે લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી રહી છે. તે માટે કેન્દ્ર સરકાર પણ તમામ સહયોગ આપી રહી છે. આ પ્રોજેક્ટની મદદથી દેશ પર એક સુરક્ષિત અને એલર્ટ એરસ્પેસ સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ એક અત્યાધુનિક પહેલ છે, જે એર ડિફેન્સ કંટ્રોલ અને રિપોર્ટિંગ (Air Defense Control And Reporting) પ્રક્રિયાઓને ડિજિટલાઇઝ કરીને તેને સ્વચાલિત (Automatic) કરવા માટે મદદરૂપ બનશે.

    શું છે પ્રોજેક્ટ આકાશતીર?

    પ્રોજેક્ટ આકાશતીર એક સંપૂર્ણ સ્વચાલિત અને સંકલિત એર ડિફેન્સ સિસ્ટમ છે. આકાશતીર પ્રોજેક્ટ હેઠળ તમામ એર ડિફેન્સ સેન્સર્સને એકીકૃત કરવામાં આવશે. આર્મીના એર ડિફેન્સ રડાર અને એરફોર્સના મીડિયમ અને હાઈપાવર ધરાવતા રડાર ઇન્ટીગ્રેડ થઈને એક કમ્પ્લેટ પિક્ચર આપી શકશે. હવાઈ જોખમોનો સામનો કરવા માટે હવાઈ સંરક્ષણ નેટવર્કને મજબૂત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સમગ્ર દેશના એરસ્પેસનું સટીક પિક્ચર રજૂ કરવા માટે સક્ષમ છે. તે કોઈપણ જગ્યાએ, કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં, કોઈપણ હવામાનમાં અથવા કોઈપણ સરહદ પર તહેનાત લશ્કરી એકમને કમ્પ્લેટ પિક્ચર બતાવી શકે છે.

    - Advertisement -

    આકાશતીર પ્રોજેક્ટ પહેલાં કોઈપણ રડાર પર જે પિક્ચર જોવા મળે છે, તેને ઑપરેરરો જોઈને, તેનું નિરીક્ષણ કરીને ફીડ કરતા હતા. અલગ-અલગ સ્થળોના એરસ્પેસની જાણકારી તેમને મળી જતી હતી. પરંતુ આર્મી અને એરફોર્સના રડારના પિક્ચર અલગ-અલગ મળી શકતા હતા. જેના કારણે દુશ્મનની હવાઈ હુમલાની સ્થિતિમાં પ્રતિક્રિયા આપવામાં ખૂબ વાર લાગી જતી હતી. સામાન્ય રીતે ત્વરિત કાર્યવાહી થઈ શકતી નહોતી. કારણ કે, પહેલાં બધા પિક્ચરને જોઈને પછી કોર્ડીનેશન કરવામાં આવતું હતું અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી.

    કઈ રીતે કામ કરશે આકાશતીર?

    ખૂબ સામાન્ય ભાષામાં સમજીએ તો આર્મી અને એરફોર્સના રડાર અને સેન્સર્સને એકસાથે જોડી દેવામાં આવશે, જેના કારણે કમ્પ્લેટ પિક્ચર બની શકશે. આ સેન્સર અને રડાર્સનું નેટવર્ક દુશ્મનના વિમાન, જેટ, હેલિકોપ્ટર, ડ્રોનને જોતાં જ તરત એલર્ટ મોડમાં આવી જશે. ત્યારબાદ આકાશતીર ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટને સતર્ક કરશે. ત્યારપછીનું કામ યુનિટ સંભાળી લેશે. બેકઅપ માટે ભારતીય વાયુસેનાના નજીકના બેઝને એલર્ટ પર રાખવામાં આવે છે. જેથી યુનિટના મિસાઈલ્સ અને રોકેટ્સ જો ફેલ થઈ જાય તો તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને દુશ્મનને ઠાર કરી શકાય.

    પ્રોજેક્ટ આકાશતીર હેઠળ ભારતીય સેના અને વાયુસેનાએ એક કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર પણ બનાવ્યું છે. જેથી આકાશતીર પ્રોજેક્ટની સિસ્ટમને સારી રીતે સંચાલિત પણ કરી શકાય. ક્રમાનુસાર આકાશતીરના નેટવર્કની વાત કરવામાં આવે તો જમીન પર ભારતીય સેના અને વાયુસેનાના રડાર્સ તહેનાત હશે. તે તમામ રડાર્સ સાથે આકાશતીર પ્રોજેક્ટનું કંટ્રોલ સેન્ટ્રલ જોડાયેલું હશે. કંટ્રોલ સેન્ટરને સેટેલાઈટ અને અવોક્સ દ્વારા માહિતી મળતી રહેશે.

    આ દરમિયાન જેવા દુશ્મનના જેટ, વિમાનો કે મિસાઈલો દેખાશે તે તરત જ એલર્ટ જારી થઈ જશે. તાત્કાલિક ધોરણે SAM મિસાઈલ્સ, રોકેટ્સ અને વાયુસેના પણ એક્શનમાં આવી જશે. ફાઇટર જેટ્સને તોડી પાડવા માટે ભારતીય વાયુસેનાના વિમાનો પણ આકાશમાં મંડરાવા લાગશે.

    શું ફાયદો થશે દેશને?

    હવે સિસ્ટમ પોતે જ તમામ રડારમાંથી મળેલી તસવીરોનું વિશ્લેષણ કરશે અને સંપૂર્ણ પિક્ચર બતાવશે, તે પણ વાસ્તવિક સમયમાં. જેના કારણે નિર્ણય લેવામાં બિલકુલ વિલંબ થશે નહીં. તેનાથી કૉ-ઑર્ડિનેશન પણ ખૂબ ઝડપ આવશે. એટલે કે તે પણ જાણી શકાશે કે, કયા મોરચે શું થઈ થઈ રહ્યું છે. તે હવામાં ઉડતા ઓબ્જેક્ટને તરત જ ઓળખી લેશે કે તે મિત્ર છે કે શત્રુ. આખા એરસ્પેસની તસવીર એકસાથે મેળવીને એરક્રાફ્ટની ઉડાનને સાવચેતી માટે લાંબા સમય સુધી રોકવી નહીં પડે અને દુશ્મન તરફથી આવતા એરિયલ પ્લેટફોર્મનો નાશ કરવામાં પણ ઓછામાં ઓછો સમય લાગશે.

    સેના પાસે વેપન સિસ્ટમ ઓછી હોય અને સામે પક્ષે દુશ્મન પાસે વધુ ઓબ્જેક્ટસ હોય તો પણ તેને સરળતાથી મારી શકાશે. અગાઉ, વિવિધ સ્તરે સંયુક્ત રીતે નિર્ણયો લેવા પડતા હતા, પરંતુ હવે જમીન પર હાજર લોકો તરત જ નિર્ણય લઈ શકશે. આ સિસ્ટમના કારણે ફ્રેન્ડલી ફાયર (પોતાના જ એરક્રાફ્ટ પર ગોળીઓ લાગવી)ની ઘટનાઓ પણ બંધ થઈ જશે. કારણ કે, સેના પાસે જરૂરી તમામ માહિતી છે, જે તેને આકાશતીર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

    તાજેતરમાં વિશ્વભરની સેનાઓ સ્વોર્મ ડ્રોન પર કામ કરી રહી છે. એટલે કે, ડ્રોનનું ટોળું એકસાથે કોઈ પણ દેશ પર હુમલો કરી શકે. હવાઈ ​​સંરક્ષણમાં દરેક સેકન્ડ મહત્વપૂર્ણ છે. એક સેકન્ડનો પણ વિલંબ આખી રમત બદલી શકે છે. આવી સ્થિતિમાં અનેક તસવીરો જોયા બાદ નિર્ણય લેવાની સ્થિતિ હોય તો દુશ્મન વધુ પ્રબળ બની શકે છે. પરંતુ જ્યારે સમગ્ર એરસ્પેસનું ચિત્ર સ્પષ્ટ હોય કે, કઈ જગ્યાએ શું ઓબ્જેક્ટ છે, તો હુમલાને નિષ્ફળ બનાવવા માટે તાત્કાલિક પગલાં લઈ શકાય છે. વિશ્વભરમાં હવાઈ યુદ્ધ એટલું જટિલ બની રહ્યું છે કે, હવે ઓટોમેશન વિના હવાઈ સંરક્ષણ કરવું શક્ય નથી. જ્યારે વાસ્તવિક સમયનું ચિત્ર ઉપલબ્ધ હોય, ત્યારે કાઉન્ટર એક્શન સરળ અને અસરકારક બની રહે છે. તેથી તેમાં આકાશતીર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

    નોંધવા જેવું છે કે, સેનાને આવી કુલ 455 સિસ્ટમની જરૂર છે. અત્યાર સુધીમાં 107 સિસ્ટમો ડિલિવર થઈ ગઈ છે. જેના દ્વારા ઉત્તરીય બોર્ડર એટલે કે ચીન બોર્ડરને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવી છે. પશ્ચિમ બોર્ડર માટે પણ માર્ચ, 2025 સુધીમાં 105 વધુ સિસ્ટમો ઉપલબ્ધ થઈ જશે. જે બાદ બાકીના યુનિટ્સ માટે માર્ચ 2027 સુધીમાં તમામ સિસ્ટમ ઉપલબ્ધ થઈ જશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં