દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે મોદી સરકાર સ્વતંત્રતાના ઉત્સવને જન-જન સુધી પહોંચાડવા ‘મેરી માટી, મેરા દેશ’ નામે ‘હર ઘર તિરંગા’ ઉત્સવની ઉજવણી કરવા પ્રોત્સાહિત કરી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત શનિવારે(12 ઓગષ્ટ, 2023) જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તિરંગા યાત્રામાં હજારો લોકોએ ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત તિરંગા રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન પુલવામાની સરકારી મહિલા ડિગ્રી કૉલેજમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ભારતના પ્રભાવશાળી 77 વર્ષોના સમૃદ્ધ ઇતિહાસને આવરી લેવામાં આવ્યો હતો.
#WATCH | Jammu & Kashmir: People in large numbers participated in the 'Meri Maati, Mera Desh' Tiranga Rally carried out in Pulwama.
— ANI (@ANI) August 12, 2023
(Drone visuals: DIPR Pulwama) pic.twitter.com/xymDdAanZP
રાષ્ટ્રગાનથી ગુંજી ઉઠયું પુલવામા
અહેવાલો અનુસાર સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પુલવામામાં તિરંગા યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. શહેરની મહિલા કૉલેજમાંથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં હજારો લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની ભાવના જોવા મળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વિવિધ કચેરીના કર્મચારીઓ, સમાજ અગ્રણીઓ સહિત સામાન્ય જનતાએ પણ અનેરા ઉમંગ સાથે ભાગ લીધો હતો. બીજી તરફ પુલવામાના ડેપ્યુટી કમિશનર ડૉ.બશારત કયુમે આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. તેમના વક્તવ્યમાં તેમણે અમર જવાનોના બલિદાનને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં હજારો લોકો હાથમાં તિરંગા લઇ રાષ્ટ્રગીત માટે ઉભા થયા ત્યારે આખી ઘાટીમાં રાષ્ટ્રવાદના પડઘા પડ્યા હતા.
પુલવામાના ડેપ્યુટી કમિશ્નર ડૉ.બશારત કયુમે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવા ઉત્સવોમાં પુલવામાની જનતાનો જોશ લોકોની રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે પુલવામાના લોકોને આ ભવ્ય કાર્યક્રમ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આવી ઐતિહાસિક ભાગીદારી અને સહયોગથી આયોજિત કાર્યક્રમ પ્રેરણાદાયી અને અવિસ્મરણીય બન્યો છે.
જમ્મુ કાશ્મીરના અનેક જિલ્લાઓમાં વિશાળ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી
ગત શુક્રવારે(10 ઓગષ્ટ, 2023) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર કાશ્મીરના વિવિધ પોલીસ મથકોમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન “મેરી માટી મેરા દેશ – મિટ્ટી કો નમન વીરોં કા વંદન” અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં દેશભક્તિથી ભરપૂર અનેક કાર્યક્રમો યોજાયા હતા, જે અંતર્ગત રાજ્યની પોલીસ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અવંતીપોરામાં એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પોલીસ લાઈન અવંતીપોરાથી શરૂ થઇ હતી જેનું સમાપન IUST અવંતીપોરા ખાતે થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાશ્મીરીઓએ ભાગ લીધો હતો.
તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં પણ પોલીસ જવાનોએ તમામ પોલીસ મથકોમાં તિરંગા રેલીનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાના SDPO, SHO, IC PP અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમની સાથે CRPF, BSF અને SSBના જવાનો સહિત શાળાના બાળકોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મુખ્ય કાર્યક્રમનું આયોજન DPL બારામૂલામાં કરવામાં આવ્યું હતું.