મહેસાણાના વિસનગરમાં એસટી બસમાં બેસવા મામલે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું અને એક ગામે 25થી 30 માણસોના ટોળાએ બસ ઉભી રખાવીને વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરી હતી તેમજ વિદ્યાર્થીનીઓની છેડતી કરી પથ્થરો પણ ફેંક્યા હતા. આ મામલે બસ કંડક્ટરની ફરિયાદના આધારે સરફરાઝ નામના એક વ્યક્તિ સહિત 25થી 30 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે ગત ગુરૂવારે (6 જુલાઈ, 2023) રાત્રે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે FIR દાખલ કરી હતી. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
બસ કંડક્ટરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ વિસનગર ડેપોથી રાવળાપુરા જતી બસ લઈને નીકળ્યા હતા. શાળા છૂટવાનો સમય હોવાના કારણે મુસાફરોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીકઠાક હતી. દરમ્યાન બસ વિસનગર સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પર પહોંચતાં ત્યાંથી પણ અમુક પેસેન્જરો બેઠા હતા અને બસમાં મુસાફરોની સંખ્યા વધી ગઈ હતી જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે જગ્યાને લઈને બોલાચાલી થઇ હતી.
બસમાં ખેંચતાણ કરી ઝપાઝપી સુધી વાત પહોંચી જતાં કંડક્ટરે કંટ્રોલ રૂમમાં જાણ કરી બીજી બસની વ્યવસ્થા કરાવી હતી. જેથી ડેપોમાંથી બીજી બસ મોકલી આપવામાં આવતાં તેમાં સવાલા જતા પેસેન્જરોને મોકલી આપવામાં આવ્યા હતા અને બસ રાવળાપુરા તરફ રવાના કરવામાં આવી હતી.
લગભગ સાડા છ વાગ્યાના અરસામાં બસ સાવલા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતાં અહીં એક વ્યક્તિએ બસ ઉભી રખાવી હતી, જેણે પોતાની ઓળખ સરફરાઝ ડેલીકેટ તરીકે આપી હતી. તેની સાથે અન્ય માણસોએ પણ ભેગા થઇને ‘અમારે બાળકોને કેમ હેરાન કરો છો’ તેમ કહીને ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરવા માંડી હતી. બરાબર આ જ સમયે સાવલાના વિદ્યાર્થીઓને લઈને આવતી બીજી બસ પણ આવી પહોંચતાં તેમાંથી પણ અમુક લોકોએ ઉતરી આવીને બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર સરફરાઝ અને 25થી 30 માણસોના ટોળાએ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે ખેંચતાણ કરી મારામારી કરી હતી તેમજ અમુકે પથ્થરો પણ ફેંક્યા હતા. આ દરમિયાન જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આરોપ છે. ઉપરાંત, ટોળાએ બસમાં બેઠેલી વિદ્યાર્થીઓની છેડતી કરીને તેમનાં કપડાં પણ ફાડી નાંખ્યાં હતાં.
આખરે ડ્રાઈવરે સૂચકતા વાપરીને બસ હંકારી મૂકીને રાવળાપુરા પહોંચાડી હતી. ત્યારબાદ એસટી વિભાગના અન્ય અધિકારીઓ સાથે બસ કંડક્ટરે વિસનગરમાં સ્થિત તાલુકા પોલીસ મથકે પહોંચીને સરફરાઝ અને અન્યો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે IPCની કલમ 147, 149, 323, 186, 354, 337 અને 114 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે જ કોમ્બિંગ હાથ ધરીને તેમણે અમુકની ધરપકડ કરી લીધી હતી જ્યારે બાકીનાની ઓળખ કરવા માટે CCTV કેમેરા ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.