Tuesday, May 7, 2024
More
    હોમપેજક્રાઈમવેરાવળ બંદરેથી ઝડપાયું ₹350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ, ગુજરાત પોલીસે 9...

    વેરાવળ બંદરેથી ઝડપાયું ₹350 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સ, ગુજરાત પોલીસે 9 આરોપીઓની કરી ધરપકડ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી પ્રશંસા

    - Advertisement -

    ગુજરાતે પોલીસે ફરી એકવાર દરિયાઈ માર્ગેથી દેશમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વેરાવળ બંદરે કરેલી મોટી કાર્યવાહીમાં ₹350 કરોડનું 50 કિલોથી વધુનું હેરોઈન (ડ્રગ્સ) ઝડપી પાડ્યું છે. આ સાથે પોલીસે ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા 9 લોકોની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર તેમની પાસેથી એક સેટેલાઈટ ફોન, રીસીવર અને બોટ જપ્ત કરવામાં આવી છે.

    ગુજરાત પોલીસને ડ્રગ્સ સામેની તેમની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા કાર્યવાહીમાં ₹350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે વેરાવળ બંદરના નલિયા ગોલી કાંઠે દરોડો પાડીને ₹350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સના 50 કિલો સીલબંધ પેકેટો જપ્ત કર્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા સ્પેશીયલ ઓપરેશનમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી આગળ ધરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી પોલીસ કાર્યવાહીની જાણકારી આપી છે. જેમાં ગુજરાત પોલીસને સફળ કાર્યવાહી માટે બિરદાવતા લખ્યું હતું કે, “ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે. ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.”

    - Advertisement -

    જોકે, ગુજરાત પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ડ્રગ્સ ક્યાંથી મોકલાયું છે, ડ્રગ્સના મુખ્ય સપ્લાયર કોણ છે, તે મુદ્દે હજી હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. નોંધનીય છે કે બે વર્ષમાં રાજ્યની અલગ અલગ એજન્સીઓએ ₹5338 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસની સતર્કતાના કારણે દેશમાં ડ્રગ્સની હેરાફેરીપર ખાસી રોક લાગી છે. આ પહેલાં ગુજરાત પોલીસે કચ્છના મીઠીરોહરના દરિયાકિનારેથી ₹800 કરોડની કિંમતનું 80 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કચ્છ પૂર્વ LCB શાખાને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મીઠીરોહર વિસ્તારમાં વૉચ ગોઠવી હતી. ડ્રગ્સની ડિલીવરી થયા બાદ આરોપીઓ તેને સગેવગે કરે તે પહેલાં જ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને દરોડા પાડીને જથ્થો ઝડપી પાડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં