વિડીયો ગેમમાં જે રીતે બાળકો ટાર્ગેટને હિટ કરે છે, તેવી જ રીતે અમેરિકામાં એક વ્યક્તિએ ત્રણ જગ્યાએ ફાયરિંગ કર્યું છે. આ અંધાધૂંધ ગોળીબારમાં 22 લોકોના મોત થયા હોવાના સમાચાર છે અને 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે. મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.
આ ફાયરિંગની ઘટનાઓ 25 ઓકટોબર, 2023ની રાત્રે મેન રાજ્યના લેવિસ્ટનમાં બની હતી. અમેરિકામાં સ્થિત લેવિસ્ટન શહેરના સ્પેરટાઈમ રિક્રિએશન, સ્કીમેંજીસ બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને એક વોલમાર્ટ સેન્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં 22 લોકોના મોત થયા છે. લેવિસ્ટન શહેરની વસ્તી માત્ર 37,000 છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. શહેરના મેયરે જણાવ્યું છે કે, તેઓ આવી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ નથી, પરંતુ જે શક્ય છે તે કરવામાં આવી રહ્યું છે.
આરોપીએ ભૂતકાળમાં પણ આચર્યા હતા ગુના
ફાયરિંગ કરનારની ઓળખ 40 વર્ષીય રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેની શોધખોળ ચાલી રહી છે. રોબર્ટની કેટલીક તસવીરો પણ સામે આવી છે. પોલીસે ઘટનાના CCTV ફૂટેજ જાહેર કર્યા છે. આ ફાયરિંગ 2019 પછીની સૌથી મોટી ઘટના ગણવામાં આવી રહી છે. હમણાં સુધી બહાર આવેલી માહિતી અનુસાર, રોબર્ટ તેની સફેદ રંગની સુબારુ આઉટબેક કારમાં લેવિસ્ટનના અલગ-અલગ સ્થળોએ પહોંચ્યો અને AR-15 એસોલ્ટ રાઈફલથી લોકો પર ગોળીઓ વરસાવવા લાગ્યો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે તે નશામાં હતો.
રોબર્ટ વિશેની ઘણી માહિતી સામે આવી છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે, તેના બે વાર ડિવોર્સ થઈ ગયા છે અને હાલ તે એકલો રહે છે. તેની ‘ચાઈલ્ડ પોર્ન’ રાખવાના ગુનામાં ધરપકડ પણ થઈ હતી. ઘરેલુ હિંસાના કેસમાં પણ તે જેલ જઈ ચૂક્યો છે. તેને બે લગ્નોમાંથી ત્રણ બાળકો છે.
અમેરિકામાં અનેક વાર બની છે ફાયરિંગની ઘટનાઓ
અમેરિકામાં જાહેર સ્થળો પર ગોળીબારની આ કોઈ નવી ઘટના નથી. અમેરિકાની અંદર આવી ઘટનાઓનો રેકોર્ડ રાખતી સંસ્થા ‘ગન વાયોલેન્સ આર્કાઈવ’ અનુસાર, વર્ષ 2023માં અમેરિકામાં 565 માસ શૂટિંગ (સામાન્ય લોકો પર ગોળીબાર)ની ઘટનાઓ બની ચૂકી છે. તાજેતરની ફાયરિંગ ઘટના બાદ લેવિસ્ટન શહેરની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અન્ય સંસ્થાના માલિકોને પણ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે આનાથી તેમની તપાસ સરળ બનશે.
There is an active shooter in Lewiston. We ask people to shelter in place. Please stay inside your home with the doors locked. Law enforcement is currently investigating at multiple locations. If you see any suspicious activity or individuals please call 911. Updates to follow. pic.twitter.com/RrGMG6AvSI
— Maine State Police (@MEStatePolice) October 26, 2023
ફાયરિંગની આ ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને મેન સ્ટેટના ગવર્નર જેનેટ મિલ્સ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે અને તમામ પ્રકારની મદદની ખાતરી આપી છે.