31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવેલો મુફ્તી સલમાન અઝહરી હવે વધુ એક મુસીબતમાં ફસાયો છે. જાણવા મળી રહ્યું છે કે, જૂનાગઢમાં ફરિયાદ નોંધાયા બાદ હવે કચ્છમાં સ્થિત સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ભાષણ આપ્યા પહેલાં તે કચ્છમાં હતો અને સામખીયાળી વિસ્તારમાં પણ તેણે આ પ્રકારનું ભાષણ આપ્યું હતું. ત્યાં પણ તેણે ભડકાઉ ભાષણ આપીને શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હતો.
Second FIR filed against Azhari for Kutch video from OpIndia Videos on Vimeo.
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ હવે કચ્છમાં પણ ફરિયાદ નોંધાઈ છે. કચ્છના સામખીયાળી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કચ્છમાં પણ તેણે જૂનાગઢની જેમ ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ મૌલાનાના આ કાર્યક્રમની મંજૂરી માંગનારા આયોજકો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છના સામખીયાળીમાં ગુલસને માદરી ટ્રસ્ટ દ્વારા મૌલાનાનો કાર્યક્રમ 31 જાન્યુઆરીએ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પણ મૌલાના દ્વારા ઘણા વિવાદિત નિવેદનો આપવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ અને ATS સંયુકત રીતે તપાસ કરી રહી છે.
સાધુ-સંતોમાં પણ જોવા મળ્યો રોષ
જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને લઈને હવે સાધુ-સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મોહનદાસ મહારાજે જૂનાગઢમાં મુફ્તી સલમાન અઝહરી દ્વારા કરાયેલા ભડકાઉ ભાષણ પર વિરોધ નોંધાવ્યો છે. મોહનદાસ મહારાજે કહ્યું કે, “એવા મૌલવી કે જે ભારતની શાંતિ ભંગ કરે છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. આવા મૌલવી મુફ્તી સલમાન અઝહરી જેવાને છોડવામાં આવશે તો અન્ય બીજી કોઇ જગ્યાએ પણ ભડકાઉ ભાષણ કરશે. સરકાર અને પોલીસને ધન્યવાદ કે તેઓએ આવા મૌલવીને પકડ્યા છે. મૌલવીને પોતાની ભાષા ઉપર કંટ્રોલ હોવો જોઈએ.” મોહનદાસ મહારાજે વધુમાં કહ્યું કે, મુફ્તી સલમાન અઝહરીને જામીન ના મળવા જોઇએ અને આકરી સજા ફટકારવી જોઈએ.
નોંધનીય છે કે, તાજેતરમાં જૂનાગઢ પોલીસ અને ATSની ટીમ સાથે મળીને મૌલાના અઝહરી વિશેની તમામ માહિતી જોતરી રહી છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી લઈને કચ્છ શહેરમાં કરેલા ભડકાઉ ભાષણ વિશે પણ માહિતી એકઠી કરી રહી છે. સાથે મૌલાના ત્રણ ટ્રસ્ટ અને વિદેશી ફંડિંગને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. જામિયા રિયાજુલ જન્ના, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારૂલ અમાન નામના ત્રણ ટ્રસ્ટ શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ મૌલાના કોઈ આતંકી સંગઠન સાથે કનેક્શન ધરાવે છે કે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.