તમિલનાડુમાં શિવગંગા જિલ્લાના ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મૃતકનું નામ સેલ્વાકુમાર હતું અને તેઓ ભાજપના જિલ્લા સચિવ તરીકે કામ કરતા હતા. શનિવારે (27 જુલાઈ 2024) તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, તે સમયે અજાણ્યા લોકોએ તેમને ઘેરીને તેમની હત્યા કરી દીધી. ઘટનાને લઈને ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. પાર્ટીએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી હાલત પર સવાલ ઉભા કર્યા છે.
Tamil Nadu | BJP district secretary of Sivaganga, Selvakumar was brutally murdered by unknown assailants on Saturday night. SP Dongre Praveen Umesh formed special teams to nab the accused. The Sivaganga taluk police launched the investigation: Sivaganga District SP Dongre Praveen…
— ANI (@ANI) July 28, 2024
મળતી માહિતી અનુસાર તમિલનાડુમાં ભાજપના જે કાર્યકર્તાની હત્યાકરવામાં આવી છે તે જિલ્લાના સચિવ હતા. તેઓ ઈંટની ભઠ્ઠીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શનિવારે તેઓ પોતાના ઈંટના ભઠ્ઠાથી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમને ઘેરી લીધા. તેઓ કશું સમજે તે પહેલા જ હુમલાખોરોએ તેમના પર હુમલો કરી દીધો. તેમને લોહીલુહાણ કરીને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા. રસ્તા વચ્ચે લોહીથી લથપથ પડેલા સેલ્વાકુમારને જોઈ કોઈએ પોલીસને જાણ કરતા જ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ગ્રામજનો અને સમર્થકોમાં આક્રોશ
પોલીસે આવીને તરત જ ગંભીર રીતે ઘવાયેલા સેલ્વાકુમારનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ હત્યાની માહિતી મળતા જ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક ગ્રામીણોના ટોળેટોળા એકઠા થવા લાગ્યા. રસ્તાઓ ચક્કાજામ કરી દેવામાં આવ્યો, આક્રોશિત લોકો હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પ્રદર્શન કરવા લાગ્યા હતા.
પરિવાર અને ગામના લોકોએ તેમનો મૃતદેહ સ્વીકારવાની ના પાડીને ન્યાયની માંગ કરી હતી. સ્થિતિ વધુ ન વણસે તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ તમિલનાડુ ભાજપમાં પણ આ હત્યાથી રોષ જોવા મળ્યો હતો. પૂર્વ IPS અધિકારી અને રાજ્યના ભાજપ પ્રમુખ કે અન્નામલાઈએ ઘટનાની નિંદા કરીને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે તમિલનાડુને ‘હત્યાઓની રાજધાની’ કહીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડેલા પ્રશાસન પર સવાલો ઉભા કર્યા હતા.
ભાજપના DMK પર આકરા પ્રહાર
અન્નામલાઈએ પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને DMK સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે તમિલનાડુને ‘હત્યાઓની રાજધાની’ કહીને લખ્યું કે, “રાજ્યમાં ગુનેગારોને સરકાર કે પછી પોલીસનો કોઈ જ ડર નથી. પોલીસ જેમના કંટ્રોલમાં છે, તે મુખ્યમંત્રી માત્ર એક નાટક ચલાવી રહ્યા છે.” આ પોસ્ટમાં તેમણે સીએમ એમકે સ્ટાલિનને આત્મચિંતન કરવા કહ્યું હતું અને પોતાને જ પ્રશ્ન પૂછવા કહ્યું હતું કે શું તેઓ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેવા માટે લાયકાત ધરાવે છે કે કેમ. સાથે જ તેમણે મૃતક ભાજપ કાર્યકર્તાના પરિવારને આશ્વાસન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમની સાથે છે અને દરેક રીતે મદદરૂપ થશે.
சிவகங்கை @BJP4Tamilnadu கூட்டுறவு பிரிவு மாவட்டச் செயலாளர் சகோதரர் திரு.செல்வகுமார் அவர்கள், நேற்று இரவு, சமூக விரோதிகளால் வெட்டிக் கொலை செய்யப்பட்டுள்ளார் என்ற செய்தி மிகுந்த அதிர்ச்சி அளிக்கிறது. அவரைப் பிரிந்து வாடும் அவரது குடும்பத்தினருக்கு, ஆழ்ந்த இரங்கல்களைத் தெரிவித்துக்… pic.twitter.com/MKs6ijnaoy
— K.Annamalai (@annamalai_k) July 28, 2024
ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં ટૂંકા ગાળામાં આ બીજી રાજકીય નેતાની હત્યા છે. આ પહેલા ચેન્નઈમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) અધ્યક્ષની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકનું નામ કે. આર્મસ્ટ્રોંગ હતું. તેમના ઘર પાસે જ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વાર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિની હત્યા ચિંતામાં વધારો કરનારી છે. બીજી તરફ સ્થાનિક સાંસદ સભ્ય કાર્તી ચિદમ્બરમે તાજી ઘટનામાં કોઈ રાજકીય એન્ગલ ન હોવાની કહીને પ્રતિક્રિયા આપી હતી.