ખેડા જિલ્લાના નડિયાદથી ખુબ ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ નડિયાદ અને ગોઠાજ રેલવે સ્ટેશન વચ્ચે આવેલાં રેલવે ટ્રેક પર અસામાજિક તત્વો દ્વારા મોટા પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.
અહેવાલો પ્રમાણે રવિવારે (17 ડિસેમ્બર 2023) નડિયાદ અને ગોઠાજ વચ્ચેના રેલવે ટ્રેક પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા 5થી 6 કિલો વજનના પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. આવું કરવા પાછળનો ઈરાદો ટ્રેક પર આવતી ટ્રેનને ઉથલાવી દેવાનો હતો. પરંતુ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેન સાથે આ પથ્થરો અથડાતા પથ્થરો ખસી ગયા હતા. જેથી દુર્ઘટના ટળી ગઈ હતી. પથ્થરો મુકેલાં ટ્રેક પર પસાર થતી ગુડ્સ ટ્રેનના લોકો પાયલટને ટ્રેન સાથે કૈક અથડાયું હોવાનો આભાસ થતા જ તેણે મહેમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આ વિષયે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવેના વડોદરા ડિવીઝનના સેક્શન ઈજનેર નવીનકુમાર ગુલાબચંદ રંજન સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ નડિયાદ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ઘટના બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જે રેલવે ટ્રેક પર પથ્થરો મુકવામાં આવ્યા હતા એ અમદાવાદ અને મુંબઈને જોડતો મેઈન ટ્રેક છે. ઘટનાની ગંભીરતાને જોતા જો અકસ્માત થયો હોત તો ખુબ મોટું નુકશાન થવા પામ્યું હોત. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. હાલ ટ્રેક પર પથ્થર મુકનારા અજાણ્યા ઇસમોને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પહેલાં વંદે ભારત પર થયો હતો પથ્થરમારો, ટ્રેનમાં હાજર હતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી
આ પહેલા 7 ડિસેમ્બર, 2023ના રોજ રાજકોટના બિલેશ્વર સ્ટેશન નજીક રાત્રિના 9 વાગ્યાની આસપાસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારની ઘટના ઘટી હતી. નોંધનીય છે કે આ ટ્રેનમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. અજાણ્યા ઈસમોએ ટ્રેનના C-4 અને C-5 કોચ પર પથ્થર ફેંક્યા હતા, જેના કારણે કાચને નુકસાન પહોંચ્યું હતું. જોકે, કોઈને જાનહાનિ થઈ નથી. જે પછી રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમે આ મામલાની તપાસ શરૂ કરી હતી.