Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતજેમાં હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તે અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન પર...

    જેમાં હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, તે અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન પર રાજકોટ નજીક પથ્થરમારો: હમણાં સુધીની આવી સાતમી ઘટના, તપાસ શરૂ

    રાજકોટ રેલવે મંડળના સુરક્ષા કમિશ્નર પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રાત્રે રાજકોટથી 4 કિલોમીટર દૂર આવેલા બિલેશ્વર નજીક આ ઘટના બની હતી. ઘટનામાં માત્ર 2 કોચના કાચમાં તિરાડ પડી છે, તે સિવાય કોઇ નુકસાન કે જાનહાનિ થઈ નથી.

    - Advertisement -

    ભારતની પ્રથમ સ્વદેશી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર અગાઉ પણ પથ્થરમારો કરવાના બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. અમદાવાદથી જામનગર જતી વંદે ભારત એક્સપ્રેસ પર રાજકોટ નજીક પથ્થરમારો થયો હતો. આ વખતે વધુ ગંભીર બાબત એટલા માટે છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. RPFએ આ મામલે તપાસ શરૂ કરી છે. 

    આ ઘટના ગુરૂવારે (7 ડિસેમ્બર, 2023) રાજકોટના બિલેશ્વર સ્ટેશન નજીક રાત્રિના 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ ટ્રેનમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ પ્રવાસ કરી રહ્યા હતા. અજાણ્યા ઈસમોએ ટ્રેનના C-4 અને C-5 કોચ પર પથ્થર ફેંક્યા હતા, જેના કારણે કાચને નુકસાન પહોંચ્યું હતું. જોકે, કોઈને જાનહાનિ થઈ નથી. હાલ રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે.

    રાજકોટ રેલવે મંડળના સુરક્ષા કમિશ્નર પવનકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રાત્રે રાજકોટથી 4 કિલોમીટર દૂર આવેલા બિલેશ્વર નજીક આ ઘટના બની હતી. ઘટનામાં માત્ર 2 કોચના કાચમાં તિરાડ પડી છે, તે સિવાય કોઇ નુકસાન કે જાનહાનિ થઈ નથી. હાલ જુદી-જુદી ટીમો બનાવીને આ મામલે તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. 

    - Advertisement -

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ વિસ્તારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ આવેલી છે અને ઘણી વખત ત્યાંનાં બાળકો પથ્થરો ફેંકતાં હોય છે, જેને લઈને જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. જોકે, તાજેતરની ઘટનામાં કોઇ બાળકો સામેલ છે કે અન્ય કોઇ ઇસમો તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશન નજીક અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ સાચી હકીકત સામે આવી શકશે.” 

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અવારનવાર વંદે ભારત ટ્રેનથી મુસાફરી કરતા રહેતા હોય છે. ગુરૂવારે પણ તેઓ અમદાવાદથી રાજકોટ આ ટ્રેનમાં જ ગયા હતા. તેમણે X પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પોતે અમદાવાદથી રાજકોટ વંદે ભારતમાં મુસાફરી કરશે. તેઓ E1 કોચમાં હતા. પથ્થરમારો થયો તે C કેટેગરીના કોચ પર થયો છે. નોંધવું જોઈએ કે વંદે ભારતમાં ચેરકાર (CC) અને એક્ઝિક્યુટિવ ક્લાસ (EC) એમ બે પ્રકારના કોચ આવે છે. 

    આ પહેલાં પણ બની ચૂકી છે વંદે ભારત પર પથ્થરમારાની ઘટનાઓ

    નોંધનીય છે કે આ પહેલાં પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ બનવા પામી છે. દેશની અલગ-અલગ જગ્યાઓ પર આવી ઘટનાઓ ઘટી છે. 18 જૂન 2023ના રોજ દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠ-મુઝફ્ફરનગર વચ્ચે નારા જડોદા રેલવે સ્ટેશન પરથી પસાર થતી વખતે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું. ટ્રેનમાં બેસેલા કેટલાક મુસાફરોએ તેનો વિડીયો પણ બનાવ્યો હતો.

    2023ના ચાલુ વર્ષમાં આ સાતમી ઘટના એવી છે જેમાં ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પહેલાં કર્ણાટકના ધારવાડથી બેંગ્લોર સુધી દોડતી વંદે ભારત એક્સપ્રેસ પર દેવનાગરી રેલવે સ્ટેશન પાસે પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે ટ્રેનના એક કોચની બારીને નુકસાન થયું હતું. જોકે, મજબૂત બનાવટના કારણે કાચને વધુ નુકસાન થયું ન હતું અને જેના કારણે કોઈ મુસાફરને ગંભીર ઇજા પણ થઇ ન હતી. ટ્રેન સાંજે 3:30થી 4:00 વાગ્યાની વચ્ચે દેવનાગરીથી ઉપડી હતી, ત્યારબાદ આ ઘટના બની હતી. 

    આવી જ એક બીજી ઘટના બંગાળમાં પણ ઘટી હતી. 11 માર્ચ 2023ના રોજ મુર્શિદાબાદ જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ઘટના સમયે ટ્રેન ન્યૂ જલપાઈગુડી થઈને હાવડા આવી રહી હતી ત્યારે ફરક્કા બ્રિજ પાસે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના C31 કોચના કાચને નુકસાન થયું હતું.

    ટ્રેનના નુકશાન બદલ થઇ શકે છે ગંભીર સજા

    રેલ્વેતંત્રના કાયદા મુજબ ટ્રેન પર પથ્થરમારો કરવો તે અપરાધ છે. આ ગુનો કરનાર ઉપર રેલવે એક્ટની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પાંચ વર્ષની સજા થઇ શકે છે. અત્યાર સુધી થયેલા હુમલાઓમાં 39 જેટલા દોષીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં