Friday, November 15, 2024
More
    Home Blog Page 1025

    બિહારમાં નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું: ભાડાના ગેસ્ટહાઉસમાં મહિલા ઇન્સ્પેકટર સહિત 500 રૂપિયા રોજ ઉપર હતા નકલી પોલીસ જવાનો, વિસ્તારમાંથી ઉઘરાવતા હતા હપ્તા

    બિહારમાં નકલી પોલીસ સ્ટેશન ઝડપાયું હોવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. બિહારના બાંકા જીલ્લામાં એક ગેસ્ટ હાઉસમાં આ નકલી પોલીસ સ્ટેશન ધમધમી રહ્યું હતું. અહેવાલો અનુસાર આ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલથી માંડીને ડીએસપી સ્તરના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકટરના હોદ્દા ઉપર એક યુવતી પણ ફરજ ઉપર હાજર હતી. બિહારના નકલી પોલીસ સ્ટેશનમાં 500 રૂપિયાની હાજરી ઉપર નકલી પોલીસ જવાન પણ ફરજ બજાવતા હતા.

    આ નકલી પોલીસ સ્ટેશનના નકલી પોલીસકર્મીઓ ગામના ભોળા અને ગરીબ લોકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયાની ઉચાપત કરતા હતા. આ સાથે પોલીસ વિભાગમાં નોકરી અપાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની વાત પણ સામે આવી છે. દરમિયાન (અસલી) પોલીસે 2 મહિલા સહિત કુલ 4 લોકોની અટકાયત કરી છે. પોલીસે બુધવારે (17 ઓગસ્ટ 2022) આ નકલી પોલીસ સ્ટેશન પર કાર્યવાહી કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંકાના અનુરાગ ગેસ્ટ હાઉસમાં લગભગ 8 મહિનાથી નકલી પોલીસ સ્ટેશન ચાલી રહ્યું હતું. આ નેટવર્કનો મુખ્ય સુત્રધાર ભોલા યાદવ નામનો ઈસમ જણાવવામાં આવી રહ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓ શરૂઆતમાં દાવો કરી રહ્યા હતા કે તેમને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા.

    આ ઘટના બાબતે બાંકા એસપી ડૉ. સત્યપ્રકાશે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ મહિલા પોલીસ યુનિફોર્મમાં જોવા મળી હતી. જ્યારે તેને પૂછપરછ માટે રોકવામાં આવી ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાની ધરપકડ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે આરોપીઓએ ‘સ્કોટ પોલીસ ટીમ પટના’ નામનું ટ્રસ્ટ બનાવ્યું હતું. તેના દ્વારા પોલીસમાં ભરતી કરાવવાનું કામ ચાલતું હતું.

    પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પાસેથી બિહાર પોલીસના બેજવાળા બે યુનિફોર્મ, ચોકીદારના બેજ સાથેનો એક યુનિફોર્મ અને એક પિસ્તોલ મળી આવી છે. ધરપકડ કરાયેલ મહિલા આરોપીઓના નામ અનિતા કુમારી અને જુલી કુમારી છે. અનિતા કુમારી પાસેથી કટ્ટા (દેશી બંદુક) મળી આવ્યા હતા. જુલી કુમારીની નકલી પોલીસ સ્ટેશનમાં ક્લાર્ક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા અન્ય 2 આરોપીઓના નામ રમેશ કુમાર અને આકાશ કુમાર છે. જ્યારે મુખ્ય આરોપી ભોલા યાદવ ફરાર છે.

    જ્યાં નકલી પોલીસ સ્ટેશન ચાલતું હતું તે અનુરાગ ગેસ્ટ હાઉસના સંચાલક રોહિત કુમાર મંડલે જણાવ્યું હતું કે અહીં લગભગ અઢી વર્ષથી 5 લોકો રહે છે. તેઓ અઢીથી ત્રણ હજારની વચ્ચે ભાડાની ચૂકવણી કરતા હતા. અનુરાગના કહેવા પ્રમાણે તે તમામે પોતાનું ઓળખપત્ર પણ જમા કરાવ્યું હતું. તેઓએ પોતાને કોન્ટ્રાક્ટર ગણાવી ઓફિસનું કામ કરાવવાના નામે ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે લીધો હતો.

    દક્ષિણની ફિલ્મ કેજીએફે એક દિવસમાં જેટલી કમાણી કરી હતી, તેટલી આમિર ખાનની ફિલ્મ સાત દિવસે પણ ન કરી શકી: 60 કરોડ સુધી પહોંચવાનાં પણ ફાંફાં

    આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ રિલીઝ થયાને એક અઠવાડિયું થઇ ગયું છે, પરંતુ દરરોજ ફિલ્મની કમાણી ઘટતી જાય છે અને અત્યાર સુધીમાં ફિલ્મ માત્ર પચાસ કરોડની કમાણી કરી શકી છે. જેની સામે થોડા મહિનાઓ પહેલાં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ કેજીએફ-ચેપ્ટર 2ના હિંદી વર્ઝને માત્ર પહેલા જ દિવસે 54 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા. 

    આમિર ખાન અને કરીના કપૂર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ 11 ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ રિલીઝ થઇ હતી. જોકે, રક્ષાબંધનના દિવસે રિલીઝ થયા છતાં પણ ફિલ્મ માત્ર 10-12 કરોડની કમાણી કરી શકી હતી. જોકે, તે બાદ સતત ફિલ્મનું પ્રદર્શન નબળું થતું રહ્યું અને કમાણી ઘટતી રહી હતી અને ફિલ્મને પચાસ કરોડનો આંકડો પાર કરવામાં સાત દિવસ લાગ્યા છે. બુધવારે આગલા દિવસ કરતાં ફિલ્મની કમાણીમાં 35 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

    બુધવારે લાલ સિંઘ ચઢ્ઢાએ બૉક્સ ઓફિસ પર માત્ર દોઢ કરોડની કમાણી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, જે રીતે ફિલ્મનું કલેક્શન સતત ઘટી રહ્યું છે તેને જોતાં અનુમાન છે કે હવે વધુ ખાસ કમાણી થશે નહીં અને જલ્દીથી જ ફિલ્મ બહાર થઇ જશે. જોકે, અગાઉ ટ્રેડ એનાલિસ્ટસ્ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ફિલ્મ 100 કરોડ સુધી પહોંચી શકશે નહીં. પરંતુ જે રીતે સતત કલેક્શન ઘટી રહ્યું છે તેને જોતાં હવે એનાલિસ્ટસ્ માની રહ્યા છે કે ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન જ 60 કરોડ પર જ અટકી જશે.

    બીજી તરફ, ગત એપ્રિલ મહિનામાં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર-2ના હિન્દી વર્ઝને પહેલા જ દિવસે 54 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન 1250 કરોડ રૂપિયા થયું હતું. બીજી તરફ, આમિર ખાનની ફિલ્મ સાત દિવસે પણ આ આંકડો પાર કરી શકી નથી. 

    બૉલીવુડ ફિલ્મોના સતત થતા નબળા પ્રદર્શન મામલે બચાવ કરવા માટે બૉલીવુડ અભિનેતાઓ અને નિર્માતાઓ ઠીકરું GST પર ફોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકો પાસે ફિલ્મ જોવા માટે પૈસા જ નથી. જોકે, બીજી તરફ દક્ષિણ ભારતની ફિલ્મો આખા દેશમાં કરોડોની કમાણી કરી રહી છે. KGF ઉપરાંત દક્ષિણની ફિલ્મ RRR પણ સુપરહિટ સાબિત થઇ હતી અને ફિલ્મે 1100થી 1200 કરોડની કમાણી કરી હતી. 

    આમિર ખાન અભિનીત ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ વર્ષ 1994માં આવેલી વિદેશી ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રીમેક છે. ફિલ્મ રિલીઝ થઇ તે પહેલાં જ આમિર ખાનની જૂની કરતૂતોના કારણે સોશિયલ મીડિયા પર બહિષ્કાર શરૂ થઇ ગયો હતો. જે ફિલ્મ રિલીઝ થયા બાદ ગ્રાઉન્ડ પર પણ જોવા મળ્યો અને ફિલ્મ સુપર ફ્લૉપ ગઈ છે. 

    થાઈલેન્ડમાં કોમી હિંસા: મુસ્લિમ અલગાવવાદીઓએ આગચંપી અને બોમ્બ વિસ્ફોટ કર્યા, હુમલાખોરોએ 17 સ્થાને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા

    થાઈલેન્ડના સુદૂર દક્ષિણના પ્રાંતોમાં મુસ્લિમ અલગાવવાદીઓ દ્વારા મોટા પાયે હિંસક ઘટનાઓને અંજામ અપાયો હતો. બૌદ્ધ બહુમતી ધરાવતા દેશમાં મંગળવારની રાત સુધી આગચંપી અને બોમ્બ ધડાકા ચાલુ રહ્યા હતા. સેનાના પ્રવક્તા પ્રમોતે પ્રોમિને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે પટ્ટની, નરાથીવાટ અને યાલા પ્રાંતમાં ઓછામાં ઓછા 17 હુમલા થયા હતા.

    આ ઘટનાઓમાં ત્રણ નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

    જેહાદી આંદોલનો સાથે જોડાયેલા છે તાર

    આ હુમલા મુસ્લિમ અલગાવવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. હુમલાખોરોએ પેટ્રોલ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. આ મુસ્લિમ બળવાખોરો રાજ્યોમાં સ્વાયત્તતાથી લઈને સ્વતંત્રતા સુધીની માંગ કરી રહ્યા છે. આ લોકો ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા અન્ય દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં ચાલી રહેલી જેહાદી હિલચાલ સાથે પણ સંકળાયેલા છે.

    બૌદ્ધ બહુમતી ધરાવતું થાઈલેન્ડ લગભગ બે દાયકાથી મુસ્લિમ અલગાવવાદીઓની હિંસાનો સામનો કરી રહ્યું છે. 2004માં ત્રણ પ્રાંતોમાં બળવો શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 7,300થી વધુ લોકો માર્યા ગયા છે. 2013માં શરૂ થયેલી શાંતિ વાટાઘાટોમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડ્યો છે.

    PULO એ હુમલાના આરોપોને નકારે છે

    આ વર્ષની શરૂઆતમાં, થાઈ સરકારે રોગચાળાને કારણે બે વર્ષના વિરામ પછી, મુખ્ય મુસ્લિમ બળવાખોર જૂથ, બારિસન રિવોલુસી નેશનલ સાથે ફરીથી ચર્ચા શરૂ કર્યા પછી બુધવારે ફરીથી હુમલાઓ નોંધવામાં આવ્યા હતા.

    પટણી યુનાઈટેડ લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PULO), જે મંત્રણાના તાજેતરના રાઉન્ડ દ્વારા બાકાત રાખવામાં આવી હતી. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન તેણે બોમ્બ ધડાકા કર્યા હતા. સંગઠને દાવો કર્યો છે કે સંવાદ સમાવિષ્ટ નથી. સરકારે કહ્યું છે કે તે તમામ જૂથો સાથે વાત કરવા તૈયાર છે. સંસ્થાના નેતા કસ્તુરી મખોટાએ બુધવારે રોઇટર્સને જણાવ્યું હતું કે હુમલાને પુલો સાથે કોઈ લેવાદેવા નથી.

    આમ આદમી પાર્ટી અને તેના નેતાઓના પેજ એડમીન નીકળ્યા કતાર, યુએસ અને લિથુઆનિયાના: વિવાદ બહાર આવ્યા બાદ તેમને હટાવવામાં આવ્યા

    17 ઓગસ્ટના રોજ, એવું બહાર આવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓના ફેસબુક પેજને માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, કતાર અને લિથુઆનિયાના એડમિન્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. મીડિયા હાઉસ ધ ઈન્ડિયન અફેર્સે તેના ખુલાસામાં જણાવ્યું હતું કે કેવી રીતે આમ આદમી પાર્ટી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, આપ નેતા આતિશી માર્લેના, આપ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને અન્યના સત્તાવાર ફેસબુક પેજ પર યુએસ, કતાર અને લિથુઆનિયામાં રહેતા એડમિન હતા. આ ખુલાસા બાદ આપ દ્વારા તરત જ વિદેશી પેજ એડમિન્સ હટાવી દેવામાં આવ્યા હતા.

    AAP અને તેના નેતાઓના સત્તાવાર ફેસબુક પૃષ્ઠોની તપાસ દરમિયાન, ભારતીય બાબતોની ટીમે કેટલીક ચોંકાવનારી શોધ કરી. એવું બહાર આવ્યું છે કે AAPના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર ફેસબુક પેજ પર ભારતના 26 એડમિન હતા, એક યુનાઇટેડ સ્ટેટ્સનો અને એક કતારનો હતો. હવે ભારતમાંથી માત્ર 10 એડમિન પેજનું સંચાલન કરે છે. કતાર અને યુએસ સહિત બાકીના તમામને ભારતના 16 સાથે દૂર કરવામાં આવ્યા છે.

    ફેસબુક પરથી સ્ક્રીનશોટ

    આમ આદમી પાર્ટીના ફેસબુક પેજના કિસ્સામાં, તે ભારતના 34 એડમિન અને લિથુઆનિયાના એક એડમિન દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું.

    આ ખુલાસા બાદ હવે ભારતમાંથી માત્ર 13 એડમિન પાર્ટીનું પેજ ઓપરેટ કરે છે. વિદેશી પેજ એડમિન્સ સાથે અન્યોને પણ દૂર કરાયા છે.

    OpIndia દ્વારા 17 ઓગસ્ટના રોજ સાંજે 6:30 PM પર લેવાયેલ તાજેતરનો સ્ક્રીનશોટ. સ્ત્રોત: ફેસબુક

    રાઘવ ચઢ્ઢાના કેસમાં ભારતના ચાર એડમિન અને એક અમેરિકાનો હતો. રસપ્રદ વાત એ છે કે હાલની સ્થિતિ મુજબ તેમના પેજમાંથી એક ભારતીય એડમીનને જ દૂર કરાયો છે.

    ફોટો: ફેસબુક

    આતિશીના પેજના એડમિન વિભાગમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, અમન અરોરાના કિસ્સામાં, કેનેડાના એડમિનને દૂર કરવામાં આવ્યો હતો.

    ફોટો: ફેસબુક

    તે સમજી શકાય તેવું છે કે AAP નેતાઓના વિદેશી દેશોમાં સમર્થકો છે અને તેઓ પૃષ્ઠને સંચાલિત કરવામાં મદદ કરી શકે છે. જો કે, ધ ઇન્ડિયન અફેર્સ દ્વારા ખુલાસો કર્યા પછી તરત જ પાર્ટીના નેતાઓએ તે એડમિન્સને હટાવી દીધા હતા. આમ આદમની પાર્ટીની આ કાર્યવાહીએ શંકા ઉપજાવવા જેવું કામ કર્યું છે.

    ભારત 5G રોલઆઉટ માટે તૈયાર: ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેક્ટ્રમ અસાઈનમેન્ટ લેટર જારી કર્યા, લૉન્ચિંગ માટેની તૈયારી કરવા નિર્દેશ

    ભારત સરકાર દેશમાં 5G રોલઆઉટ માટે તૈયાર છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ “કૂ” પર જઈને માહિતી આપી હતી કે 5G સ્પેક્ટ્રમ અસાઈનમેન્ટ લેટર્સ જારી કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે સર્વિસ પ્રોવાઈડર્સને લૉન્ચની તૈયારીઓ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

    સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 5Gની રાહ હવે પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સેવાઓ શરૂ કરવામાં આવશે. લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં ભારતના દરેક ગામ ડિજિટલ રીતે કનેક્ટ થઈ જશે. કેટલાક મીડિયા અહેવાલોએ પણ સૂચવ્યું હતું કે પીએમ મોદી આ વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (આઈએમસી) દરમિયાન સત્તાવાર રીતે 5G સેવાઓ શરૂ કરાવશે.

    સરકારે જિયો, એરટેલ, અદાણી જૂથ અને વોડાફોન આઈડિયાને 5જી સ્પેક્ટ્રમ અસાઈમેન્ટ લેટર જારી કરી દીધા છે. અપેક્ષા છે કે ભારતી એરટેલ આ મહિનાના અંત સુધીમાં 5G સ્પેક્ટ્રમનું રોલઆઉટ શરૂ કરશે અને માર્ચ 2024 સુધીમાં તમામ નગરો અને મુખ્ય ગ્રામીણ વિસ્તારોને આવરી લેશે. Jio પણ 5G ટેલિકોમ ઉપકરણોની ટ્રાયલ પૂર્ણ થયા પછી ટોચના 1000 શહેરોમાં 5G કવરેજનું આયોજન કરી રહ્યું છે.

    એરટેલની 5G સેવા આ મહિનેજ શરૂ થશે

    મળતી માહિતી મુજબ ભારતી એરટેલે પહેલેથી જ 5G સેવા ટૂંક સમયમાં શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ માટે એરટેલે EMDને 8,312.4 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે. આ પૈસા એરટેલ દ્વારા ચાર વર્ષના હપ્તાના એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં આવ્યા છે. તો બીજી તરફ રિલાયન્સ જિયો (RJio) એ 7864 કરોડ રૂપિયા, વોડાફોન આઈડિયાએ 1679 કરોડ અને અદાણી ડેટા નેટવર્ક્સ (Adani Data)એ 18 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

    કેટલી હશે પ્લાનનો કિંમત?

    અહેવાલો મુજબ Vodafone Idea તરફથી 5G સેવાની લૉન્ચ તારીખ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ કંપનીએ આ યોજના અંગે જણાવતાં કહ્યું હતું કે ગ્રાહકોએ 5G સેવા માટે પ્રીમિયમ કિંમત ચૂકવવી પડશે. તેનું કારણ એ છે કે કંપનીએ સ્પેક્ટ્રમની હરાજીમાં ઘણા પૈસા ખર્ચ્યા છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે 5G સ્પેક્ટ્રમ પર આધારિત સેવા શરૂ થવાથી સ્પીડ 4G કરતા 10 ગણી ઝડપી થશે.

    ‘સલમાન રશ્દીએ કર્યું હતું ઇસ્લામનું અપમાન’: લેખક પર હુમલો કરનારે કહ્યું- તેઓ જીવિત છે તે જાણીએ આશ્ચર્ય થાય છે, ઈરાનના અયોતુલ્લાહની પણ પ્રશંસા કરી

    ગત સપ્તાહે અમેરિકાના ન્યૂયોર્કમાં લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર હાદી મતારે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં સલમાન રશ્દીને ઇસ્લામ અને તેની પરંપરાઓ ઉપર હુમલો કરાવનારા ગણાવ્યા હતા. ઉપરાંત, તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન ઈરાનના પૂર્વ નેતા અયોતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીની પ્રશંસા કરી હતી અને તેમને ‘મહાન વ્યક્તિ’ ગણાવ્યા હતા. 

    ઇન્ટરવ્યૂ 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત થયો હતો. ઇન્ટરવ્યૂમાં મતારે વાતચીત કરતાં કહ્યું હતું કે તેણે ક્યારેય લેખક સલમાન રશ્દીને સારા વ્યક્તિ માન્યા નથી. તેણે કહ્યું, “તેમણે ઇસ્લામ પર હુમલો કર્યો છે, તેમની માન્યતાઓ પર હુમલો કર્યો છે.” તેમની ઉપર ચપ્પુથી હુમલો કર્યાનું સ્વીકારીને તેણે કહ્યું કે, રશ્દી જીવિત છે તે જાણીને મને આશ્ચર્ય થાય છે. તેણે કહ્યું, “મને જ્યારે જાણવા મળ્યું કે તેઓ બચી ગયા છે ત્યારે મને આશ્ચર્ય થયું હતું.”

    ઈરાનના પૂર્વ નેતા અયોતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીની પ્રશંસા કરતાં હાદી મતાર કહે છે કે, “હું તેમનો આદર કરું છું. મને લાગે છે કે તેઓ એક મહાન વ્યક્તિ છે. હું સલમાન રશ્દીને પસંદ કરતો નથી. તેમણે ઇસ્લામ અને તેની માન્યતાઓ, પ્રણાલીઓ પર હુમલો કર્યો છે.” તેણે એમ પણ જણાવ્યું હતું કે તેણે અગાઉ રશ્દીના કેટલાક વિડીયો જોયા હતા. તેણે કહ્યું, “મેં ઘણા લેક્ચર્સ જોયા હતા. મને આવા કપટી માણસો પસંદ નથી.”

    મતારે રશ્દીના પુસ્તક ‘ધ સેટેનિક વર્સીઝ’નો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે લેખકે ઇસ્લામનું અપમાન કર્યું છે.  તેણે જણાવ્યું કે તેણે પુસ્તક આખું વાંચ્યું નથી પરંતુ થોડાંક પાનાં વાંચ્યાં હતાં.

    હુમલાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે, 13 ઓગસ્ટના રોજ તે બસ મારફતે ન્યૂયોર્ક પહોંચ્યો હતો અને કાર્યક્રમના સ્થળે જવા માટે ટેક્સી લીધી હતી. તેણે કહ્યું, “હું ઘણા સમય સુધી આસપર્સ ફરતો રહ્યો. કશું કર્યા વગર માત્ર ફર્યા કર્યું હતું.” 

    રિપોર્ટ્સ  અનુસાર, સલમાન રશ્દી પર હુમલો કર્યા બાદ ધરપકડ થયા બાદથી જ મતારને જેલમાં રાખવામાં આવ્યો છે. જોકે, તેણે જેલમાં આપવામાં આવતા ભોજન અંગે ફરિયાદ કરી છે. તેણે કહ્યું કે, તેને આપવામાં આવતું મોટાભાગનું ભોજન તેના ધર્મમાં વર્જિત છે. 

    આ પહેલાં 15 ઓગસ્ટના રોજ ઈરાની મીડિયાએ હુમલાને ‘ઈશ્વરીય પ્રતિકાર’ ગણાવ્યો હતો. રશ્દી તેમની એક આંખ ગુમાવી શકે તે બાબતના મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં ઈરાનના સ્ટેટ એમ્બેસેડર જામ-એ-જામેં કહ્યું હતું કે, “શૈતાનની એક આંખ આંધળી થઇ ગઈ છે. ઉપરાંત, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાની તહેરાને હુમલા માટે રશ્દીને જવાબદાર ઠેરવીને કહ્યું હતું કે, તેઓ આ હુમલામાં સલમાન રશ્દી અને તેમના સમર્થકો સિવાય કોઈને પણ દોષ આપવામાં માનતા નથી. તેમણે કહ્યું કે, “ઇસ્લામની પવિત્ર બાબતોનું અપમાન કરીને અને દોઢ અબજથી વધુ મુસ્લિમોની રેડ લાઈન ઓળંગીને સલમાન રશ્દીએ લોકો સમક્ષ પોતાને ઉજાગર કરી દીધા હતા.”

    નોંધવું જોઈએ કે વર્ષ 1989માં ઈરાનના ખુમૈનીએ રશ્દીની હત્યા માટે ફતવો જારી કર્યો હતો. જે બાદ ભારતીય મૂળના લેખકની હત્યા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જે બાદ ગત શુક્રવારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં તેની ઉપર હાદી મતાર નામના એક 24 વર્ષીય ઈસમે તેમની ઉપર હુમલો કરી દીધો હતો. 

    પાકિસ્તાનના ફૈસલાબાદમાં મિત્રના પિતા સાથે લગ્ન કરવાની ના પાડવા બદલ છોકરીને પગરખાં ચાટવા મજબૂર કરાઈ, વાળ કાપીને ભ્રમરો મૂંડાવી

    પાકિસ્તાનના ફૈસલાબાદમાં એક ભયાનક ઘટનામાં, એક યુવતીને તેના મિત્રના પિતા એવા વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ના પાડવા બદલ ત્રાસઆપીને, અપમાનિત કરીને અને જાતીય સતામણી કરવામાં આવી હતી.

    9 ઓગસ્ટના રોજ થયેલા દુર્વ્યવહારનો વીડિયો બુધવારે સવારે સામે આવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં યુવતીને ટોર્ચર થતી જોઈ શકાય છે જ્યારે બેકગ્રાઉન્ડમાં એક મહિલાનો અવાજ સંભળાય છે.

    પાકિસ્તાનના ફૈસલાબાદમાં ગુનેગારોએ પીડિતાને પગરખાં ચાટવા મજબુર કરી હતી, તેના વાળ કાપી નાખ્યા અને તેની ભમર મુંડાવી હતી.

    પીડિતાએ કહ્યું કે તેના મિત્રના પિતા, એક કારખાનાના માલિક, તેને તેની સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેણે ના પાડી, ત્યારે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, તેને હેરાન કરવામાં આવી હતી અને ફિલ્માંકન કરવામાં આવ્યુંહતુ. તેણે કહ્યું કે તેના મિત્રએ પણ તેને પ્રસ્તાવ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યાના, જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યા છે.

    આ બાબતની નોંધ લઈને, પોલીસે કેસ નોંધ્યો અને મુખ્ય શંકાસ્પદ (તેના મિત્રના પિતા) અને ઘરની એક મહિલા કર્મચારી સહિત છ લોકોની ધરપકડ કરી હતી.

    શકમંદોને કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા શકમંદોમાં મુખ્ય શંકાસ્પદની પત્નીનો પણ સમાવેશ થાય છે, જે કથિત રીતે વીડિયોમાં અવાજની પાછળની મહિલા છે.

    બાદમાં, મુખ્ય શંકાસ્પદ વ્યક્તિ વિરુદ્ધ ફૈસલાબાદના ખુરિયાંવાલા પોલીસ સ્ટેશનમાં એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ઘરમાંથી દારૂ અને હથિયારો મળી આવ્યા હતા.

    પાકિસ્તાનમાં મહિલાઓ સામેની હિંસાના અન્ય એક કિસ્સામાં, એક પ્રભાવશાળી ઉદ્યોગપતિએ ઓછામાં ઓછા પાંચ અન્ય પુરુષો સાથે કથિત રીતે ફૈસલાબાદમાં તબીબી વિદ્યાર્થીનું અપહરણ, ત્રાસ અને જાતીય હુમલો કર્યો હતો.

    સુરત: ઘરે ટ્યુશન આપવા જતા આસિફ સરસવાલાએ 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યાં, સાઈડ હગ કરી છેડતી કરી: ધરપકડ

    સુરત શહેરના ભટાર વિસ્તારમાં ઘરે ટ્યુશન આપવા જતા એક ઈસમની 14 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ મોહમ્મદ આસિફ સમીમ સરસવાલા (ઉં.વ 39, રહે. સુરત) તરીકે થઇ છે. તે તરૂણીને ટ્યુશન આપવા માટે તેના ઘરે જતો હતો. ગત 15 ઓગસ્ટના રોજ તેણે યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવી, સાઈડ હગ કરી છેડતી કરી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસિફ તરૂણી અને તેના ભાઈને ટ્યુશન આપવા માટે તેમના ઘરે જતો હતો. પરંતુ તાજેતરમાં જ છોકરો તેના મામાના ઘરે ગયો હોવાના કારણે આસિફ 9મા ધોરણમાં અભ્યાસ કરતી તરૂણીને રૂમમાં લઇ ગયો હતો અને તેની સાથે અડપલાં કર્યાં હતાં. ટ્યુશન પૂરું કરીને તેના ગયા બાદ પુત્રીએ આ બાબતની જાણ તેની માતાને કરી હતી. 

    સુરતના ભટાર વિસ્તારમાં રહેતા એક બેન્ક કર્મચારીના પુત્ર અને પુત્રીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયોનું ટ્યુશન આપવા માટે આસિફ સરસવાલા તેમના ઘરે જતો હતો. દરમ્યાન, ગત 15 ઓગસ્ટના રોજ તરૂણીનો ભાઈ મામાના ઘરે ગયો હોવાથી તે એકલી જ અન્ય એક રૂમમાં આસિફ સાથે અભ્યાસ માટે બેઠી હતી અને તેની માતા બાજુના રૂમમાં સાફસફાઈ કરી રહી હતી. 

    ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એક કલાકનું ટ્યુશન પતાવીને આસિફ બપોરે 12 વાગ્યે જતો રહ્યો હતો. જે બાદ વિદ્યાર્થીની તેની માતા પાસે ગઈ હતી અને રડતાં-રડતાં ફરિયાદ કરી તેનો ટ્યુશન શિક્ષક બદલી નાંખવા માટે કહ્યું હતું. જે બાદ તેની માતાએ વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આસિફે તેની જાંઘના ભાગે અને ત્યારબાદ પીઠના ભાગે હાથ ફેરવી છાતી તરફ પણ હાથ લગાવવા માટે પ્રયાસ કર્યો હતો.

    તરૂણીએ તેની માતાને જણાવ્યું હતું કે તેના શિક્ષકે જતાં-જતાં ‘આજે ઘરે જવાનું મન થતું નથી’ તેમ કહીને તેને સાઈડ-હગ કરીને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. પુત્રીએ આપવીતી જણાવ્યા બાદ તેની માતા સીધી પોલીસ મથકે પહોંચી હતી અને આસિફ સરસવાલા સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ખટોદરા પોલીસે ગુનો દાખલ કરીને આસિફ સરસવાલાને પકડી લીધો હતો. 

    સુરત પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીનીની છેડતી કરનાર આરોપી આસિફ પીપલોદ ખાતેની આર્મી સ્કૂલમાં પણ શિક્ષક તરીકે નોકરી કરે છે તેમજ ત્રણ સંતાનોનો પિતા છે. હાલ આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. 

    તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડી, 15મી ઓગસ્ટે કહ્યું: ‘હું ખ્રિસ્તી છું, તિરંગાને સલામી નહી આપું’; લોકોમાં રોષ

    તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડીને, સ્વતંત્રતા દિવસના અવસરે તિરંગાના અપમાનનો મામલો સામે આવ્યો છે, ખ્રિસ્તી આચાર્ય દ્વારા તિરંગાને સલામી ન આપવાના અને રાષ્ટ્રધ્વજના અપમાનની આ ઘટનાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં ખ્રિસ્તી આચાર્યએ ધ્વજવંદન કરવાની ના પાડીને કહ્યું હતું કે “હું ખ્રિસ્તી છું, અમારા ધર્મમાં આ બધું કરવાની અનુમતિ નથી આપતો”

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના તમિલનાડુના ધર્મપુરી જિલ્લાની છે. જિલ્લાની એક સરકારી શાળાના આચાર્યએ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને ધ્વજવંદન કરવાની ના પાડી દીધી હતી. આ પાછળનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે અને તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે દેશમાં આવા લોકો પણ રહે છે.

    નોંધનીય છે કે તિરંગાને સલામી આપવાનો ઈન્કાર કરતી વખતે મહિલા ઈસાઈ પ્રિન્સિપાલે કારણ આપ્યું હતું કે તેમનો ધર્મ તેમને તેમના ધર્મમાં ગોડ સિવાય કોઈને પણ સલામ કરવાની મનાઈ કરવામાં આવી છે. આ તમામ ઘટના 15 ઓગસ્ટના રોજ શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બની હતી. સાથે જ આચાર્ય દ્વારા તિરંગો ન ફરકાવવાના કારણે મદદનીશ મુખ્ય શિક્ષક દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

    ખ્રિસ્તી પ્રિન્સિપાલે ત્રિરંગો ફરકાવવાની ના પાડી

    માહિતી એવી પણ સામે આવી રહી છે કે શાળાની મહિલા ક્રિશ્ચિયન પ્રિન્સિપાલ તમિલસેલ્વીએ આ પહેલા પણ તિરંગો ફરકાવવાની ના પાડી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ ગયા વર્ષે પણ આવી જ રીતે તિરંગો ફરકાવવાની ના પાડીને તિરંગાનું અપમાન કર્યું હતું. નોંધનીય છે કે આ મહિલા ક્રિશ્વિયન આચાર્ય આ વર્ષે સેવામાંથી નિવૃત્ત થવા જઈ રહી છે. તે જ સમયે, આ બાબતે ધર્મપુરીના મુખ્ય શિક્ષણ અધિકારી (DEO)ને ફરિયાદ કરવામાં આવી છે.

    આ કેસ સાથે જોડાયેલા એક વાયરલ વીડિયોમાં મહિલા ક્રિશ્ચિયન પ્રિન્સિપાલ પણ એવી દલીલ કરતી જોવા મળે છે કે રાષ્ટ્રધ્વજ ન લહેરાવવો કે સલામી ન કરવી તે અનાદર નથી. તેણે કહ્યું કે, “અમે ફક્ત અમારા ગોડને જ સલામ કરીએ છીએ બીજા કોઈને નહીં. અમે ધ્વજનું સન્માન કરીએ છીએ પરંતુ અમે ફક્ત ગોડને જ સલામ કરીશું. તેથી મે સહાયક મુખ્ય શિક્ષકને ધ્વજ ફરકાવવા માટે કહ્યું.”

    નવી સરકાર બન્યા બાદ નીતીશ કુમારની પાર્ટીમાં જ વિખવાદ: મહિલા મંત્રીની નિયુક્તિ મામલે પ્રશ્નો ઉઠ્યા, પાર્ટીનાં જ ધારાસભ્યે લગાવ્યા ગંભીર આરોપ

    બિહારમાં ચૂંટણીના બે વર્ષ બાદ ભાજપ સાથે ગઠબંધન તોડીને નીતીશ કુમારે જેડીયુ સાથે સરકાર બનાવી છે. નવી સરકારનું મંત્રીમંડળ પણ રચવામાં આવી ચૂક્યું છે પરંતુ હવે નીતીશ કુમારની પાર્ટીમાં જ વિખવાદ સર્જાયો છે. જેડીયુનાં એક મહિલા ધારાસભ્યે નીતીશ સરકારમાં મંત્રી લેશી સિંહ પર અનેક ગંભીર આરોપો લગાવતાં મંત્રીમંડળમાં તેમની નિયુક્તિને લઈને વિરોધ કર્યો છે. 

    જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીએ ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, “મને વાંધો એ બાબત સાથે છે કે શા માટે દર વખતે જેડીયુ ધારાસભ્ય લેસી સિંહને જ કેબિનેટમાં સ્થાન આપવામાં આવે છે. મુખ્યમંત્રી તેમનામાં શું જુએ છે? તે તેમના વિસ્તારમાં બનતી ઘટનાઓમાં સામેલ રહે છે અને પાર્ટીને પણ નુકસાન પહોંચાડે છે. શા માટે અમને સાંભળવામાં નથી આવી રહ્યાં? શું એટલા માટે કે અમે પછાત વર્ગમાંથી આવીએ છીએ?”

    જેડીયુ ધારાસભ્ય બીમા ભારતીએ ગંભીર આરોપો લગાવતાં કહ્યું હતું કે લેસી સિંહનો જે કોઈ પણ વિરોધ કરે છે તેની તેઓ હત્યા કરાવી નાંખે છે. ઉપરાંત, તેઓ પોતાની જાતિ પણ છુપાવતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. 

    મુખ્યમંત્રી નીતીશ કુમાર સમક્ષ લેશી સિંહનું રાજીનામું લઇ લેવાની અપીલ કરતાં બીમા ભરતીએ કહ્યું કે જો તેઓ તેમ નહીં કરે તો તેઓ પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે લેશી સિંહ પાર્ટીવિરોધી ગતિવિધિઓમાં સામેલ રહે છે. જે તેમનો વિરોધ કરે છે તેની તેઓ હત્યા કરાવી નાંખે છે. 

    તેમણે એમ પણ કહ્યું કે, લેસી સિંહ તેમની વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યાં છે અને મારી પુત્રીને પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હરાવી દીધી હતી. તેમણે કહ્યું કે, મને મંત્રી ન બનાવી તેનું દુઃખ નથી, પરંતુ તેમને મંત્રી બનાવવામાં આવ્યાં તેનું દુઃખ છે. પાર્ટીમાં અન્ય પણ મહિલા ધારાસભ્યો છે, તેમને મંત્રી બનાવવામાં આવવાં જોઈએ. 

    બીમા ભારતીએ કહ્યું કે તેમણે આ બાબતની રજૂઆત મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશ્વાહાને જણાવી દીધી છે. તેમણે કહ્યું કે, હું મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સમક્ષ અપીલ કરું છું કે તેઓ લેસી સિંહનું રાજીનામું લઇ લે અથવા હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. 

    બીજી તરફ, આ મામલે મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું હતું કે, “અમે તેમને (લેસી સિંહ) 2013, 14 અને ‘19માં પણ કેબિનેટમાં સ્થાન આપ્યું જ હતું. તેમના (બીમા ભારતી) આવા નિવેદનથી હું અચંબિત છું. તેઓ 2014 અને 2019માં મંત્રી હતાં. હું તેમને મળીને આ બાબતની ચર્ચા કરીશ.”

    ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠબંધન તોડી નાંખ્યાં બાદ બીજા દિવસે નીતીશ કુમારે આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી અને આઠમી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેમની સાથે તેજસ્વી યાદવે ઉપ-મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. જે બાદ ગત 16 ઓગસ્ટના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં તેજસ્વીના ભાઈ તેજપ્રતાપ સહિત 31 નવા મંત્રીઓએ શપથ લીધા હતા. જોકે, આ મંત્રીઓમાંથી ઘણા વિવાદિત ચહેરા હોવાના કારણે તેમની નિયુક્તિને લઈને નીતીશ કુમારની પાર્ટીમાં વિખવાદ સર્જાયા છે.