વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (24 સપ્ટેમ્બરે) એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ દેશને સમર્પિત કરી છે. આ તમામ ટ્રેનો દેશનાં 11 રાજ્યોના જુદા-જુદા રૂટ પર દોડશે. PM મોદીએ રવિવારે (24 સપ્ટેમ્બરે) આ તમામ વંદે ભારત એક્સપ્રેસને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવી હતી. સાથે જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેન આંતરરાજ્યોની કનેક્ટિવિટીમાં જબરદસ્ત વધારો કરશે અને સમયની પણ બચત થશે.
Vanguards of speed and innovation!
— Ministry of Railways (@RailMinIndia) September 24, 2023
9 New #VandeBharat poised for debut. pic.twitter.com/yEhTPKPuGs
આ 9 ટ્રેન ધાર્મિક અને પર્યટક સ્થળોને જોડવાનું કામ કરશે. દેશના 11 રાજ્યોમાં આ એક્સપ્રેસ ટ્રેન દોડતી થશે, આ 11 રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ,ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આ ટ્રેન દ્વારા તમામ 11 રાજ્યોને ઝડપી કનેક્ટિવિટી મળી શકશે. આ સાથે, પ્રથમ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ કસરાગોડ-ત્રિવેન્દ્રમ રૂટ પર દોડશે. જ્યારે ગુજરાતના જામનગરથી અમદાવાદ વચ્ચે પણ વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. જેની સાથે ગુજરાતમાં ત્રણ વંદે ભારત એક્સપ્રેસ દોડતી થઈ ગઈ છે. એક મુંબઈથી ગાંધીનગર, બીજી અમદાવાદથી જોધપુર અને હવે ત્રીજી જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે.
નવા ભારતના જોશ અને ઉત્સાહનું પ્રતીક છે આ ટ્રેન: PM મોદી
ટ્રેનોને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, દેશનાં અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને અત્યાર સુધી 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળતી હતી. હવે તેમાં વધુ 9 ટ્રેન સામેલ થશે. એ દિવસો દૂર નથી જ્યારે વંદે ભારત દેશના દરેક ભાગને કનેક્ટ કરશે.
તેમણે ઉમેર્યું કે, ઈન્સ્ફરક્ચર વિકાસની આ સ્પીડ અને સ્કેલ ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે એકદમ મેળ ખાય છે, અને આ જ આજનું ભારત ઇચ્છે છે. આ જ તો નવા ભારતના યુવાઓ, ઉદ્યમીઓ, મહિલાઓ, પ્રોફેશનલ્સ, કારોબારીઓ, નોકરી-ધંધા સાથે જોડાયેલા લોકોની આકાંક્ષા છે. આજે એકસાથે 9 વંદે ભારત ટ્રેનની શરૂઆત પણ તેનું જ ઉદાહરણ છે.
જે ટ્રેનોને શરૂ કરવામાં આવી છે તે પહેલાં કરતાં વધુ આધુનિક અને આરામદાયક છે. આ ટ્રેનો નવા ભારતના નવા જોશ, નવા ઉત્સાહ અને નવા ઉમંગનું પ્રતીક છે. મને એ વાતનો પણ આનંદ છે કે વંદે ભારતનો ક્રેઝ સતત વધી રહ્યો છે, જેનાથી અત્યાર સુધી 1 કરોડ 11 લાખથી વધુ યાત્રીઓ મુસાફરી કરી ચૂક્યા છે અને આ સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે.
આ નવ ટ્રેનની મળી ભેટ
1. કાસરાગોડ – તિરુવનંતપુરમ (કેરળ)
2. જયપુર – ઉદયપુર (રાજસ્થાન)
3. વિજયવાડા – રેનીગુંટા – ચેન્નાઈ (આંધ્રપ્રદેશ અને તમિલનાડુ)
4. તિરુનેલવેલી – મદુરાઇ – ચેન્નાઈ (તમિલનાડુ)
5. જામનગર – અમદાવાદ (ગુજરાત)
6. રાંચી – હાવડા (ઝારખંડ અને પશ્ચિમ બંગાળ)
7. હૈદરાબાદ – બેંગલોર (તેલંગાણા અને કર્ણાટક)
8. રાઉરકેલા – પુરી (ઓડિશા)
9. પટના – હાવડા ( બિહાર અને પશ્ચિમ બંગાળ)
મુસાફરીના સમયમાં થશે ઘટાડો
આ રૂટ પર અત્યાર સુધીની સૌથી ઝડપી ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત ટ્રેન રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી અને કસરાગોડ-તિરુવનંતપુરમ રુટ પર મુસાફરીના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરશે. હૈદરાબાદ-બેંગલોર પ્રવાસ દરમિયાન અઢી કલાકથી વધુ સમયની બચત થશે. તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નાઈ રુટ પર બે કલાકનો સમય બચશે. સાથે જ રાંચી-હાવડા, પટના-હાવડા અને જામનગર-અમદાવાદ રુટ પર લગભગ એક કલાકનો સમય બચશે. ઉદયપુર અને જયપુર વચ્ચે લગભગ 30 મિનિટના સમય જેટલી બચત થશે.
વંદે ભારત ટ્રેનની વિશેષતા
આ ટ્રેન અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે અને તમામ એસી કોચ છે. તેમાં ખુરશીઓ 360 ડિગ્રી ફરે છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન સંપૂર્ણ રીતે ઓનબોર્ડ વાઇફાઇ સુવિધાથી સજ્જ છે. મોબાઈલ અને લેપટોપ ચાર્જ કરવા માટે દરેક સીટની નીચે ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં બાયો વેક્યૂમ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે દરેક કમ્પાર્ટમેન્ટમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ટ્રેનના કેટલાક કોચમાં વ્હીલચેર રાખવા માટે અલગ જગ્યા બનાવવામાં આવી છે.