Monday, November 25, 2024
More
    હોમપેજદેશદિલ્હી યુનિવર્સિટીમાં ભગવો લહેરાયો: સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં 4માંથી 3 બેઠકો પર ABVPની...

    દિલ્હી યુનિવર્સિટીમાં ભગવો લહેરાયો: સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણીમાં 4માંથી 3 બેઠકો પર ABVPની ભવ્ય જીત, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIને ફાળે માત્ર 1 બેઠક

    DUSU ચૂંટણીમાં અધ્યક્ષ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિજેતા બન્યા છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ NSUIના ફાળે ગયું છે.

    - Advertisement -

    દિલ્હી યુનિવર્સીટી વિદ્યાર્થી સંઘની (DUSU) ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચૂક્યાં છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ વખતે પણ ચૂંટણીમાં બાજી મારી લીધી છે અને ચારમાંથી ત્રણ બેઠકો પોતાને નામ કરી છે. બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIને માત્ર એક બેઠક મળી. DUSU ચૂંટણીમાં એબીવીપીની ભવ્ય જીત બાદ દેશભરમાં કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે.

    DUSU ચૂંટણીમાં અધ્યક્ષ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિજેતા બન્યા છે, જ્યારે ઉપાધ્યક્ષ પદ NSUIના ફાળે ગયું છે. મળતી માહિતી અનુસાર DUSU ચૂંટણીમાં તુષાર ડેઢા અધ્યક્ષ પદ પર, અપરાજિતા સચિવ પદ પર અને સચિન બૈસલા સંયુક્ત સચિવ પદ પર વિજેતા થયાં હતાં. અભાવિપના આ ત્રણેય વિદ્યાર્થી નેતાઓએ DUSUના NSUI અધ્યક્ષ હિતેશ ગુલિયા, સચિવ યક્ષના શર્મા તેમજ સંયુક્ત સચિવ શુભમ કુમાર ચૌધરીને હારનો સ્વાદ ચખાડ્યો હતો જ્યારે NSUIના અભિ દહિયા ઉપાધ્યક્ષ પદ પર વિજેતા બન્યા હતા.

    ઉલ્લેખનીય છે કે આ વર્ષે દિલ્હી યુનિવર્સીટી વિદ્યાર્થી યુનિયન ઈલેકશનમાં સેન્ટ્રલ પેનલના 4 પદો માટે 24 કુલ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) તેમજ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ CPIની ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશને આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતર્યા હતા.

    - Advertisement -

    બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ DUSUની ચૂંટણીમાં વિજેતા બનવા બદલ ABVPને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના અધિકારીક X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, “દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPને મળેલી પ્રચંડ જીત બદલ તમામ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છા. આ જીત રાષ્ટ્રહિતને સર્વપ્રથમ માનનારી વિચારધારામાં યુવા પેઢીનો વિશ્વાસ દર્શાવે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે પરિષદન કાર્યકર્તા યુવાઓમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શો અને રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત રાખવા માટે નિરંતર સંકલ્પિત ભાવથી કાર્ય કરતા રહેશે.”

    આ સિવાય દિલ્હીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જીતનો ઉત્સાહ ગુજરાતમાં પણ જોવા મળ્યો હતો. ગુજરાત ABVPએ પણ પરિષદને દિલ્હીમાં મળેલી જીતની ઉજાણી કરી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાથમાં ભગવા ધ્વજ લહેરાવીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનેતાઓ અને કાર્યકર્તાઓએ દેશભક્તિના નારા પણ લગાવ્યા હતા.

    નોંધનીય છે કે આ પહેલાં દિલ્હી યુનિવર્સીટીમાં DUSUની ચૂંટણી વર્ષ 2019માં યોજાઈ હતી. કોરોના મહામારીના કારણે વર્ષ 2020 અને 2021માં આ ચૂંટણીઓ નહોતી થઇ શકી. તો બીજી તરફ વર્ષ 2022માં શૈક્ષણિક કેલેન્ડરમાં સંભવિત વ્યવધાનના કારણે ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષ 2023માં યોજાયેલ DUSU ચૂંટણીમાં ABVP પ્રચંડ વિજેતા બન્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં