દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીના એક ગૌતમ અદાણી અને તેમના પરિવારે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરવાનું એલાન કર્યું છે. આ દાન સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વપરાશે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના 60 વર્ષ પૂર્ણ થવા પર અને તેમના પિતા શાંતિલાલ અદાણીની 100મી જન્મજયંતિની ઉજવણીના અવસરે અદાણી જૂથે આ જાહેરાત કરી હતી. ગૌતમ અદાણીએ ટ્વિટ કરતાં કહ્યું કે, મારા પિતાની 100 મી જન્મજયંતિ અને મારા 60મા જન્મદિને અદાણી પરિવાર સમગ્ર દેશમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં 60,000 કરોડનું દાન આપવાની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. તેમણે આ દાનને ભવિષ્યના ભારતમાં નિર્માણમાં યોગદાન ગણાવ્યું હતું.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk
— Gautam Adani (@gautam_adani) June 23, 2022
આ સમગ્ર દાનનું પ્રબંધન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. દાન માટે જાહેર કરવામાં આવેલ રકમ અદાણી જૂથની કુલ 92 અબજ ડોલરની આઠ ટકા જેટલી છે. જોકે, આ ભારતના ઇતિહાસનાં સૌથી મોટાં દાન પૈકીનું એક છે. 60 હજાર કરોડ દાનમાં આપવાની જાહેરાત કરતાંની સાથે જ તેઓ માર્ક ઝકરબર્ગ અને વૉરેન બફેટ જેવા અબજોપતિની યાદીમાં સામેલ થઇ ગયા છે જેમણે પોતાની સંપત્તિનો મોટો હિસ્સો સામાજિક કલ્યાણ માટે આપ્યો હોય.
બ્લૂમબર્ગ ન્યૂઝ સાથે વાતચીત કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે, “આવનાર સમયમાં અમે રણનીતિને ઔપચારિક સ્વરૂપ આપવા અને આ ત્રણ ક્ષેત્રોમાં ફંડની ફાળવણી માટે ત્રણ નિષ્ણાત સમિતિને આમંત્રિત કરીશું. આ ત્રણેય સમિતિઓમાં સહાયક ભૂમિકાઓમાં અદાણી પરિવારના સભ્યો હશે. તેમણે કહ્યું કે, આવનાર સમયમાં વધુ ક્ષેત્રો પણ જોડવામાં આવશે.
વર્ષ 2988 માં એક નાની કૃષિ વ્યાપારિક ફર્મ સાથે શરૂ થયેલ અદાણી જૂથનો કારોબાર હવે એરપોર્ટ, કોલસા વેપાર અને ખનન, બંદર અને એરપોર્ટનું સંચાલન, વીજ ઉત્પાદન, ગેસ વિતરણ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી અને સિમેન્ટ સુધી વિસ્તરી ચૂક્યો છે અને આજે અદાણી ભારતનો જ નહીં પરંતુ એશિયાનો સૌથી મોટો ઉદ્યોગ સમૂહ બની ગયો છે. આ ઉપરાંત અદાણી સમૂહે દુનિયાના સૌથી રિન્યુએબલ એનર્જી ઉત્પાદક બનવા માટે વર્ષ 2030 સુધીમાં 70 બિલિયન ડોલરનું રોકાણ કરવાની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
અદાણી સમૂહના ફાઉન્ડેશન ‘અદાણી ફાઉન્ડેશન’ની સ્થાપના 1996માં કરવામાં આવી હતી અને જે દેશમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કાર્યરત છે અને સામાજિક કાર્યો કરે છે. ફાઉન્ડેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, તેઓ અત્યર સુધીમાં દેશના 16 રાજ્યોના 2,409 ગામોના 37 લાખ લોકો સુધી સહાય પહોંચાડી શક્યા છે.