કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા મામલે ભારત પર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું એવું છે કે હરદીપસિંઘ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર જવાબદાર હોય શકે છે. તેમણે કહ્યું, કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એ પર્યાપ્ત કારણો છે કે હરદીપ નિજજરની હત્યામાં ભારતના એજન્ટો સામેલ હતા. આટલું જ નહીં પણ કેનેડાની સરકારે કેનેડામાં સ્થિત ભારતના મુખ્ય રાજદ્વારીને પણ દેશમાંથી નિષ્કાસિત કરી દીધા છે. બીજી તરફ, ભારતે પણ કેનેડિયન ડિપ્લોમેટને બહારનો રસ્તો દેખાડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા કરી નાખવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ તેને ગોળીએ દીધો હતો. હવે કેનેડાના વડાપ્રધાન આ હત્યાનો આરોપ ભારતના એજન્ટો પર લગાવી રહ્યા છે. કેનેડાની સંસદમાં બોલતાં ટ્રુડોએ આ વાત કહી હતી. ટ્રુડોના આ નિવેદન બાદ વિદેશ મંત્રી મેલાની જોલીએ જણાવ્યું હતું કે સોમવારે (18 સપ્ટેમ્બરે) એક ભારતીય રાજદ્વારીને નિષ્કાસિત કરવામાં આવ્યા છે. જોલીએ વધુમાં જણાવ્યું હતું કે “જો આ સાચું સાબિત થયું તો આ અમારી સંપ્રભુતા અને દેશોના એકબીજા સાથે વ્યવહાર કરવાના બુનિયાદી નિયમનું ઉલ્લંઘન હશે.”
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું કે નવી દિલ્હી ખાતે આયોજિત G20 શિખર સંમેલન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે વાત કરી હતી. તેમણે PM મોદીને તપાસમાં સહકાર આપવા માટે આગ્રહ કર્યો હતો. PM ટ્રુડોએ ઉમેર્યું કે “કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યા થઈ છે. તેની તપાસમાં કોઈ વિદેશી સરકારની સંડોવણી અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. તેમની સરકાર પોતે કેનેડાની એજન્સીઓ સાથે કામ કરી રહી છે. સરકાર અને એજન્સીઓ વચ્ચે સમન્વય છે.”
ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- પહેલાં તમારી ધરતી પર સક્રિય ભારતવિરોધીઓ સાથે કડકાઈથી કામ લો
બીજી તરફ, આ આરોપોને લઈને ભારત સરકારે પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે તમામ આરોપો ફગાવી દીધા અને અધિકારીક નિવેદનમાં કહ્યું કે, કેનેડામાં કોઇ પણ પ્રકારની હિંસામાં ભારતની સંલિપ્તતાના આરોપો પાયાવિહોણા અને મોટિવેટેડ છે. આ જ પ્રકારના આરોપો કેનેડાના વડાપ્રધાને પીએમ મોદી સાથેની મુલાકાતમાં પણ લગાવ્યા હતા અને અમે સંપૂર્ણપણે તેને ફગાવી દીધા હતા. સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રકારના આરોપોથી ભારતના સાર્વભૌમત્વ અને સરહદીય અખંડિતતાને જોખમ એવા ખાલિસ્તાની ચરમપંથીઓ અને આતંકવાદીઓ પરથી ધ્યાન હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમને કેનેડામાં સંરક્ષણ મળ્યું છે. ભારતે કેનેડાને કહ્યું કે, તેઓ આરોપો લગાવવાને બદલે પોતાની ધરતી પર સક્રિય ભારતવિરોધી તત્વો સામે કડકાઈથી કામ લે.
કેનેડિયન ડિપ્લોમેટને બહારનો રસ્તો દેખાડ્યો
કેનેડાએ આતંકવાદી હરદીપની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવીને વરિષ્ઠ ભારતીય ડિપ્લોમેટને નિષ્કાસિત કર્યા બાદ ભારતે પણ વળતો જવાબ આપ્યો છે. ભારતે વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે. આજે વિદેશ મંત્રાલયે કેનેડાના હાઇકમિશનરને તેડું મોકલ્યું હતું, ત્યારબાદ તેઓ વિદેશ મંત્રાલયે હાજર થયા હતા. અહીં તેમને સરકારના નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી.
MEA says, "The High Commissioner of Canada to India was summoned today and informed about the decision of the Government of India to expel a senior Canadian diplomat based in India. The concerned diplomat has been asked to leave India within the next five days. The decision… pic.twitter.com/E3Uf9HVQLN
— ANI (@ANI) September 19, 2023
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કેનેડિયન હાઇકમિશનરને જણાવવામાં આવ્યું છે કે જે-તે કેનેડિયન ડિપ્લોમેટને નિષ્કાસિત કરવામાં આવ્યા છે અને તેઓ પાંચ દિવસમાં દેશ છોડી દે. મંત્રાલયે ઉમેર્યું કે, આ નિર્ણય કેનેડિયન ડિપ્લોમેટ્સ દ્વારા ભારતની આંતરિક બાબતોમાં સતત થતા હસ્તક્ષેપ અને તેમની ભારતવિરોધી ગતિવિધિઓમાં સંલિપ્તતાને લઈને લેવામાં આવ્યો છે.
હરદીપસિંઘ નિજ્જરની થઈ હતી હત્યા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની આ જ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકારે ડેજિગ્નેટેડ આતંકવાદી ઘોષિત કર્યો હતો. થોડા સમય પહેલાં જ ભારત સરકારે 41 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, તેમાં હરદીપસિંઘ નિજજરનું નામ પણ સામેલ હતું. તેની કેનેડાના સરે (surrey) શહેરમાં જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. તે કેનેડાના શીખ સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જાલંધર જિલ્લાનો રહેવાસી હતો. આ પહેલાં 2022માં પંજાબના જાલંધરમાં હિંદુ પૂજારીની હત્યા કરવાની સાજિશના ગુનામાં NIAએ ભાગેડુ આતંકવાદી હરદીપસિંઘ નિજજર પર 10 લાખનું ઈનામ પણ રાખ્યું હતું.