વડોદરામાં એક મુસ્લિમ યુવકની હિંદુ સગીરાની છેડતી બદલ ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. તેની ઓળખ અમાન મુખત્યારઅહેમદ રાણા તરીકે થઈ છે. તે ફરિયાદીની પત્નીને તેની પુત્રી સાથે ભગાડી લઇ ગયો હતો. જોકે, પોલીસે બંનેને શોધી કાઢ્યા બાદ મહિલાએ પોતે મરજીથી ગઈ હોવાનું કહ્યું હતું અને બાળકીની કસ્ટડી તેના પિતાને સોંપી દેવામાં આવી હતી. બાળકીએ તેના પિતાને આપવીતી જણાવતાં તેમણે આખરે ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતો અનુસાર, વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા અને કરિયાણા સામાનની ડિલિવરીનું કામ કરતા એક વ્યક્તિ પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે રહેતા હતા. તે જ વિસ્તારમાં રહેતો યુવાન અમાન મુખત્યારઅહેમદ રાણા છેલ્લા 10 મહિનાથી તેમની પત્નીના સંપર્કમાં હતો. થોડા સમય પહેલાં અમાન રાણા હિંદુ વ્યક્તિની પત્ની અને તેની સગીર પુત્રીને લઈને બેંગલોર જતો રહ્યો હતો. પોલીસે ત્રણ મહિના પછી બેંગ્લોરથી ત્રણેયને શોધી કાઢ્યાં હતાં. પરત આવ્યા બાદ મહિલાએ પોતે મરજીથી અમાન સાથે ગઈ હોવાનું કહ્યું હતું. બીજી તરફ તેની પુત્રીની કસ્ટડી પતિને સોંપી દેવામાં આવી હતી.
પિતાની ફરિયાદ છે કે તેમની સગીર પુત્રીએ બેંગ્લોરથી આવ્યા બાદ અમાન રાણાએ તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે POCSO હેઠળનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. છેલ્લા દોઢ મહિનાથી પોલીસ નાસતા ફરતા અમાન મુખત્યારઅહેમદ રાણાને શોધી રહી હતી. આખરે બહુચરથી તેની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલોના જણાવ્યા અનુસાર અમાન હિંદુ મહિલા અને તેની પુત્રીને લઈને ગત મે મહિનામાં ભાગી ગયો હતો. જેને લઈને મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ ટીમ બનાવીને શોધખોળ ચાલુ કરી હતી. તપાસ બાદ પોલીસે ત્રણેયને બેંગલોરથી શોધી કાઢ્યાં હતાં અને ત્યારબાદ પરત લાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સગીર બાળકી તેના પિતા સાથે રહેતી હતી.
થોડા દિવસો પસાર થયા બાદ સગીર કિશોરીએ તેના પિતાને અમાન રાણાની હરકતો વિશે જણાવ્યું હતું. ફરિયાદ અનુસાર, કિશોરીએ જણાવ્યું હતું કે, અમાન રાણા તેના શરીર પર હાથ ફેરવતો હતો. તેના ગાલ પર બચકું ભરી લીધું હતું તેમજ બળજબરી કરવાની કોશિશ કરી પેટ પર પણ બચકું ભર્યું હતું. આરોપ છે કે, બાળકી ના પાડતી તો તેને ધમકાવીને આવાં ખરાબ કૃત્યો કરતો હતો.
વડોદરામાં સગીરા સાથે અડપલા કરનાર વિધર્મી યુવાનની ધરપકડ#Gujarat #Vadodara #News pic.twitter.com/FjNQdSQWVw
— Zee 24 Kalak (@Zee24Kalak) September 12, 2023
આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાએ બાપોદ પોલીસમાં કરી હતી. બાપોદ પોલીસે આ અંગે POCSO સહિતના ગુના દાખલ કરી આરોપી અમાન મુખત્યારઅહેમદની શોધખોળ શરૂ કરી હતી. બાપોદ પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. દોઢ મહિના સુધી નાસતા ફરતા આરોપી અમાન રાણાની બહુચરાજીમાં એક ધર્મશાળામાં રોકાયો હોવાની માહિતી મળતાં ધરપકડ કરી લેવામાં હતી. ગુનાની વધુ તપાસ માટે વડોદરા પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સમગ્ર કેસને લઈને વડોદરાનાં ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, ‘બાપોદ પોલીસ મથકે પોક્સો હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમની દીકરી સાથે આરોપીએ જાતીય સતામણી કરી હતી. ગુનો દાખલ થયા બાદ અમાન રાણાની ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”