દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે AAP સહિતના વિપક્ષી દળોએ સાથે મળી I.N.D.I.A. ગઠબંધનની રચના કરી હતી. જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભા લડવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાતમાં ‘આપ’ના કોઈ ઠેકાણા રહ્યા નથી. અગાઉ પણ એક પ્રદેશ ઉપાધ્યક્ષ અને 20 કાર્યકરોએ આમ આદમી પાર્ટી છોડી હતી. તાજેતરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને છોટાઉદેપુર જિલ્લાનાના કદ્દાવર નેતા અર્જુન રાઠવાએ AAP માંથી રાજીનામું આપ્યું છે.
અહેવાલ અનુસાર AAP રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય અને ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેઓ અગાઉ છોટાઉદેપુર વિધાનસભા લડી ચુક્યા છે. તેમણે તાજેતરમાં આપ પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને પત્ર લખી તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને છોટાઉદેપુર જિલ્લાના નેતા પ્રો.અર્જુન રાઠવાએ તમામ હોદ્દા સાથે સભ્યપદ પરથી પણ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખને મોકલ્યો પત્ર #chhotaudepur #aap #ProfessorArjunRathva #Resignation #Politicalnews #Party #breakingnews #navgujaratsamay #gujarat pic.twitter.com/PO52GI5sRb
— NavGujarat Samay (@navgujaratsamay) September 5, 2023
પ્રદેશ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે આદિવાસી નેતા અર્જુન રાઠવાએ રાજીનામું આપવા પાછળ AAP પ્રદેશ નેતૃત્વની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અગાઉની વિધાનસભા ચૂંટણીનું નુકસાન પ્રદેશ સંગઠનના શીર્ષ નેતૃત્વને કારણે થયું હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓ ગંભીરતાપૂર્વક કામ કરતા ન હોવાથી મેં રાજીનામું આપ્યું છે.” આગામી સમયમાં તે અન્ય કોઈ દળ સાથે જોડાશે કે કેમ તેની સ્પષ્ટતા કરી ન હતી.
અગાઉ પણ એક પ્રદેશ ઉપાધ્યક્ષ અને 20 જેટલા કાર્યકરોએ પાર્ટી છોડી હતી. ત્યારબાદ આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહેલની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. બીજી બાજુ ભેમાભાઈ ચૌધરીએ AAP સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સંગઠનમાં અમુક કાર્યકરો-હોદ્દેદારો દ્વારા યોગ્ય વ્યવવહાર કરવામાં આવી રહ્યો નથી. જેથી વિશ્વાસ પર પણ સવાલ થતો હોય છે. પાર્ટી અને કાર્યકર્તા વચ્ચે પણ વિશ્વાસ જળવાતો ન હોવાણી તેમણે સ્પષ્ટતા કરી હતી. ચૂંટણી સમયે કરેલા વાયદો પણ પાર્ટીથી પુરા થતાં ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બે વર્ષથી ગુજરાત રાજકારણમાં પ્રવેશ કરેલ આમ આદમી પાર્ટીએ હજુ સુધી કંઈ ખાસ મેળવ્યું નથી. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેના મોટા નેતાઓની હાર થઇ હતી. ત્યારબાદ જેમ લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમ AAP માંથી નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટીમાંથી રાજીનામું આપી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હાલ આપને ગુજરાતમાં અસ્તિત્વ ટકાવી રાખવું એ પડકાર સમાન બની ગયું છે.