Thursday, May 16, 2024
More
    હોમપેજગુજરાતઆમ આદમી પાર્ટીમાં ભંગાણ યથાવત: 20 કાર્યકરોએ પંજો પકડ્યા બાદ હવે પ્રદેશ...

    આમ આદમી પાર્ટીમાં ભંગાણ યથાવત: 20 કાર્યકરોએ પંજો પકડ્યા બાદ હવે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં સામેલ, કહ્યું- હજુ પણ ઘણા નેતાઓ AAP છોડશે

    પાર્ટીના મહામંત્રી સંદીપ પાઠકને લખેલા પત્રમાં ભેમાભાઈ ચૌધરીએ પાર્ટીના સંગઠનાત્મક માળખા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, અમુક કાર્યકરો-હોદ્દેદારો દ્વારા યોગ્ય વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી.

    - Advertisement -

    દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ મળીને I.N.D.I.A ગઠબંધનની રચના કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી પણ સામેલ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મોટા ઉપાડે જાહેરાત પણ કરી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે. પરંતુ ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીનાં સંગઠનનાં ઠેકાણાં જણાઈ રહ્યાં નથી. હજુ થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા બાદ હવે બનાસકાંઠા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું ધરી દીધું છે.

    પાર્ટીના મહામંત્રી સંદીપ પાઠકને લખેલા પત્રમાં ભેમાભાઈ ચૌધરીએ પાર્ટીના સંગઠનાત્મક માળખા પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, અમુક કાર્યકરો-હોદ્દેદારો દ્વારા યોગ્ય વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી, જેના કારણે વિશ્વાસ જાળવી શકાતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી સમયે જે વાયદાઓ પાર્ટીએ કર્યા હતા તે દિશામાં હાલ કામ થતું જણાઈ રહ્યું નથી. જે નિરાશાજનક બાબત છે.

    ભેમાભાઈ ચૌધરીએ આપેલું રાજીનામું

    ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ વર્ષ 2012થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. પાર્ટીએ તેમને ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી. તેઓ વિધાનસભા સહિત અનેક ચૂંટણીઓમાં ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રવિવારે (20 ઓગસ્ટ, 2023) ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમને આવકાર્યા હતા. ભેમાભાઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, હજુ ઘણા નેતાઓ આમ આદમી પાર્ટી છોડશે. તેનું એક કારણ શીર્ષ નેતૃત્વ છે. કાર્યકર્તા છોડીને જાય છે તો કેમ જાય છે? મને લાગે છે કે ગુજરાતમાં સમસ્યાઓ ઉજાગર કરવા માટે શીર્ષ નેતૃત્વ લડી શકશે નહીં.

    19 ઓગસ્ટના રોજ પણ 20 કાર્યકરોએ આપ છોડીને પકડ્યો હતો પંજો

    ઉલ્લેખનીય છે કે ગત 19 ઓગસ્ટ, 2023 (શનિવાર)ના રોજ જ આપના 20 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ તમામ નેતાઓને આવકાર્યા હતા. આ કાર્યકરોમાં જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ આર. ત્રાડા સાથે આપના ખેડા જિલ્લાના પ્રદેશ પ્રમુખ નલીનભાઈ બારોટ, ખેડા શહેર પ્રમુખ સમીર વોરા, ખેડા જિલ્લા મહામંત્રી દિનેશ પરમાર, અમદાવાદ જિલ્લા મહામંત્રી પ્રકાશ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી 2021-22થી ગુજરાતમાં ખાસ્સી સક્રિય છે, પરંતુ બે વર્ષે પણ કંઈ ખાસ મેળવી શકી નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં એક માહોલ ઉભો કર્યા બાદ માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો અને તમામ મોટા ચહેરાઓ હારી ગયા હતા. ત્યારબાદ સંગઠનમાં પણ અમુક ફેરફારો કરવામાં આવ્યા, પરંતુ એટલું સબળ સંગઠન બની શક્યું નથી. નવા જોડાનારાઓ કરતા છોડીને જનારાઓની સંખ્યા વધતી દેખાય છે. 

    આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને AAPએ ભાજપને હરાવવાની વાતો તો કરી છે, પરંતુ અત્યારે તેમની સામે મોટો પડકાર સંગઠન ટકાવવાનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં