વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ન્યૂઝ એજન્સી PTIને એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ આપ્યો. આ દરમિયાન PM મોદીએ G20 સંમેલન, રશિયા યુક્રેન યુદ્ધ, ભારતમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિક્તા પર ચર્ચા કરી હતી. તેમણે કાશ્મીર, અરુણાચલમાં G20 મિટિંગ પર પાકિસ્તાન અને ચીનના વાંધાને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે દેશના દરેક ભાગમાં સભાઓ યોજવી સ્વાભાવિક છે. G20 સમિટ પહેલાં તેમના ઈન્ટરવ્યૂને દુનિયા માટે એક સંદેશ માનવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાંબા સમયથી ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો, હવે તે એક અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે. વિશ્વનો GDP કેન્દ્રિત દ્રષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિત દ્રષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે. આમાં ભારતની ભૂમિકા મહત્વની છે. વડાપ્રધાને કહ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત પણ બની શકે છે.
આ વિષયો પર કરી વાત
ઈન્ટરવ્યૂ દરમિયાન PM મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે અને દેશમાં ભ્રષ્ટાચાર અને જાતિવાદને કોઈ સ્થાન નહીં હોય. તેમણે વધુમાં કહ્યું કે ભારતની G20 અધ્યક્ષતાની ઘણી સકારાત્મક અસરો થઈ છે અને ભારતે વૈશ્વિક મંચ પર મજબૂત નેતૃત્વની ભૂમિકા નિભાવી છે. ભારત-ચીન સંબંધો અંગે તેમણે કહ્યું કે બંને દેશોએ એકબીજા સાથે શાંતિપૂર્ણ અને સહકારી રીતે રહેવું જોઈએ.
આ ખાસ ઇન્ટરવ્યૂમાં PM મોદીએ G20 સમિટ, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને અર્થવ્યવસ્થા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યકત કર્યા હતા. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનના એ વાંધાઓને નકારી કાઢ્યા હતા જેમાં તેમણે અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં G20 સંબંધિત બેઠકોના આયોજન પર સવાલ ઉઠાવ્યા હતા.
PM મોદીએ ચીન અને પાકિસ્તાનને આપ્યો જવાબ
ભારતની સંસ્કૃતિ અને વિવિધતા બતાવવા માટે સરકારે દેશના અલગ-અલગ ભાગોમાં G-20 બેઠકોનું આયોજન કર્યું હતું. આ બેઠકો અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં પણ યોજાઈ હતી. ચીન અને પાકિસ્તાને આનો વિરોધ કર્યો હતો કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને પોતાનું માને છે જ્યારે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને વિવાદિત માને છે. વડાપ્રધાને ઈન્ટરવ્યૂ દરમિયાન ચીન, પાકિસ્તાનના વાંધાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે આ પ્રશ્ન તે સમયે માન્ય હોત જો અમે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત. આપણો દેશ વિશાળ અને વિવિધતાઓથી ભરેલો છે. દેશમાં G20ની બેઠકો યોજાઈ રહી છે ત્યારે તે દેશના દરેક ભાગમાં યોજાય તે સ્વાભાવિક છે.
G20 શિખર સંમેલન
G20 શિખર સંમેલન વિશે વાત કરતાં PM મોદીએ કહ્યું હતું કે આ વર્ષે યોજાનારી સમિટમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં કહ્યું કે ભારત G20 દ્વારા વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને જળવાયુ પરિવર્તન સામે લડવા માટેનું કામ કરશે. ભારત G20 દ્વારા આર્થિક સુધારા, ક્લાઇમેટ ચેન્જ, આતંકવાદનો સામનો, ડિજિટલાઈઝેશન અને હેલ્થ જેવા ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. PM મોદીએ એમ પણ કહ્યું કે ભારત વૈશ્વિક સમુદાયને એક કરવા અને G20 દ્વારા વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે કામ કરશે.
આતંકવાદ
આતંકવાદ વિશે વાત કરતાં PM મોદીએ કહ્યું કે તે એક વૈશ્વિક પડકાર છે. તેમણે કહ્યું કે ભારત આંતકવાદ સામેની લડાઈમાં મજબૂત સહયોગી છે. PM મોદીએ વધુમાં કહ્યું કે ભારત સરકાર આતંકવાદ સામેની લડાઈમાં ચોક્કસ પગલાં લઈ રહી છે, જેમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી, આંતકવાદી સંગઠનોના ફંડિંગના સ્ત્રોતોને ખતમ કરવા અને આંતકવાદી વિચારો ફેલાવવા સામે જાગૃતિ લાવવાનો સમાવેશ થાય છે. PM મોદીએ ઉમેર્યું કે ભારત આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર અંગે વાત કરતાં PM મોદીએ કહ્યું કે તે ભારતની મોટી સમસ્યા છે. સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કડક પગલાં લઈ રહી છે. સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને કડક બનાવવા, ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને ભ્રષ્ટાચારને રોકવા માટે જાગૃતિ લાવવા જેવા પગલાં લઈ રહી છે. PM મોદીએ કહ્યું કે સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સંકલ્પબદ્ધ છે.
PHOTO | Highlights of Prime Minister Narendra Modi's exclusive interview with PTI (n/16)#PMModiSpeaksToPTI pic.twitter.com/gYKiiKUmvG
— Press Trust of India (@PTI_News) September 3, 2023
અર્થવ્યવસ્થા
ઈન્ટરવ્યૂ દરમિયાન અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં PM મોદીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે અને આગામી 20 વર્ષમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બનશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી છે. ભારતની અર્થવ્યવસ્થામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં અપાર સંભાવનાઓ છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે જો ભારત આમ જ ચાલતું રહેશે તો તેની મજબૂત અર્થવ્યવસ્થાના આધારે આગામી 20 વર્ષમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે.