Monday, November 25, 2024
More
    હોમપેજસ્પેશ્યલદ્રૌપદી મુર્મૂ: એક સામાન્ય શિક્ષિકાથી કોર્પોરેટર અને ત્યાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા...

    દ્રૌપદી મુર્મૂ: એક સામાન્ય શિક્ષિકાથી કોર્પોરેટર અને ત્યાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા સુધીની સંઘર્ષમય સફર

    રાષ્ટ્રપતિપદ માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું જીવન એક સામાન્ય શિક્ષિકા તરીકે શરુ થયું હતું અને હવે તેઓ દેશના સર્વોચ્ચ પદ માટે મનોનીત થયાં છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. NDA તરફથી ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ તેઓ દેશના પ્રથમ આદિવાસી અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ બનશે. તેમજ દ્રૌપદી મુર્મૂ ઓરિસ્સા રાજ્યમાંથી રાષ્ટ્રપતિ બનનાર બીજા વ્યક્તિ હશે. આ પહેલાં ઓરિસ્સાથી વી.વી ગિરી દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

    દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958 ના રોજ ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં થયો હતો. તેઓ ગરીબ પરિવારમાં જન્મ્યાં હતાં અને શરૂઆતના જીવનમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. 

    તેમનાં લગ્ન શ્યામ ચરણ મુર્મૂ સાથે થયાં હતાં, પરંતુ લગ્નના થોડા સમય બાદ જ તેમણે પતિ અને બંને પુત્રોને ગુમાવવા પડ્યા હતા. જે બાદ ઘર ચલાવવા અને પુત્રીને ભણાવવા માટે તેમણે શિક્ષિકા તરીકે નોકરી કરી હતી, જે બાદ તેમણે ઓરિસ્સાના સિંચાઈ વિભાગમાં ક્લર્કના પદ પર પણ નોકરી કરી હતી. 

    - Advertisement -

    તેમણે વર્ષ 1997 માં રાયરંગપુર નગર પંચાયતના કોર્પોરેટર તરીકે જીતીને રાજનીતિક કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2000 અને 2009 માં મયૂરભંજ જિલ્લાની રાયરંગપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયાં હતાં. 2000 અને 2004 વકચ્ચે ઓરિસ્સામાં નવીન પટનાયકની બીજુ જનતા દળ અને ભાજપ ગઠબંધનની સરકારમાં તેમને વાણિજ્ય, પરિવહન અને પછીથી માટીસ અને પશુ સંસાધન વિભાગના મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. વર્ષ 2007 માં તેમને ઓરિસ્સા વિધાનસભાએ બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ આપ્યો હતો. 

    વર્ષ 2015 માં દ્રૌપદી મુર્મૂને ઝારખંડનાં 9મા રાજ્યપાલ નીમવામાં આવ્યાં હતાં. તેની સાથે ઝારખંડનાં પહેલાં મહિલા રાજ્યપાલ બનવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. સાથે જ તેઓ કોઈ પણ ભારતીય રાજ્યનાં રાજ્યપાલ બનનાર પ્રથમ આદિવાસી મહિલા છે. 

    ઝારખંડના રાજ્યપાલ તરીકે તેમનો કાર્યકાળ નિર્વિવાદ રહ્યો છે. ક્યારેક સરકારના નિર્ણયોમાં હસ્તક્ષેપ કર્યો તોપણ બંધારણીય ગરિમા જાળવીને હસ્તક્ષેપ કર્યો હતો. યુનિવર્સીટીઓના કુલપતિ તરીકે પણ તેમણે અનેક યુનિવર્સીટીમાં ખાલી જગ્યાઓ પર નિમણૂંકો કરી હતી. 

    1997 માં ભાજપમાં સામેલ થયેલાં દ્રૌપદી મુર્મૂને પાર્ટીમાં પણ અનેક મહત્વપૂર્ણ પદ મળી ચૂક્યાં છે. વર્ષ 2006 થી લઈને 2009 સુધી તેઓ ઓરિસ્સા ભાજપ એસટી મોરચાનાં પ્રમુખ રહ્યાં હતાં. વર્ષ 2013 થી 2015 સુધી તેઓ ભાજપ એસટી મોરચામાં રાષ્ટ્રીય કારોબારીનાં સભ્ય રહ્યાં હતાં. તેમજ 2010 થી 2013 સુધી મયૂરભંજ પશ્ચિમનાં ભાજપ જિલ્લા અધ્યક્ષ પણ રહ્યાં હતાં.

    દ્રૌપદી મુર્મૂ આગામી 25 જૂને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકન ભરી શકે છે. જે દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહી શકે છે. જે બાદ 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થશે અને જેની મતગણતરી 21 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઇ રહ્યો છે. 25 જુલાઈએ ભારતને નવા રાષ્ટ્રપતિ મળશે અને તેઓ પદ અને ગોપનીયતાના શપથ લેશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં