રાજસ્થાનનું કોટા આમ તો કોચિંગ સેન્ટરો માટે જાણીતું છે પરંતુ છેલ્લા થોડા સમયથી અન્ય કારણોસર ચર્ચામાં છે. આ વર્ષમાં અહીં 22 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. રવિવારે (27 ઓગસ્ટ, 2023) ચાર કલાકના ગાળામાં અન્ય બે વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો. ત્યારબાદ સ્થાનિક તંત્રે કોચિંગ સેન્ટરોને વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવા પર 2 મહિના સુધી રોક લગાવી દીધી છે.
રવિવારે કોટા ખાતે NEETની તૈયારી કરતા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું. જેમની ઓળખ આવિષ્કાર કાસલે (17) અને આદર્શ રાજ (18) તરીકે થઇ છે. પ્રાથમિક અનુમાન મુજબ બંનેના પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાના કારણે તણાવમાં આવી ગયા હતા અને ત્યારબાદ અંતિમ પગલું ભર્યું હતું.
રિપોર્ટ્સ અનુસાર, આવિષ્કાર નામના વિદ્યાર્થીએ જવાહર નગર સ્થિત કોચિંગ સેન્ટરની બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું. આ ઘટના બપોરે સવા ત્રણ વાગ્યે બની. તેની એક ટેસ્ટનું પરિણામ આવ્યા બાદ આ પગલું ભર્યું હતું. સંસ્થાના કર્મચારીઓને જાણ થતાં તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. તે મહારાષ્ટ્રના લાતૂરનો રહેવાસી હતો અને ત્રણ વર્ષથી કોટામાં રહીને NEETની તૈયારી કરતો હતો.
આ ઘટના બની તેના માત્ર ચાર જ કલાકમાં આદર્શ રાજ નામના વિદ્યાર્થીએ પોતે જ્યાં રહેતો હતો એ ફ્લેટ પર ગળેફાંસો ખાઈ લીધો હતો. તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે તેના ભાડાના ફ્લેટમાં તેણે ફાંસી લગાવી લીધી હતી. જ્યારે તેની બહેન અને પિતરાઈ ભાઈ સાંજે સાડા સાત વાગ્યે ફ્લેટ પર પહોંચ્યા તો ઘર અંદરથી બંધ હતું. તેમણે તાળું તોડીને અંદર જઈને જોયું તો આદર્શ ફાંસી પર લટકેલો જોવા મળ્યો હતો. આદર્શ બિહારના રોહતાસનો વતની હતો, જે એક વર્ષથી કોટામાં રહીને NEETની તૈયારી કરતો હતો. તે બહેન અને પિતરાઈ ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જે બંને પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
આ ઘટનાઓ બાદ કોટા જિલ્લા કલેક્ટરે એક નોટિફિકેશન બહાર પાડીને તમામ કોચિંગ સંસ્થાનોને આગામી બે મહિના સુધી રૂટિન ટેસ્ટ પર રોક લગાવી દીધી. આદેશમાં જણાવવામાં આવ્યું કે, કોટામાં સંચાલિત કોચિંગ સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓને માનસિક બળ અને સુરક્ષા આપવાના ક્રમમાં તમામ કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓની સમયે-સમયે લેવામાં આવતી પરીક્ષા પર આગામી બે મહિના સુધી ત્વરિત અસરથી રોક લગાવવામાં આવે છે.
Rajasthan | Tests/Examinations at coaching centres in Kota stayed for two months in continuation of "providing mental support and security" pic.twitter.com/RjykseWxiJ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 28, 2023
કોટામાં દેશભરમાંથી આવતા લગભગ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસ/તૈયારી કરે છે. પરંતુ વધુ પડતા પ્રેશર અને અન્ય અમુક કારણોને લીધે છેલ્લા થોડા સમયથી આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ વર્ષે તાજેતરના બે કિસ્સાઓ સાથે કુલ 24 વિદ્યાર્થીઓ આપઘાત કરી ચૂક્યા છે.