વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર ચર્ચ બનાવીને ધર્માંતરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિક હિંદુઓએ કરી છે
ધરમપુર તાલુકાના વિરવલ ગામના આગેવાનોએ ગુરૂવારે (24 ઓગસ્ટ, 2023) ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં સતત વધતાં જતાં ગેરકાયદેસર ચર્ચ અને ફૂલેલી ફાલેલી ધર્માંતરણ પ્રવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરીને આ બાબતે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, ધરમપુરના મોટી કોરવળના સુલિયા ડુંગર પર, કપરાડાના પેંઢારદેવીનો ડુંગર, કપરાડાના વડોલીના સીમખડક ફળિયાનો ડુંગર તેમજ માંડવા ગામે અમુક જગ્યાએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દઈને મોટા-મોટા ક્રોસ લગાડી દેવામાં આવ્યા છે. જેની અમુક તસ્વીરો પણ સામે આવી છે જેમાં ડુંગર વિસ્તારમાં મોટા ક્રોસ લાગેલા જોઈ શકાય છે.
સ્થાનિક હિંદુઓએ માંગ કરતાં કહ્યું હતું કે, આદિવાસી સમાજના લોકોનું ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના ઇરાદે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પર્વતો પર ગેરકાયદેસર કબજો જમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ત્યાં ક્રોસ લગાડવામાં આવી રહ્યા છે. જેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં વલસાડના કપરાડાના વડોલી ગામના 20 જેટલા હિંદુ આગેવાનોએ પણ વલસાડના એડિશન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવીને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી રહેલાં ચર્ચ અને ગેરકાયદેસર ધર્માંતરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગામમાં રહેતા અમુક લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને સરકારી જમીનમાં 6 જેટલાં ચર્ચ તાણી બાંધ્યાં હતાં.
ડાંગ, તાપી, ધરમપુર-કપરાડા ધર્માંતરણથી સૌથી વધુ પ્રભાવિત
દક્ષિણ ગુજરાતના ધરમપુર, કપરાડા, ડાંગ, તાપી, સોનગઢ વગેરે વિસ્તારો ગેરકાયદેસર ખ્રિસ્તી ધર્માંતરણથી અત્યંત પ્રભાવિત છે. ઑપઇન્ડિયા સમયે-સમયે આ મુદ્દે પ્રકાશ પાડતું રહ્યું છે. અહીં અમુક ગામડાં એવાં છે જ્યાં બહુમતી વસ્તી ખ્રિસ્તી ધર્મ પાળનારાની થઇ ગઈ છે અને હિંદુઓ લઘુમતીમાં આવી ગયા છે. જોકે, સરકારી લાભો મેળવવા માટે ધર્માંતરણ કરનારાઓ સરકારી દફ્તરે ‘હિંદુ’ જ રહે છે. જે મુદ્દે પણ અનેક વખત માંગો ઉઠતી રહી છે.
ડિસેમ્બર, 2022માં કપરાડામાં સ્થાનિક હિંદુઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ગામમાં પંચાયતથી ઉપરવટ જઈને ગેરકાયદેસર મંડળી રચીને ચર્ચનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત સ્થાનિકોએ વિસ્તારના ભોળા અને નિરક્ષર લોકોને લોભ-લાલચ આપી, તેમને ભરમાવીને સનાતન ધર્મ અને દેવી-દેવતાઓ વિશે અપપ્રચાર કરી ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાની તેમજ ગામેગામ ચર્ચ ઊભાં કરી દેવામાં આવ્યાં હોવાની પણ ફરિયાદ કરી હતી. એમ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે મોટાભાગનાં ચર્ચ સરકારી, પડતર અને જંગલ ખાતાની જમીન પર બનાવવામાં આવ્યાં છે.