અમદાવાદમાં દિવસેને દિવસે માથાભારે તત્વો દ્વારા ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. હજુ ગેરકાયદે હથિયારો પકડાવાનો કિસ્સો તાજો જ છે, ત્યાં ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મણિનગરમાં એક શખ્સે રિવોલ્વર બતાવી રૂપિયાની માંગ કરી હતી. વેપારીએ પ્રતિકાર કરતાં રસ્તા પર આવી તેણે હવામાં ફાયરિંગ કર્યું હતું. લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
અહેવાલોના જણાવ્યા અનુસાર અમદાવાદની એલજી હોસ્પિટલ નજીક એક શખ્સે જવેલર્સની દુકાનમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્વેલર્સના માલિકે તેનો પ્રતિકાર કરતાં તે ભરેલી રિવોલ્વર લઈને બહાર નાસી છૂટયો હતો. રિવોલ્વર સાથે એક શખ્સને ભરી બજારમાં દોડતો લોકો તેની પાછળ પડ્યા હતા. લોકોને ડરાવવા માટે આરોપીએ હવામાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમ છતાં લોકો તેની પાછળ દોડી રહ્યા હતા. થોડીવાર આમથી તેમ ભાગ્યા બાદ લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.
અમદાવાદ ના મણિનગર રામબાગ પાસે ના પોલિસ સ્ટેશન નજીક ત્રણસો એક મીટર ના અંતરે રિવોલ્વર થી હવા માં કથિત ગોળીબાર, એકત્રિત થયેલ લોકો એ યુવકને પકડી ને પોલીસ ને સોંપ્યો
— Gopi Maniar ghanghar (@gopimaniar) August 15, 2023
ત્રણેક રાઉન્ડ ગોળીબાર કયોઁ હોવાનું લોકો એ કહ્યુ
મણિનગર પોલીસ એ પુછપરછ હાથ ધરી ને વધુ તપાસ શરુ કરી @sanghaviharsh pic.twitter.com/i43sbOOJo2
દેવું વધી જતા રાજસ્થાનના યુવકે લૂંટનું કાવતરું ઘડ્યું
પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતાં તેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત હોવાનુ સામે આવ્યું હતું. આરોપી આર્મીમાં કાર્યરત હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. તેણે આગળ જણાવ્યું પોતાના પર દેવું વધી જતાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે મૂળ રાજસ્થાનના જયપુરનો છે. તે સોમવારે જયપુરથી અમદાવાદ પહોંચ્યો હતો.
સોમવારે મોડી સાંજે અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં ફરતા ફરતા વૃંદાવન જવેલર્સ નજીક લૂંટના ઇરાદાથી પહોંચ્યો હતો. જે બાદ જવેલર્સના માલિકે તેનો પ્રતિકાર કરતાં તે દુકાનમાંથી નાસી છૂટયો હતો. બહાર નીકળી લોકોને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આમ છતાં લોકોએ તેની પાછળ પડી તેને પકડીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચે 9 હથિયારો સાથે 3 આરોપીઓને પકડ્યા
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સાથે આરોપીઓ પકડી પાડયા હતા.ઝડપાયેલા આરોપીઓ ગેરકાયદેસર હથિયારોની તસ્કરી કરીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વેચીને કમાણી કરતા હોવાનું સામે આવ્યું હતું .
દાખલ થયેલી ફરિયાદ અનુસાર ક્રાઇમ બાંચે બાતમી આધારે આરોપી આરીફખાન ઈબ્રાહીમખાન પઠાણની ધરપકડ કરી હતી. જેની પાસેથી 1 પિસ્તોલ અને 6 જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ હથિયાર ક્યાંથી આવ્યું તેની પૂછપરછ બાદ પોલીસે રફીફ અહેમદ ઉર્ફે પંચોલી ઉર્ફે તીલ્લીની ધરપકડ કરી હતી જેની પાસેથી પણ 3 પિસ્તોલ એક મેગઝીન અને 6 કારતુસ મળી આવ્યા હતા.