Monday, November 25, 2024
More
    હોમપેજદેશમહારાષ્ટ્રમાં ધુલેના મંદિરમાં હથિયાર લઈને ઘુસેલા આતંકવાદીને શ્રદ્ધાળુએ ચોડી દીધી થપ્પડ!: આતંકી,...

    મહારાષ્ટ્રમાં ધુલેના મંદિરમાં હથિયાર લઈને ઘુસેલા આતંકવાદીને શ્રદ્ધાળુએ ચોડી દીધી થપ્પડ!: આતંકી, પોલીસ, શ્રદ્ધાળુઓ સૌ કોઈ અચરજમાં, વિડીયો વાયરલ

    વાસ્તવમાં મહારાષ્ટ્રમાં આવેલા ધુલે સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓ આ વાતથી અજાણ હતા. અચાનક થયેલા આ ઘટનાક્રમથી શ્રદ્ધાળુઓમાં ભય ફેલાઈ ગયો હતો. બાળકોએ પણ રોકકળ કરી મૂકી હતી.

    - Advertisement -

    તમે કોઈ મંદિરમાં જાઓ અને અચાનક કેટલાક આતંકવાદીઓ હથિયારો સાથે ધસી આવે તો શું કરશો? બની શકે કે તમે તમારો જીવ બચાવવા પ્રયત્ન કરો અથવાતો તેમનો પ્રતિકાર કરો. પણ જો આતંકવાદીના હાથમાં રાઈફલ હોય અને તેનું નાળચું કોઈના પર તાંકીને કોઈને બંધક બનાવવામાં આવ્યા હોય તો! અઘરું થઇ પડે ને? પણ તેનાથી વિપરીત હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના સ્વામીનારાયણ મંદિરમાં હથિયાર લઈને ઘુસેલા આતંકવાદીને જોઈ શ્રદ્ધાળુએ થપ્પડ ચોડી દીધી હોવાનું નજરે પડી રહ્યું છે. મહારાષ્ટ્રના મંદિરમાં આતંકવાદીને થપ્પડ મારવાની આ ઘટનાને જોઈ લોકો થપ્પડ મારનાર વ્યક્તિની હિમ્મતને વખાણી રહ્યા છે. પણ આ આખી ઘટના પાછળ એક બીજું કારણ પણ છે.

    વાયરલ થયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મંદિરના પરિસરમાં મોઢા પર બુકાની બાંધેલા કેટલાક આતંકવાદીઓ ઘુસી જાય છે. આ દરમિયાન મોઢાપર કાળી બુકાની બાંધેલો આતંકવાદી એક વ્યક્તિને ઘૂંટણ પર બેસાડીને તેના માથા પર રાઈફલનું નાળચું તાંકી દે છે. હજુ લોકો કશું સમજે તે પહેલા જ શ્રદ્ધાળુઓમાંથી એક વ્યક્તિ તે હથિયારબંધ આતંકવાદી તરફ ધસી જાય છે અને તેને કશુંક કહીને તસતસતી થપ્પડ ચોડી દે છે. ઓચિંતા થયેલા આ હુમલાથી આતંકવાદી પણ ચોંકી જાય છે. તેવામાં કેટલાક લોકો થપ્પડ મારનાર વ્યક્તિને ત્યાંથી દુર લઇ જાય છે અને આતંકવાદી ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.

    સ્વામીનારાયણ મંદિરમાં યોજાઈ હતી પોલીસની મોકડ્રીલ

    વાસ્તવમાં મહારાષ્ટ્રમાં આવેલા ધુલે સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓ આ વાતથી અજાણ હતા. અચાનક થયેલા આ ઘટનાક્રમથી શ્રદ્ધાળુઓમાં ભય ફેલાઈ ગયો હતો. બાળકોએ પણ રોકકળ કરી મૂકી હતી. લોકો કશું સમજે તે પહેલા જ ડમી આતંકવાદીએ એક વ્યક્તિને બંધક બનાવી લીધો અને તેના માથા પર હથિયાર તાંકી દીધું. આ જોઇને મંદિરમાં અફરાતફરી મચી ગઈ અને આ બધા વચ્ચે પોતાના બાળકોને રડતા જોઈ ગિન્નાયેલ એક શ્રદ્ધાળુ આતંકવાદી સુધી પહોંચી ગયો અને તેને ખેંચીને એક લાફો ઝીંકી દીધો.

    - Advertisement -

    જોકે આ પછી તરત જ હાજર પોલીસ અધિકારીઓએ તે વ્યક્તિને અટકાવી લીધો. ગુસ્સામાં લાલચોળ થયેલા આ વ્યક્તિને પોલીસે સમજ આપી કે આ કોઈ વાસ્તવિક હુમલો નથી પણ એક મોકડ્રીલ છે ત્યારે છેક થપ્પડ મારનાર વ્યક્તિ શાંત થયો. વાસ્તવમાં પોલીસે આતંકવાદી આપદાના નિવારણ માટે આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જો ક્યારેક આ પ્રકારની કપરી પરિસ્થિતિઓ સર્જાય તો લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે તે પ્રશિક્ષણ હેતુ આ મોક્દ્રીય યોજાઈ હતી. મોકડ્રીલ હોવાની જાણ થતા મંદિરમાં હાજર લોકોને જીવમાં જીવ આવ્યો હતો.

    ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં થયો હતો આતંકવાદી હુમલો

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2002ની 24 સપ્ટેમ્બરે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ પ્રકારનો વાસ્તવિક આતંકવાદી હુમલો થયો હતો. અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસેલા 2 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને પોલીસ કર્મચારી સહીત 30 લોકોની હત્યા કરી હતી અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે આ આતંકવાદીઓએ 14 કલાક સુધી આખા મંદિરને બાનમાં રાખ્યું હતું.

    આ હુમલામાં ગુજરાત પોલીસ દ્વારા 400થી વધુ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા, જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ગમેટી વીરગતિને પામ્યા. અંતે NSG કમાન્ડોએ મોરચો સંભાળ્યો અને લાંબી અથડામણ બાદ બંને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં