ચર્ચાસ્પદ દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાંથી પસાર થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્યાંથી પણ તે પસાર થઇ ગયું છે. ચર્ચા બાદ ધ્વનિ મત દ્વારા બિલ પાસ કરવામાં આવી રહ્યું હતું પરંતુ વિપક્ષ તરફથી મતદાનની માગ કરવામાં આવતાં સ્લીપ થકી મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં બિલના સમર્થનમાં 131 અને વિરોધમાં 102 મત પડ્યા હતા. લોકસભા બાદ બિલ રાજ્યસભામાંથી પણ પાસ થઇ ગયું છે.
ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે (7 ઓગસ્ટ, 2023) રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું, જેની ઉપર દિવસ દરમિયાન ચર્ચા ચાલી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે બિલ પર જવાબ રજૂ કર્યો હતો.
Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2023 passed in #RajyaSabha with 131 Ayes against 102 No votes. #DelhiServiceBill #DelhiOrdinanceBill pic.twitter.com/UACB6FztbH
— OpIndia.com (@OpIndia_com) August 7, 2023
ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે વ્યવસ્થા હતી તે જ વ્યવસ્થા લાવવા માટે બિલમાં જોગવાઈઓ કરવામાં આવી છે અને તેમાં કોઈ પણ પરિવર્તન નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ વિધેયક કોઈ પણ રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી. સાથે એમ પણ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે પાવર લેવાની જરૂર નથી કારણ કે પહેલેથી જ 130 કરોડની જનતાના આશીર્વાદથી પાવર મળ્યો છે. તેમણે કહ્યું કે બિલની એક પણ જોગવાઈ ખોટી નથી ક.
ગૃહમંત્રીએ રાજ્યસભામાં પણ કહ્યું કે, દિલ્હીમાં વર્ષ 2015 સુધી ભાજપ અને કોંગ્રેસની સરકારો રહી પરંતુ ક્યારે કોઈ વાતનો ઝઘડો ન થયો. તે સમયે આ જ વ્યવસ્થાથી નિર્ણય કરવામાં આવતા હતા અને ટ્રાન્સફર પોસ્ટિંગમાં પણ કોઈ પણ પ્રકારનો વિવાદ થતો ન હતો.
આ દરમિયાન ગૃહમંત્રીએ આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા અને દારૂ કૌભાંડ અને શીશમહલનો પણ ઉલ્લેખ કર્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં લોકસભામાં પણ ગૃહમંત્રીએ આ બિલ પર ચર્ચા કરતી વખતે AAP અને દિલ્હી સીએમ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, તેમનો મૂળ ઉદ્દેશ્ય કરોડોના બંગલાનું સત્ય છુપાવવાનો છે.
રાજ્યસભામાં બોલતી વખતે ગૃહમંત્રીએ કહ્યું કે, જે વિજિલન્સને નિશાન બનાવવામાં આવ્યો તેની જ પાસે મુખ્યમંત્રીના બંગલાની ફાઈલ હતી, જેમાં 6 ગણો ખર્ચ થયો હતો. તેમની પાસે ઇન્ટેલિજન્સ યુનિટ નથી પરંતુ તેમણે ફીડબેક યુનિટ બનાવ્યું, જેની તપાસ વિજિલન્સ પાસે જ છે અને જો તેમ ન થાત તો તમામ કૌભાંડોની ફાઈલ ગુમ થવા મામલે તપાસ કરવી પડી હોત. તેમણે ઉમેર્યું કે, અમે આ બિલ શક્તિને કેન્દ્રમાં લાવવા નહીં પરંતુ કેન્દ્રને અપાયેલી શક્તિ પર દિલ્હી UTની સરકાર અતિક્રમણ કરી રહી છે તેને રોકવા માટે લાવ્યા છીએ.