હરિયાણાના નૂંહ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ બુલડોઝર ગરજી રહ્યાં છે. દરમ્યાન રવિવારે (6 ઓગસ્ટ, 2023) નૂંહની એક સહારા હોટેલને પણ તોડી પાડવામાં આવી છે. હિંસા દરમિયાન આ જ હોટેલની છત પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.
આ હોટેલ નૂંહ વિસ્તારના ઝંડેવાલાન ચોકથી નલ્હડની વચ્ચે સ્થિત હતી. અધિકારીઓનું કહેવું છે કે તેને ગેરકાયદેસર રીતે તાણી બાંધવામાં આવી હતી અને જેને લઈને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. આખરે આજે સ્થાનિક તંત્રના અધિકારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દીધાં હતાં. સ્થળ પર હાજર અધિકારીએ જણાવ્યું કે, આ જ હોટેલની છત પરથી યાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેની અમે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, અન્ય દબાણોને પણ નોટિસ પાઠવવામાં આવી રહી છે.
#WATCH यह इमारत पूरी तरह से अनधिकृत थी और इसे सरकार और विभाग द्वारा नोटिस दिया गया था। आज ये कार्रवाई की जा रही है। यह एक होटल कम रेस्तरां है और पूरी तरह से अनधिकृत है। यहां से यात्रा पर गुंडों ने पथराव किया था इसलिए यह कार्रवाई की जा रही है: जिला नगर योजनाकार विनेश कुमार pic.twitter.com/NZz1lk7wvm
— ANI_HindiNews (@AHindinews) August 6, 2023
બુલડોઝર એક્શન સતત ત્રણ દિવસથી યથાવત
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે નૂંહથી 20 કિલોમીટર દૂર આવેલા તાવડુમાં ગેરકાયદેસર કબ્જો કરીને બેઠેલા લોકોનાં લગભગ 250 જેટલાં ઝૂંપડાં પણ પડાયા હતાં. તેમાંથી મોટાભાગના રોહિંગ્યા મુસ્લિમો હોવાનું અને બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને અહીં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, તેઓ હિંસામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું હતું. રોહિંગ્યાઓએ હરિયાણા શહેર વિકાસ નિગમની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં તેઓ નૂંહમાં થયેલી હિંદુવિરોધી હિંસામાં પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સાથે પોલીસતંત્રની મદદથી ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ શનિવારના (5 ઓગસ્ટ, 2023) રોજ વહેલી સવારે પણ પોલીસ ફોર્સ સાથે અધિકારીઓ 4 બુલડોઝર લઈને નૂંહ પહોંચ્યા હતા. જ્યાં નલ્હડ રોડ પર SKM ગવર્મેન્ટ મેડિકલ કોલેજની નજીક 45 દુકાનો અને મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓનું કહેવું હતું કે આ ગેરકાયદેસર નિર્માણ હોવાથી અને અહીં રહેતા લોકો 31 જુલાઈની હિંસામાં સામેલ હોવાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ સાથે જ આજે એટલે કે રવિવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાંથી રાહત આપવામાં આવી છે. આ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ લઈ શકાશે. આ સિવાય તંત્ર દ્વારા ઈન્ટરનેટ સેવા 8 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, નૂંહ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 104 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે. એ સિવાય 80 લોકોને કસ્ટડીમાં લેવાયા છે.