હરિયાણાના મેવાત વિસ્તારમાં સ્થિત નૂંહમાં સોમવારે (31 જુલાઈ, 2023) હિંદુઓની શોભાયાત્રા પર મુસ્લિમ ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસામાં 6 લોકોનાં મોત થયાં છે તો અનેક વાહનો અને સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું. હિંસા શાંત પડ્યા બાદ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે, જે મામલે અનેક FIR દાખલ કરવામાં આવી છે, જેમાંથી અમુક ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં ઇસ્લામી ટોળાએ કરેલી હિંસા વિશે વિગતે જાણવા મળે છે.
આ મામલે દાખલ કરવામાં આવેલ એક FIR આબિદ હુસૈન નામના એક સબ ડિવિઝનલ એન્જિનીયરની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે. જેમાંથી ઘટસ્ફોટ થયો કે 400થી 500 ઇસ્લામી તોફાનીઓના એક ટોળાએ નૂંહના વૉર્ડ નંબર-9ના એક રામ મંદિરમાં 35થી 40 શ્રદ્ધાળુઓને બંદી બનાવી લીધા હતા. નોંધનીય છે કે હુસૈન જળાભિષેક યાત્રા દરમિયાન નૂંહ પોલીસ સ્ટેશને ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે ફરજ પર હાજર હતા.
FIRની વિગતો
આ FIR IPCની કલમ 148, 149, 186, 332, 307, 342 તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાં 700થી 800 અજાણ્યા લોકો સામેલ છે. ફરિયાદમાં આબિદ હુસૈને જણાવ્યું કે, તેઓ અન્ય એક અધિકારી સાથે હતા ત્યારે મુસ્લિમ સમુદાયના 700થી 800 લોકોએ શ્રદ્ધાળુઓ અને પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર અને પથ્થરમારો શરૂઓ કરી દીધો હતો. તેમણે સરકારી અને ખાનગી વાહનોને પણ આગ લગાડી.
હુમલો થયો ત્યારે હુસૈન અને અન્ય અધિકારીઓ નૂંહ બસ સ્ટેન્ડ પર હાજર હતા. તેમને જણાવવામાં આવ્યું કે, તોફાનીઓએ વૉર્ડ નંબર 9 સ્થિત રામ મંદિર પર હુમલો કરીને 35થી 40 ભક્તોને બંધક બનાવી લીધા છે. તેઓ ભક્તોને મંદિર પરિસરની બહાર જવા દેતા ન હતા. જ્યારે પોલીસ અધિકારીઓ સ્થળે પહોંચ્યા તો 400થી 500 તોફાનીઓએ તેમની ઉપર લાકડી-દંડા સહિતના હથિયારો વડે હુમલો કરી દીધો અને ગોળીબાર પણ કરવા માંડ્યો હતો.
ફરિયાદમાં હુસૈને જણાવ્યું કે, તેમણે તોફાનીઓનું ટોળું વિખેરવા માટે કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા અને ત્યારબાદ સ્થિતિ કાબૂમાં લેવામાં આવી. પછીથી મંદિરમાં બંધક બનાવવામાં આવેલા શ્રદ્ધાળુઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા.
નૂંહ હિંસાને લઈને ઑપઇન્ડિયાનું સંપૂર્ણ કવરેજ અહીંથી વાંચી શકાશે.